હાલાકી:ઓસ્લો ફ્લાયઓ‌વરના કામમાં ગતિનો અભાવ, ગાંધીધામ- આદિપુરના જીવાદોરી સમાન રોડ પર ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે

ગાંધીધામ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષમાં કામ પુરૂં થશે કે કેમ તે એક પ્રશ્ન
  • સર્વિસ રોડની મરંમત કરવામાં પણ માર્ગ અને મકાન વિભાગ અને પાલિકા વચ્ચે અંટશ
  • દબાણ દૂર કરવા મુહૂર્ત કાઢવું પડશે

ગાંધીધામ- આદિપુરના જીવાદોરી સમાન બનેલા ટાગોર રોડ પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા ઓસ્લો સર્કલ પર ફ્લાય ઓ‌વરનું કામ નક્કી કરવામાં આવ્યું છે. મંદ ગતિથી ચાલતા કામમાં ઝડપ લાવવા માટે દિવાળી પછી કામગીરી વેગવાન બનશે તેવી શક્યતા હતી પરંતુ હજુ જોઇએ તેવી ગતિવિધિ તેજ બની હોય તેમ જણાતું નથી. વાહન ચાલકો ટ્રાફિકની સમસ્યાથી અકળાઇ રહ્યા છે. બીજી તરફ ટાગોર રોડ પરના દબાણો દૂર કરવા માટે પાલિકા, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ ત્રણેયના સંયુક્ત પ્રયત્ન થવા જોઇએ તે પણ કમનસીબે ન થતાં લોકોની અકળામણ અને પીડામાં વધારો થઇ રહ્યો છે.

ટ્રાફિકનું ભારણ ઘટાડવાના હેતુથી સરકાર દ્વારા ઓસ્લો સર્કલ પર ફ્લાય ઓવર અંદાજે 30 કરોડથી વધુ રકમના ખર્ચે બનાવવા મંજુરી આપવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના નેજા હેઠળ ચલાવાઇ રહેલા આ કામમાં શરૂઆતના સમયમાં થોડી ઝડપ જરૂર જણાતી હતી પરંતુ ત્યાર બાદ યોગ્ય રીતે મોનીટરીંગ થતું ન હોય કે અન્ય કારણોસર જે ઝડપે કામ થવું જોઇએ તે થતું ન હોવાની ફરિયાદો વાહન ચાલકો કરી રહ્યા છે. ડિઝાઇન તૈયાર કરવામાં આવ્યા પછી સંબંધિત એજન્સીને કામ પણ સોંપી દેવામાં આવ્યું છે. એક વર્ષમાં કામ પૂર્ણ કરવાનું છે તેમાં લોકોને અનેકવિધ સમસ્યા ઉભી થશે તેવી નેતાઓએ જાહેરાત કરીને આ સુવિધા માટે થોડીક સહન કરવાની વૃતિ કરવા પણ ટકોર લોકોને કરી હતી. દરમિયાન ટાગોર રોડ પરના સર્વિસ રોડ ખખડધજ હાલતમાં રહ્યા છે. જેને લઇને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ એક સમસ્યા છે. દિવાળી પહેલા કેટલાક દબાણો હટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ જે રીતે દબાણ યથાવત સ્થિતિમાં છે તે જોતાં ફરી એજ સ્થિતિ ઉભી થઇ રહી હોવાનો કલબલાટ વાહન ચાલકો કરી રહ્યા છે. વાહન ચાલક મોહિતભાઇએ જણાવ્યું હતું કે, ગાંધીધામ- આદિપુર આવન-જાવન રોજ કરવી પડે છે. પરંતુ યોગ્ય સુવિધા મળવી જોઇએ તે મળતી નથી. દરમિયાન માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બદલાણીયાએ ફોન રીસીવ ન કરતાં વર્તમાન કામમાં ઝડપ કેવી રીતે આવશે અને દબાણ હટાવવા માટે શું આયોજન કરવામાં આવ્યું છે તેની માહિતી મળી શકી ન હતી.

ચારેક વર્ષ પહેલા સામુહીક રીતે દબાણ હટાવ્યા હતા
તાલુકા સંકલનથી લઇને જિલ્લા સંકલન સુધીની બેઠકમાં અવારનવાર ટ્રાફિકનો પ્રશ્ન ચર્ચાયો હતો. ટાગોર રોડ પર વધતા ટ્રાફિકમાં દબાણ પણ કંઇક અંશે કારણભુત હોવાનું સામે આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને પાલિકાના સંયુક્ત પ્રયાસથી એઓ બિલ્ડીંગથી આદિપુર સુધીના ટાગોર રોડના જુદા જુદા દબાણો કોઇને શેહશરમ રાખ્યા વગર હટાવવામાં આવ્યા હતા. તેની આજે વાહન ચાલકો યાદ કરીને આવા કડક પગલાની જરૂરીયાત હોવાનો સુર પણ વ્યક્ત કરી રહ્યા છે. ઇફ્કોના દબાણનો પ્રશ્ન પણ હવે ધીમે ધીમે હલ થઇ રહ્યો છે.સર્વિસ રોડ ખુલ્લો થવાની દિશામાં પગલા ભરાઇ રહ્યા છે. આગામી દિવસોમાં હવે તંત્ર દ્વારા મુહૂર્ત જોયા વગર આ દબાણ હટાવવા માટે શું કાર્યવાહી કરે છે તેની ઉપર લોકોની મીટ મંડાણી છે. મામલતદાર તરીકે નવા આવેલા મેહુલભાઇ અગાઉ અહીં કામ કરી ચૂક્યા છે. તેની સાથે સંકલનમાં રહીને ચીફ ઓફિસર અને પોલીસ વિભાગ દ્વારા પીડબલ્યુડીના સહયોગ સાથે આગળ વધવાની જરૂર છે. આ માટે તંત્ર મુહૂર્ત ન જોવે તે પણ ઇચ્છનીય છે. દબાણ હટાવવા માટે પાલિકાના અધિકારી- પદાધિકારી ઉપરાંત પ્રાંત ઓફિસર ડૉ. જોશી વગેરેએ પણ આ બાબતે અંગત રસ લઇને યોગ્ય કાર્યવાહી કરવા આગળ વધે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...