દરખાસ્તો પર ચર્ચા વિચારણાઓ:પાલિકાની સત્તાપક્ષની બેઠકમાં કામ ન થતા હોવા સહિતના મુદ્દાઓ ઉઠ્યા

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સામાન્ય સભા પહેલા ભાજપની સંકલન સમિતિની બેઠક યોજાઇ
  • 31મીની સભા નક્કી થતાં જ ચલહપહલ શરૂ થઇ : વોર્ડ વાઇસ પ્રશ્નોનો ઉકેલ પણ લાવવા અપાઇ

ગાંધીધામ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા હીલચાલ શરૂ કરવામાં આવી હતી. દર વખતની જેમ ભાજપની સંકલન સમિતિની બેઠક પાર્ટીના કાર્યાલય પર યોજાય તેમ તાજેતરમાં યોજાઇ હતી. સભા પહેલા બોલાવવામાં આવેલી બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ટોચના પદાધિકારીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે વોર્ડ દીઠ જે તે સમસ્યાનો નિકાલ લાવવા માટે પણ આ બેઠકમાં ખાતરી આપવામાં આવી હોવાની વિગત બહાર આવી રહી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકાની સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા તૈયાર કરવામાં આવ્યો હતો. 31મીની બેઠક પહેલા ભાજપના કાર્યાલય પર પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી વગેરેની હાજરીમાં યોજાયેલી બેઠકમાં એજન્ડા પરની કેટલીક દરખાસ્તો પર ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

ત્યાર બાદ તબક્કાવાર જે તે વોર્ડના કામોને લઇને પણ સભ્યોને પૂછપરછ કરવામાં આવી હતી. કેટલાક સભ્યો દ્વારા તેના વિસ્તારના કામો થતા ન હોવાને લઇને પણ ફરિયાદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ચોક્કસ વોર્ડના કામો જ થાય છે. બાકીના વોર્ડના કામો એક યા બીજા કારણોસર ભેદભાવ રાખીને કરવામાં આવતા ન હોવા સહિતના લઇને અગાઉ વિવાદ પણ થઇ ચુક્યા છે. અને મામલો ઉચ્ચકક્ષાએ પહોંચ્યો હતો.

સભામાં બહૂમતિએ જ ઠરાવ કરી દેવાશે
સામાન્ય રીતે નગરપાલિકાની સભામાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કેટલાક મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવે છે અને સત્તાપક્ષને ભીડવવા પ્રયત્ન કરાય છે. પરંતુ ચોક્કસ સમય મર્યાદામાં જ સભા આટોપી લેવાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે અને અગાઉની જેમ જ એક સાથે તબક્કાવાર જે તે દરખાસ્તો પસાર થઇ ગઇ હોવાની જાહેરાત બહૂમતિએ કરી દેવામાં આવતી હોય છે.

તેનું પુનરાવર્તન પણ આ બેઠકમાં થાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જોકે, ભાજપના કેટલાક સભ્યોમાં અસંતોષ હોવાથી હાજર રહેશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે. આ અંગે સભ્યોને સૂચના પણ આગામી દિવસોમાં આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય કાર્યક્રમોમાં ભાજપના નગરસેવકો પૈકી મોટા ભાગના ગેરહાજર રહેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...