• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Migration Of Residents Due To Sewage Mixed Water, Allegation That The Corporation Failed To Solve The Problem Of Ward No. 13: Landlords Are Becoming Tenants

આક્ષેપ:ગટર મિશ્રિત પાણીથી રહીશોની હિજરત, વોર્ડ નં.13ની સમસ્યા ઉકેલવા પાલિકા નિષ્ફળ ગયાનો આક્ષેપ : મકાન માલિકો ભાડુત બની રહ્યા છે

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામમાં અમુક વિસ્તારો મૂળભૂત સુવિધાના અભાવથી પરેશાની ભોગવી રહ્યાનું સામે આવ્યું છે. શહેરના વોર્ડ 13માં આવેલી હાઉસિંગ સોસાયટીના એક વિભાગમાં છેલ્લા ચાર માસથી ગટર મિશ્રિત પાણી આવતા રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને રજૂઆતોના અંતે પણ નિવારણ ના આવતા હવે સ્થાનિકો પોતાના માલિકી મકાન મૂકી બહાર ભાડાના મકાનમાં રહેવા જવા મજબૂર બન્યા છે. અન્ય સ્થળોએ પણ આવી સ્થિતિનું નિર્માણ છેલ્લા કેટલાય સમયથી થયું છે.

નગરપાલિકાના ગેરવહીવટને લઇને કેટલાક વિસ્તારોમાં ગટર અને પાણીની લાઇન લીકેજને કારણે દૂષિત પાણીનો પ્રશ્ન અવારનવાર ઉદ્દભવે છે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવ્યા છતાં યોગ્ય ઉકેલ લાવવાને બદલે હંગામી રીતે મરંમત કરી દેવામાં આવતા પરીસ્થિતિ લાંબા ગાળે યથાવત રહેતી હોય છે. શહેરના વોર્ડ 13માં આવેલી ગુજરાત હાઉશીંગ સોસાયટી એમઆઇજી-15ના રહેવાસી હિતેશભાઈ ચૌહાણે રોષ પૂર્વક જણાવ્યું કે, તંત્ર દ્વારા આવતા પાણી ગટરવાળા દુર્ગંધ મારતા હોવાથી તેના નિકાલની વધારાની જવાબદારી નિભાવવી પડે છે. તેના નિકાલ માટે મહેનત કરવી પડે છે તો ક્યારેક માણસ રોકી ટાંકા સાફ કરાવવા પડે છે. બોરનું પાણી ખેંચવા સતત મોટર ચાલુ રાખવી પડે છે તેથી લાઈટ બિલનો વધારાનો ખર્ચ ભોગવવો પડે છે. ત્રણ માસ પહેલા આ વિશે તંત્રનું ધ્યાન દોર્યું હતું છતાં નિવારણ આવ્યું નથી. આજ સોસાયટીમાં રહેતા અન્ય રહેવાસીએ કહ્યું કે, માંદગીના સમયમાં દૂષિત પાણી વિતરિત થતા હવે આ ઘરોમાં રહેવું મુશ્કેલ બન્યું છે. અમારે પોતાના મકાન મૂકી હવે અન્ય સ્થળે ભાડાના મકાનમાં રહેવા જાઉં પડે એવી પરિસ્થિતિ ઉભી થઇ છે. કેટલાક લોકો મકાન પણ નક્કી કરી આવ્યા છે. હજુ પણ નગરપાલિકા દ્વારા યોગ્ય નિરાકરણ હાથ ધરાય એવી રહેવાસીઓની માગ છે. જ્યારે બીજી બાજુ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો પૈકી મનોજભાઇ ચાવડાએ અગાઉ વખતો વખત પાલિકામાં રજૂઆત કરીને સુવિધાઓ ઉભી થાય તે માટે પ્રયત્ન કર્યા હતા અને પાણીનો પ્રશ્ન હલ થાય તે દિશામાં કાર્યવાહી કરાવી હતી.

લાખો રૂપિયાનો ખર્ચ એળે જાય છે
સંકુલના લોકોને પીવાનું પાણી નર્મદાનું મળી રહે તે માટે પગલા ભરવામાં આવે છે. 32થી 35 એમએલડી પાણીનો ઉપાડ છતાં સમયાંતરે પાણી મળતું ન હોવાની ફરિયાદો ઉઠતી હોય છે. વળી, થોડા સમય પહેલા ભાજપની અંદરઅંદરની ખટપટને કારણે લોકોને પાણી મળતું ન હોવાનો પ્રશ્ન ઉભો થયો હતો. બેદરકારીને કારણે જે તે સમયે પાણીની સમસ્યા ઉદ્દભવી હતી.

અન્ય સમાચારો પણ છે...