એક્સક્લુઝિવ:કંડલા - મુન્દ્રામાં 150 કરોડનું લાઈટ ડીઝલ ઓઇલ સીઝ

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જીટીએલ પેરાફીનના નામે બન્ને પોર્ટ પર 25 હજાર ટનથી વધારે જથ્થો આયાત કરાયો હતોઃ રિપોર્ટમાં નીકળ્યું LDO
  • ડીઆરઆઈ અને એસઆઈબીએ ત્રાટકીને કસ્ટમના નાક નીચેથી ક્લિયર થઈને નિકળતા જથ્થાને પણ રોકાવતા દોડધામ મચી ગઇ

ડીપીટી, કંડલા અને મુંદ્રા પોર્ટ પર ડીઆરઆઈ અને સ્પેશિયલ ઈન્ટેલીજન્સ અને ઇન્વેસ્ટીગેશન બ્રાન્ચ દ્વારા 25 હજાર ટનથી વધુનો લાઈટ ડીઝલ ઓઈલનો જથ્થો સીઝ કરી નાખતા દાણચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો. કુલ સીઝ કરવામાં આવેલા લિક્વિડ જથ્થાની કિંમત 150 કરોડથી વધુ થવા જાય છે. આ કાર્ગોને અન્ય જથ્થો હોવાનું ડિક્લેર કરીને ઘુસાડવામાં આવી રહ્યો હતો. આ કન્સાઈમેન્ટોમાં ઘણા આયાતકારો અને વિવિધ ક્ષેત્રોના મોટા માથાઓ સંકળાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે.

ડિરેકટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ અને કસ્ટમ એસઆઈઆઈબી દ્વારા મુંદ્રા અદાણી પોર્ટ અને દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલામાં ગત મહિને મોટા પ્રમાણમાં જીટીએલ પેરાફીન ના નામે ઇમ્પૉર્ટ થયેલા કાર્ગોને રુક જાવો નો આદેશ આપ્યો હતો. બાતમી હતી કે આયાત કરવામાં આવેલો જથ્થો ખરેખર તો પેરાફીન નહિ પણ ડીઝલનુંજ એક સ્વરૂપ છે. જે આધારે કંડલા અને મુંદ્રા બન્ને સ્થળોએ રોકવામાં આવેલા કાર્ગોમાંથી સેમ્પલીંગ કરાયું હતું. જેમાં આ જથ્થો ખરેખર જીટીએલ પેરાફીન નહિ પણ લાઈટ ડીઝલ ઓઈલ (એલડીઓ) હોવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. જેથી પોલીસી સાથે ખેલવાડ કરી, મીસ ડિક્લેરેશન થકી સરકારી તિજોરીમાં મોટું છીંડું પાડીને ઘર ભરવાની પેરવીનો પર્દાફાશ સુરક્ષા એજન્સીઓએ કર્યો હતો. જે આધારે ઈન્ટેલીજન્સ એજન્સીઓએ તમામ કાર્ગોની ગણના અને માહિતીઓ એકત્ર કરીને અલગ અલગ સ્થળો પર રહેલા કુલ 25 હજાર ટનથી વધુનો એલડીઓનો જથ્થો, કે જેની અંદાજિત કિંમત 150 કરોડને પણ આંબે એટલી છે, તેને સીઝ કરી દેવાયો હતો. આ સાથેજ હવે આયાતકારો થી લઈને સબંધિત તમામ વર્તુળોમાં તપાસનો દોર આરંભવામાં આવી રહ્યો હોવાનુ બહાર આવી રહ્યું છે. શીપીંગ વર્તુળોમાં મોટા માથાઓમાં આ પ્રકરણમાં સામેલ હોવાની ચર્ચા સાથે બાબત ટોક ઓફ ધ ટાઉન બની હતી. આગામી સમયમાં આ કેસમાં હજુ વધુ કડાકા ભડાકા થાય તેવી સંભાવના સુત્રો વ્યક્ત કરી રહ્યા છે.

મુન્દ્રામાં ટિમ્બરના કન્ટેનરોમાં ડ્રગ્સની બાતમીના આધારે તપાસ કરાઈ
ગત પખવાડીયે જ્યારે એક તરફ આખા દેશમાં મુંદ્રા પોર્ટ પર ઝડપાયેલા જંગી ડ્રગ્સ જથ્થાની ચર્ચા છેડાયેલી હતી, ત્યારે સુરક્ષા એજન્સીઓ મુંદ્રા પોર્ટ પર આવી પહોંચેલા ટિમ્બરના કન્ટેનરોની તપાસ કરી રહ્યું હતું. ઈનપુટ ફરી ડ્રગ્સના જથ્થાનો હતો, એક લાંબી તપાસની પ્રક્રિયા ચાલ્યા બાદ તમામ કાર્ગોને ક્લીન ચીટ આપી દેવાઈ હતી. નોંધવું રહ્યું કે 2016માં આજ પ્રકારના ટીકવૂડ ટિમ્બરના કન્ટેનર કે જે મુંદ્રા પોર્ટ પર ઉતરવાના હતા, તે તપાસના ડરે અહિ ન ઉતરીને શ્રીલંકા પહોંચ્યા હતા અને ત્યાં આબાદ ઝડપાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...