ઇશાને શાન વધારી:આદિપુરના ઇશાન હિંગોરાણીએ સ્ટેટ ટીટી ટુર્નામેન્ટમાં મેન્સનું ટાઈટલ જીત્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આદિપુર કચ્છના ઇશાન હિંગોરાણીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેન્સનું ટાઇટલ જીતીને ઇંતેઝારીનો અંત આણ્યો હતો. આ ટાઇટલ જીતવા માટે ઇશાનને મહેનત કરવી પડી હતી પરંતુ અંતે તેણે અનુભવી ખેલાડી વડોદરાના જલય મહેતા સામે મેચ જીતીને સિઝનમાં પહેલી વાર ટાઇટલ જીત્યું હતું. સેમીફાઈનલમાં ઈશાને ભાવનગરના કરનપાલ જાડેજાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના દ્વારા અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના સહયોગથી અહીંની એસએનકે સ્કૂલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ફિલઝાહ ફાતીમા કાદરીએ બે ટાઇટલ જીત્યા હતા.સુરતની મોખરાના ક્રમની ફિલઝાહે અમદાવાદની કૌશા ભૈરપૂરેને વિમેન્સ ફાઇનલમાં હરાવી હતી.જોકે જુનિયરગર્લ્સ (અંડર-19)ની ફાઇનલ મેચ દિવસની સર્વશ્રેષ્ઠ મેચ બની રહી હતી જેમાં મોખરાના ક્રમની ફિલઝાહનો મુકાબલો ભાવનગરની બીજા ક્રમની નામના જયસ્વાલ સામે હતો જ્યાં ભારે સંઘર્ષ બાદ ફિલઝાહનો વિજય થયો હતો.

જુનિયર બોયઝ (અંડર-19)ની ફાઇનલમાં બીજા ક્રમના સુરતી ખેલાડીનો મુકાબલો અમદાવાદના મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટ સામે હતો જ્યાં તેનો પરાજય થયો હતો.જુનિયર બોયઝ (અંડર-17)માં મોખરાનો ક્રમાંક ધરાવતા બુરહાનુદ્દીને ત્રણ વાર સરસાઈ હાંસલ કરી હતી તેમ છતાં સુરતના જ શ્લોક બજાજ સામે તેનો પરાજય થયો હતો.ચોથા ક્રમની મિલી તન્ના (સુરત)એ જુનિયર ગર્લ્સ (અંડર-17)ની ફાઇનલમાં પાછળ રહી હોવા છતાં લડત આપીને ત્રીજા ક્રમની અર્ની પવારને હરાવીને સિઝનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું.

ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસની સ્પર્ધામાં આદિપુરના મહેશ હિંગોરાણીએ ગોલ્ડ મેડલ જીત્યો
ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ વેટરન્સ ટેબલ ટેનિસ સમિતિના ઉપક્રમે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2021માં કેડીટીટીએ આદિપુરના મહેશ હિંગોરાણીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે અને મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જ્યારે પ્રશાંત બુચએ મેન્સ 64+ સીંગલ્સમાં સિલ્વર મેડલ જીત્યો છે. મેન્સ ડબલ્સની ફાઈનલમાં મહેશ હિંગોરાણી અને સુરતના મલય ઠક્કર એ મળીને વડોદરાના સતીષ પટેલ અને સુરતના ચંદ્રકાન્ત કંથારિયાની જોડીને હરાવીને ટાઈટલ પોતાના નામે કર્યું હતું.જયારે મેન્સ સિંગલ્સ ની સેમી ફાઈનલમાં મહેશ હિંગોરાણીની સુરતના મલય ઠક્કર સામે હાર થતાં બ્રોન્ઝ મેડલ થી સંતોષ માનવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...