તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:સોસાયટીના રહીશોને પ્રાથમિક સુવિધાનો અભાવ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુર નજીકની ગોલ્ડન સિટીના રહીશોને પડી રહેલી હાલાકી
  • નવેમ્બરમાં 2.80 કરોડના વિકાસ કામોની જાહેરાતમાં પણ મેઘપર કુંભારડીની ઉપેક્ષા

મેઘપર કુંભારડીમાં આવેલી ગોલ્ડન સિટી વસાહત આદિપુરની નજીક ગણાય છે, પરંતુ સરકાર દ્વારા સેવાતી ઉપેક્ષાને કારણે આ વિસ્તારની સોસાયટીઓના રહેવાસીઓ ગટર, પાણી, સાફસફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવથી ત્રસ્ત થઈ ગયા છે. દર વર્ષે વિવિધ યોજનાઓ તળે વિકાસકામો ની મસમોટી જાહેરાતો બાદ કોઈ જ કામગીરી શરૂ નથી થઈ ત્યારે લડતના મૂડ માં આવી ગયેલા લોકો આ વિસ્તારને ગાંધીધામ પાલિકાના વહીવટ હેઠળ સમાવવાની માંગ ઉઠાવી રહ્યા છે.

ગોલ્ડન સિટી વિસ્તારમાં ભક્તિનગર 1-2-3, ગોલ્ડન કોમ્પ્લેક્સ, ગુરુકૃપા સોસાયટી, મેહદી સોસાયટી, પ્રભાત સોસાયટી જેવી વિવિધ વસાહતો બનેલી છે. આ તમામ સોસાયટીઓ ના લોકો એક જ પ્રકારની સમસ્યાઓથી પીડાય છે. રખડતા ઢોર, ઉભરાતી ગટરો, પીવાના પાણીની અનિયમિતતા, સાફસફાઇના અભાવ ચારેકોર જોવા મળે છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહજરીથી લોકો અકળાઈ ગયા છે અને નક્કર કામની માંગણી કરી રહ્યા છે.

બીજી તરફ ગત વર્ષે રાજ્ય સરકારની એટીવીટી યોજના હેઠળ અંજાર તાલુકાના 10 ગામમાં 2.80 કરોડના ખર્ચે વિવિધ વિકાસકામ જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં બહોળી વસ્તી ધરાવતા મેઘપર કુંભારડીના આ વિસ્તારની અવગણના જ કરવામાં આવી હતી. આ સિવાય અવારનવાર જુદાજુદા સમયે જાહેર કરાયેલા કામો કોરોના - માર્ચ એન્ડિંગ જેવા કારણો આપી ને શરૂ કરવામાં ન આવતા તેની વણવપરાયેલી ગ્રાન્ટ ક્યાં ચવાઈ ગઈ તે પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

અહીંના રહેવાસીઓના કહ્યાનુસાર સાફસફાઈ, પાણીના પ્રશ્ને સૌ આત્મનિર્ભર બની ગયા છે. રૂપિયા ખર્ચીને પીવાના પાણીના ટેન્કર બોલાવવા,, જાતે બિસમાર રસ્તાઓની સાફસફાઈ કરવી એ અહીંના લોકો માટે સામાન્ય બની ગયું છે. ઉલ્લેખનીય છે કે, કેટલાક બિલ્ડરો દ્વારા સ્કીમ મુકીને પ્રાથમિક સુવિધાઓ અપાશે તેવી બાંયેધરી આપવામાં આવે છે પરંતુ ત્યાર બાદ કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા ન હોવાની બૂમ પણ ગ્રાહકોમાંથી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...