યોગ્ય વ્યવસ્થાનો અભાવ:સરકાર દ્વારા ફાળવાતી શહેરના વિકાસ કામની આવતી ગ્રાન્ટ નો સમયસર ઉપયોગ કરવો પડશે

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અઢી કરોડના આવેલી રકમમાંથી તમામ વોર્ડ ને આવરી લેવા આયોજન જરૂરી
  • હજુ ગત વર્ષની સાત કરોડથી વધુ રકમના કામો યોગ્ય મોનિટરીંગ ના આવે ન થતા લોકોને સુવિધા મળી નથી

ગાંધીધામ નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયા લોકોની સુવિધાઓ પુરી પાડવા માટે આપવામાં આવે છે યોગ્ય આયોજનનો અભાવ અને સંકલન ન થતા જે-તે વિકાસ કામો સમયસર થવા જોઈએ તે થતા નથી અને વિલંબ થતાં લોકો સુધી સમયસર કે સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ તે થઈ શકતી નથી. હાલ પણ અઢી કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે તેમાં તમામ વોર્ડને આવરી લઈને મહત્વના જે કામ હોય તેનો જ તેને જ અગ્રતા આપીને પાલિકાએ વિકાસની ગતિને આગળ ધપાવી પડશે, જો કે, બીજી બાજુ કેટલાક નગરસેવકો પોતાના વિસ્તારના કામો કરાવવા માટે આગ્રહ રાખી રહ્યા છે.

નગરપાલિકા ના શાસકો દ્વારા ચલાવવામાં આવતી વિલંબ નીતિને કારણે લાંબા સમયથી આવેલી રકમ મળી ગયેલ છે જેનો સમયસર ઉપયોગ યોગ્ય આયોજનના અભાવે કરી શકાતો નથી. ગત વર્ષે પણ આવી સ્થિતિ જોવા મળી હતી સરકારે ગત વર્ષે દિવાળી પહેલા થયેલા રસ્તાના કામો પૂર્ણ થાય તે માટે તાકીદ કરી હતી અને તે માટે 12કરોડ રૂપિયા ની ફાળવણી પણ કરવામાં આવી હતી. આ રકમમાંથી કેટલાકની દાઢ સળવળતાં યોગ્ય પદ્ધતિ એ કામ આપવાને બદલે બારોબાર કામ આપવાની કામગીરી કરીને લાલીયાવાડી ચલાવી હતી.

આ બાબતે જે તે સમયે ઉહાપોહ પણ થયો હતો અને ટેન્ડર વગર કામો આપી દેવાની એક જ એજન્સી સામે પાલિકાના શાસકોએ કરેલી કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ હતી. આખરે ટેન્ડર બહાર પડ્યા હતા તેમાં પાલિકાને અંદાજે પોણા ચાર કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જો કે કામ તો જે-તે એજન્સીને મળ્યું હતું. ટેન્ડર બહાર પડ્યા પછી આ કામમાંથી પણ 50% રકમ ના કામો હજુ થઈ શક્યા નથી તે નગર પાલિકાના શાસકોની નબળાઇ કહી શકાય. હાલ આવેલી અઢી કરોડની ગ્રાન્ટમાંથી સમયસર કામ થાય અને યોગ્ય રીતે તેનું મોનિટરિંગ થાય તે માટે પાલિકાએ મુહુર્ત જોવાની જરૂર નથી.

કામો માટે સભ્યોના સૂચન પણ મંગાવા જોઈએ
અગાઉ ગત બોડી દ્વારા પણ જે તે વિસ્તારમાં શું કામ કરવું જોઈએ તે અંગે અંદાજે સાત કરોડ જેટલી રકમ માંથી કામ સૂચવવા માટે તમામ નગરસેવકો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા હતા સૂચનો મંગાવ્યા પછી કેટલાક સૂચનો પર ચર્ચા વિચારણા કરીને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ કેટલાક એવા કામો પણ સૂચવાયા હતા જેને લઈને વિરોધ થયો હતો અને કામ બદલવા માટે પણ સુચના આપવી પડી હતી.

નગરપાલિકા પાસે આયોજન નથી
શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિપક્ષી નેતા સંજય ગાંધીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના શાસકો પાસે વિકાસ કામ નું કોઈ આયોજન નથી. લાંબા સમયથી આવેલી રકમનો ઉપયોગ સમયસર કરવો જોઈએ તે કરવામાં નિષ્ફળ ગયા છે. લોકોને પૂરતા પ્રમાણમાં સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી. લોકો વેરા ભરીને પણ સુવિધાઓ મેળવી શકતા નથી તેવી સ્થિતિ છે.

જુના શાસકોની છાપ સુધારવી પડશે
નગરપાલિકામાં ગત બોડી ના શાસકો દ્વારા કરવામાં આવતા કામોમાં દર વખતે વિવાદ થયા છે. ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો પણ જે તે સમયે ઉઠ્યા પછી પગલાં ભરવા જોઇએ તે ભરાયા નથી તે પણ હકીકત છે. પાલિકા માં આવેલી નવી બોડીએ જુના શાસકોની વિલંબ નીતિથી સહિત ની જે છાપ તેસુધારવા માટે કમર કસવી પડશે.

યોગ્ય રીતે પગલા ભરાશે: કારોબારી ચેરમેન
પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનિત દુધરેજિયાએ જણાવ્યું હતું કે આવેલ ગ્રાન્ટમાંથી સમયસર કામ કરવામાં આવશે અને યોગ્ય રીતે પગલાં ભરીને લોકોને સુવિધાઓ પુરી પાડવા માટે પાલિકા દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...