કાર્યવાહી:FIR ઓનલાઇન કરવામાં મોડું કરનાર ખડીરના PSI સસ્પેન્ડ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં ઓનલાઇન કરવાની હોય
  • પીએસઓને પણ ફરજ મોકૂફ કરાયા

કોઇપણ પોલીસ મથકમાં એફઆઇઆર નોંધાયા બાદ 24 કલાકમાં ઈ-ગુજકોપ અંતર્ગત એફઆઈઆરને ઓનલાઈન કરવાનો નિયમ છે પરંતુ એફઆઇઆર ઓનલાઇન કરવામાં વિલંબ કરનાર ખડીર પોલીસ મથકના પીએસઆઈ અને પીએસઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

સત્તાવાર સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ નિયમ મુજબ પોલીસ મથકમાં નોંધાતી ફરિયાદ 24 કલાકમાં ઓનલાઈન અપલોડ કરવાની હોય છે. પરંતુ, પીએસઆઈ એમ.બી. ઝાલા અને પોલીસ સ્ટેશન ઓફિસર મહિપાલસિંહ રાઠોડે એક એફઆઈઆર 72 કલાકે અપલોડ કરી હતી. આ મામલે તાજેતરમાં એસપી મયૂર પાટીલે બેઉને સસ્પેન્ડ કરવાના હુકમ કર્યો હતો. જાણકાર સૂત્રોના જણાવ્યા મુજબ અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કના ધાંધિયા હોય તો નજીકના પોલીસ મથકે જઇ એફઆઇઆર ઓનલાઇન કરાવી શકાય છે.

પરંતુ ખડીર પીએસઆઇ અને પીએસઓએ 72 કલાક બાદ ઓનલાઇન કરી નિયમનો ભંગ કર્યો હોવાને કારણે આ બન્નેને ફરજ મોકૂફ કરવાનો આદેશ પૂર્વ કચ્છ પોલીસવડાએ કર્યો હતો. અહીં નોંધવું રહ્યું કે ઓનલાઇન એફઆઇઆર ચડાવવામાં શહેરોના પોલીસ મથકોને પણ સરવર ડાઉન હોવાની સમસ્યા સતાવતી રહે છે.

અન્ય સમાચારો પણ છે...