તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Gandhidham
  • Lessons Taught By The Vice President To The Chairmen Of The Committee, 10 Chairmen Of The Committee Present, The Burden Of 'Administration' Of The President Executive Chairman Will Be Reduced

આયોજન:સમિતિના ચેરમેનોને ઉપપ્રમુખે ભણાવ્યા પાઠ, 10 સમિતિના ચેરમેન હાજર , પ્રમુખ -કારોબારી ચેરમેનનો ‘વહીવટ’નો ભાર ઘટશે

ગાંધીધામ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કામોથી લઈને અન્ય નાના-મોટા લોકહીતના કામો ઝડપી ઉકેલાય તે માટે વિવિધ બાબતોની જાણકારી અપાઇ

ગાંધીધામ નગરપાલિકામાં છેલ્લા કેટલાય વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન બનેલી સમિતિઓને સર્કિય બનાવવાના હેતુથી હિલચાલ શરૂ કરવામાં આવી હોવાની વિગત બહાર આવી રહી છે. ડઝન સમિતિઓના ચેરમેનોને માર્ગદર્શન પુરૂં પાડવા માટે અને પાઠ ભણાવવા ઉપપ્રમુખ દ્વારા તેમની ચેમ્બરમાં યોજવામાં આવેલી બેઠકમાં 10 ચેરમેનો હાજર રહ્યા હતા. જે ચેરમેનોને તેમના અધિકાર અને ફરજ શું છે તેની જાણકારી આપવામાં આવી હતી. લોકોના હિતને ધ્યાનમાં રાખીને સંસ્થાના નિયમની જાણકારી આપી કેવી રીતે પગલાં ભરી લાવી શકાય તે અંગે ગુરુમંત્ર ફૂકવામાં આવ્યો હતો.

આ બેઠકને લઈને ભાજપના એક જૂથના ભવા ખેંચાયા છે જે આગામી દિવસોમાં અસરકારક બની શકે તો નવાઈ નહી.નગરપાલિકામાં ચારથી પાંચ ટર્મથી ભાજપનું શાસન છે. લોકો ભાજપને ખોબલે ખોબલે મત આપી રહ્યા છે. દર વખતે વિપક્ષ મેદાન મારી જશે તેવું વાતાવરણ પણ થાય છે પરંતુ ભાજપના ગઢના કાંકરા ખેરવામાં કોંગ્રેસ સફળ થતી નથી. આ વખતની ચૂંટણીમાં તો વિક્રમ સર્જાયો અને અગાઉની બેઠક કરતાં ધરખમ વધારો થયો છે. 45 સભ્યોમાંથી વધારો થઈને 47 સભ્યો 52 માંથી ચૂંટાયા હતા. બહુમતીનો ભાર વર્ષોથી સહન કરતી ભાજપ પક્ષની પ્રતિષ્ઠા કોઈને કોઈ બહાના હેઠળ ખરડાઈ રહી છે.

લોકોના કામો જે સમયસર થવા જોઈએ તે કરવામાં ભાજપથી વર્તમાન બોડી પણ ક્યાંકને ક્યાંક ઉણી ઉતરી રહી છે દરમ્યાન નવા ચૂંટાયેલા સભ્યોને પૂરતા પ્રમાણમાં માર્ગદર્શન મળે તે માટે જે પગલાં ભરવા જોઇએ તે પણ ભરાતા નથી તેવી છાપ પણ ઉપસી રહી છે. દરમિયાન ઉપપ્રમુખ બળવંત ઠક્કરે જુદીજુદી સમિતિઓના ચેરમેનઓ આજે તેમની ચેમ્બરમાં બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઉપસ્થિત જે તે સમિતિના સભ્યોને તેમના વિભાગના મુદ્દાઓ શું છે તે સહિતની બાબતો ધ્યાને લઈ જાય વિકાસ કામોમાં આગળ ધપાવવા શું કામગીરી થઈ શકે જે અંગે માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

આપવામાં આવેલા માર્ગદર્શનમાં જેતે સમિતિ હેઠળ તેના કાર્યક્ષેત્રમાં આવતા અધિકાર અને ફરજ સિક્કાની બંને બાજુ હોવાનું જણાવી પ્રમુખ અને કારોબારી ચેરમેનનો વહીવટી ભાર ઓછો થાય તે અંગે પણ તેના વિભાગના કામો ઝડપથી શરૂ થાય અને લોકોના પ્રશ્નો જે આવે છે તે પણ તાકીદે તેનો ઉકેલ આવે તે દિશામાં પગલાં લઈ શકાય તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેવા સંકેત મળી રહ્યા છે.

આજની આ સમિક્ષા બેઠકને બીજી તરફ કેટલાક વર્તૂળો અન્ય રીતે પણ મુલવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકામાં સત્તાની ખેંચતાણમાં લોકોના કામો અટવાઇ રહ્યા છે. કરોડો રૂપિયાની વિકાસ યોજનાઓ ખોરંભે પડી રહી છે તેવા સમયે હવે છેલ્લા દશકામાં સંભવત: પ્રથમ વખત આવી રીતે બોલાવવામાં આવેલી બેઠકે ચર્ચાનો ચકડોળ શરૂ થયો છે. જોકે, નવા ચૂંટાયેલા સભ્યોને ભાજપ શિબિરનું આયોજન કરીને માર્ગદર્શન આપે છે તેનો આ ભાગ પણ ગણાવાઇ રહ્યો છે.

દર મહિને જે તે સમિતિની બેઠક બોલાવવામાં આવશે
નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંત ઠક્કરે વાતચીતમાં જણાવ્યું હતું કે આજે જે તે સમિતિના ચેરમેન અને બોલાવીને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું જેમાં તેના કાર્યક્ષેત્રમાં શું આવે છે તેની સમજણ અંગે માહિતી આપવામાં આવી હતી. પાલિકાના વહીવટમાં શું કામગીરી થઇ શકે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આજની બેઠક પછી હવે દર મહિને જે તે સમિતિની બેઠક પણ જે ચેરમેનો બોલાવશે અને તેના વિભાગને લગતા વિવિધ નિર્ણય લઈને કારોબારી કે સામાન્ય સભામાં મુકશે. જાણકારોના મત મુજબ હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં કારોબારી સમિતી સમગ્ર વહીવટ કરી રહી છે જેને લઇને જેતે સમિતિઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વમાં હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. શોભાના ગાંઠિયા સમાન બનેલી આ સમિતિઓ સળવળાટ આવે અને તેમને આપવામાં આવેલી જવાબદારી સારી રીતે નિભાવી શકે તે માટે લેવામાં આવેલી આજની આ બેઠક સારા પરિણામ લાવી શકે તેમ છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જે સભ્યો ચૂંટાયા છે તેમાં કેટલાકમાં અનુભવ ન હોવાથી કોઈકને કોઈક લોચા મારતા હોવાને લઈને વહીવટને વ્યાપક અસર પડી હતી તેવી પણ વાત બહાર આવી હતી. આમાં સંઘ કાશીએ કેવી રીતે પહોંચાડવો તે પણ એક પ્રશ્ન છે.

નવાજૂની થવાનું પણ વાતાવરણ
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ નગરપાલિકામાં હાલ સત્તાની ખેંચતાણ ચાલી રહી છે તેમાં કોણ મેદાન મારશે તે તો આવનારો સમય બતાવશે. આમને સામને બળાબળના પારખા કરવામાં આવી રહ્યા છે. સંકલનના અભાવે લોકોના પ્રશ્નો નો ઉકેલ લાવવામાં જે તે વિસ્તારના સભ્યોના રજૂઆત પછી પણ સત્તાધીશો સફળ થઈ શક્યા નથી. દરમિયાન આજે બોલાવેલી બેઠકોના સમીકરણો આગામી દિવસોમાં અનેકવિધ પ્રશ્નો ઊભા કરે તો નવાઈ નહીં તેવું વાતાવરણ જળવાઈ રહ્યું છે. ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો છે. તેની સાથે બાહુબલી નેતાઓ પોતાના વિસ્તારના કામો કરવાથી લઈને વર્ચસ્વની લડાઇ લડી પોતાના હિત જાળવવાથી લઈને તેમના વિસ્તારમાં વિકાસ કામો વધુને વધુ થાય તે માટે સક્રિય રહેતા હોવાથી પાછા પડતા નથી તે હકિકત છે. ભૂતકાળમાં ઘણા બધા સમીકરણો રચાયા હતા તે અંગે પણ હાલ પાલિકાની લોબીમાં કેટલાક લોકો ચર્ચા રહ્યા છે અને કંઈક નવાજૂની થાય તેવો પણ સંકેત વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ નવાજૂનીના સમીકરણોમાં કેટલાય સભ્યો ન જોડાય તો સંઘ કાશીએ પહોંચી ન શકે અને પાર્ટી ને જ વફાદાર રહેતા હોવાથી જે તે વિસ્તારના પ્રતિનિધિઓ દાઝી જવાને બદલે હાલ અંદરોઅંદર બળાપો કાઢીને પણ જે સમય કાઢી રહ્યા છે તે પદ્ધતિ ચાલુ રાખે તો પણ નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...