હત્યાનો પ્રયાસ:લાકડિયા પાસે ચોરીની શંકા રાખી હોટલ સંચાલક સહિત 12 જણા યુવાન પર તૂટ્યા

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ-સામખિયાળી હાઇવે હોટલ પર બીજા વર્ષે પણ આવો બનાવ બન્યો

ભચાઉ તાલુકાના લાકડિયા પાસે હાઇવે હોટલ પર ટ્રક ચોરી કરવાની શંકા જતાં હોટલ ઉપર હાજર ટ્રક ચાલકો અને ખલાસીઓ તેમજ હોટલનો ચોકીદાર સહિત 12 થી 13 લોકો પાઇપ, લાકડી અને ધોકા સાથે તૂટી પડ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનને વધુસારવારહેઠળ ભુજ ખસેડાયો છે. તેણે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે, તો સામે પક્ષે ટ્રક ચાલકોએ ટ્રક ચોરી કરવાનો પ્રયાસ કરતાં જોઇ જતાં ઝપાઝપી કરાઇ હોવાની ફરિયાદ નોંધાવી છે.

લાકડિયાના ગાયત્રીનગરમાં રહેતા 25 વર્ષીય અલ્તાફ લતિફ ગગડાએ લાકડિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ઘટના ગત રાત્રે 10:30 વાગ્યાના અરસામાં બની હતી જેમાં સંધુ સરદાર પંજાબી ઢાબા ( ભટિન્ડા વાલે) પર લાકડિયાના સન્ની પંજાબી, હોટલનો ચોકિદાર, ત્યાં પાર્ક કરેલી મોટી ગાડીનો એક ચાલક તેમજ અજાણ્યા આઠ થી દશ લોકોગેરકાયદેસર મંડળી રચી પાઇપ, લાકડી અને ધોકા સાથે સામે આવી જતાં કંમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રકમાં ચડી જતાં તેમને ચોર સમજી પાઇપ, લાકડી અને ધોકા વડે મારી નાખવાના ઇરાદે હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત અલ્તાફને વધુ સારવાર માટે ભુજ ખસેડાયો હતો.

તો, સામે પક્ષે મોહાલી રહેતા ટેન્કર ચાલક સુખવેન્દરસિંગ બલવંતસિંગ સંધુએ સામી ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ કંડલાથી ટેન્કરમાં ગેસ લોડ કરાવી ભટિન્ડા જવા નિકળ્યા હતા. ગત રાત્રે તેઓ લાકડિયા પાસે સંધુ સરદાર પંજાબી ઢાબા પર પહોંચતાં ટેન્કરમાં પંક્ચર પડી ગયું હોવાથી ચાવી ગાડીમાં જ તેમણે રાખી હતી. રાત્રે તેઓ જમીને બહાર નીકળ્યા ત્યારો રાડો રાડ સાંભળતાં તેમણે જોયું કે તેમનું ટેન્કર કોઇ ચલાવીને લઇ જતું દેખાતાં સિક્યુરીટી ગાર્ડને રોકવા જણાવ્યું હતું. અંદર સવાર ઇસમને નીચે ઉતારી પુછપરછ કરતાં તેમણે ઉશ્કેરાઇને ઝપાઝપી કરી હતી. એટલામાં હોટલ માલીક સન્નીભાઇ અને બીજા આઠ દશ લોકો પણ આવી જતાં તે ભાગ્યો હતો જેને પકડી મેથીપાક ચખાડ્યો હોવાનું તેમણે જણાવી એ ચોરીનો પ્રયાસ કરનાર લાકડિયાના અલ્તાફને ઇજા થઇ હોવાને કારણે ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ઇન્ચાર્જ પીઆઇ એન.કે.ચૌધરીએ બન્ને પક્ષની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. લાકડિયા પાસે જ ગત વર્ષની જેમ આ વર્ષે પણ આ પ્રકારનો બનાવ બન્યો છે.