ભુજ:કૂખ્યાત ખંડણી ખોર અફરોઝ સહિત બે હરીયાણાથી જબ્બે

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાસેઝ કાપડના કારોબાર કેસમાં તીખા ચડાવ ઉતાર
  • હિસ્ટ્રીશીટર અનવર પણ ઝડપાયો
  • કાપડનું કામ આપવા રફીક બારાને અને વચ્ચે ન પડવા હાજી જુમા રાયમાને આપી હતી ધમકી

સપ્તાહ સુધી ફરિયાદને બહાર ન આવવા દઈને સસ્પેંસ બનાવી રાખ્યા બાદ પુર્વ કચ્છ પોલીસે વેપારીઓને ધાક ધમકી આપનાર બે હિસ્ટ્રીશીટર આરોપીઓને ઝડપી પાડ્યાની જાહેરાત કરતા ઓપરેશનને સફળતા પુર્વક પાર પાડવા ગોપનીયતા જરુરી હોવાનું કહ્યું હતું. પોલીસે ગાંધીધામના વેપારીની હત્યામાં આરોપી રહેલા અફરોઝને હરીયાણાથી જ્યારે કે અનવરને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.

હાજી જુમા રાયમાને પણ ફોન કરીને આ મેટરમાં વચ્ચે નહિ પડવાની ધમકી આપી
પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષિતા રાઠોડે આ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મહમદ રફીક લાલ મહમદ બારા (રહે. અપનાનગર) ને હરિયાણા પાણીપતના આરોપી અફરોઝ શરફુદીન અંસારીએ સ્થાનિક ગુનેગાર અનવર રાજા સાથે મળીને ફોન કરી કાપડાના વેપારને આપી દેવા નહિતર મારી નાખવાની અને ભાઈઓનું અપહરણ કરી લેવાની ધમકી આપી હતી. જેથી ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા જતા તે સમયેજ ફરિયાદી સાથે રહેલા હાજી જુમા રાયમાને પણ ફોન કરીને આ મેટરમાં વચ્ચે નહિ પડવાની ધમકી આપી હતી. જેથી ગાંધીધામના એ, બી પોલીસ મથકે નોંધાયેલી આ બે ફરિયાદના આધારે પોલીસે બાબતની આવશ્યક ગુપ્તતા જાળવીને એક ટીમ બનાવીને આરોપીને પકડવા હરીયાણા મોકલી હતી. જેમણે ચાર દિવસ સુધી અભ્યાસ કર્યા બાદ આરોપીને એક ફિલ્મીઢબના ઓપરેશનને પાર પાડીને ઝડપી ગાંધીધામ લઈ આવ્યા હતા. બીજા આરોપી અનવર જાન મામદ રાજાને ભચાઉ પાસે તેના ઘરે રાત્રે દરોડો પાડી પકડી લીધો હતો. જેમાં બંન્નેના કોરોના સબંધી તપાસ કર્યા બાદ અટક કરાઈ હતી. આમ શહેરમાં કોઇ ગેંગવોરના ટ્રેન્ડનો પગપેસારો થાય તે પહેલા પોલીસે એક મહત્વપુર્ણ ઓપરેશન પાર પાડ્યાનો દાવો કર્યો હતો. જેમાં એસપી સાથે ડીએસપી ડી.એસ. વાઘેલા, એલસીબી પીઆઈ ડી.વી. રાણાની ટીમ, વી.જી. લાંબરીયા, રાજેંદ્રકુમાર પરમાર, રવિરાજસિંહ પરમાર, જગદીશ સોલંકી,વિજય ડાંગર, પ્રહલાદસિંહ ચુદાસમા સહિતનો સ્ટાફ જોડાયો હતો. 

ધમકી મળી હોય તો પોલીસને જાણ કરો
આરોપીઓએ વેપારીઓને ધમકી આપી પોતાની એક ગેંગ બનાવીને ખંડણી ઉઘરાવવામાંનું ષડયંત્ર બનાવ્યું હોવાનું ખુલ્યુ છે ત્યારે જો કોઇને આ પ્રકારની ધમકી મળી હોય તો નિર્ભય બનીને પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ પુર્વ કચ્છ પોલીસ અધિક્ષકે કરી હતી.

યુપીના પાણી ભરેલા ખેતરોમાં અડધી રાત્રે કરાયું દિલધડક ઓપરેશન
આરોપી અફરોઝ સતત પોતાનુ લોકેશન બદલતો હતો. યુપી, હરિયાણાના સીમાડાના ગામડામાં હોવાની ખબર પડતા અને આસપાસના વિસ્તારને જોતા રેઈડ લાયક એરીયા ના લાગતા રાત્રીના સમયે પોલીસે પકડવાનું નક્કી કર્યું હતુ.  સ્થાનિક પોલીસને સાથે લઈને અફરોઝ યમુના નદીના કાંઠાના ગામ ગડી બેશક પાસે હોવાનું સ્પષ્ટ થતા તા.27/05ના રાત્રીના અઢી વાગ્યે ટીમે ખેતરમાં સુતેલા અફરોઝને ઝડપવા દરોડો પાડ્યો હતો, જેની ખબર પડી જતા તે ખેતરોમાં ભાગવા લાગ્યો હતો, ચારે તરફ ખેતરોમાં પાણી ભરાયેલા હતા. જેમા પોલીસે એક ફુટ ઉંડા કાદવમાં તેનો પીછો કરીને પકડી લીધો હતો. 

ભેદભરમઃ આરોપી કઈ રીતે બન્યો ફરિયાદી?
આ પ્રકરણમાં ફરિયાદી રહેલા વેપારી પર અગાઉ સચીન હત્યાકાંડમાંજ આરોપી અફરોઝને ગાંધીધામ સુધી લઈ આવવા આર્થિક સહયોગ આપ્યાનું ખુલ્યું હતું, જે વાતને છ મહિનાજ વિત્યા છે ત્યારે તપાસમાં નવી કડીઓ  સામે આવી રહી છે કે કાયદાકીય છટકબારીઓની આજમાયીશ થઈ રહી છે તે અંગે ચર્ચા ઉઠવા પામી છે. ફરિયાદી અને આરોપી એકબીજાને 2011 થી ઓળખે છે તે હકીકત હોવાનું જણાવી એસપીએ આ દિશામાં પણ તપાસ ચાલતી હોવાનું કહ્યું હતું.

પોલીસ સ્ટેશને ફરિયાદ સમયેજ ફોનથી ધમકી!
આ કેસમાં રફિકની સાથે મુસ્લીમ સમાજના આગેવાન હાજી જુમા રાયમા બી ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. જ્યાં તેજ સ્થળે તેમને ફોન આવ્યો હતો અને આ મેટરમાં વચ્ચે ન પડવાની ધમકી આપી હતી. તેવો પોલીસ મથકે છે તે આટલી જલદી કઈ રીતે આરોપીઓને જાણ થઈ? તે પ્રશ્નના જવાબમાં હજી પણ આરોપીઓનું નેટવર્ક બહાર જીવંત હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

અફરોઝ અને અનવરની અનેક ગુન્હાઓમાં રહી છે સંડોવણી
આરોપી અફરોઝ પર 2016માં ગાંધીધામના યુવા વેપારી સચીન ધવનની હત્યા સહિત ગાંધીધામ બી ડિવીઝનમાં છ જેટલા ગુન્હા નોંધાયેલા છે. જેને કોર્ટે આજીવન કેદની સજા ફરમાવી હતી, પરંતુ હાલ હાઈકોર્ટે વચગાળાની જામીન પર મુક્ત હતો. જેનો ભાઈ અલી અંસારી પણ સંડોવાયેલો હોવાથી ગળપાદર જેલમાં છે. તો બીજો આરોપી સાગરીત અનવર જાનમામદ રાજા સામે ભચાઉ, અંજાર, ગાંધીધામમાં ગુન્હા નોંધાયેલા છે, અગાઉ શનિદેવ મંદિર પાસેના મર્ડર કેસમાં, લાકડા ચોરીમાં તે વોન્ટેડ હતો.

અન્ય સમાચારો પણ છે...