સામખિયાળીમાં મિત્રને ઓળખાણમાં વ્યાજે રૂપિયા અપાવ્યા બાદ વ્યાજખોરે પૈસા માટે જામીન પડેલા યુવાનને માર મારી અવાર નવાર ધમકીઓ આપી અપાઇ રહેલો ત્રાસ સહન ન થતાં યુવાને ઝેરી દવા પી લીધી હોવાની ઘટના નોંધાઇ છે.
ભચાઉના લલિયાણા રહેતા અને સામખિયાળી ટોલ પ્લાઝામાં સિક્યરીટીમાં નોકરી કરતા 32 વર્ષીય મુકેશભાઇ કરશનભાઇ રબારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં ટોલ પ્લાઝા પાસે ચાની કેબિન ચલાવતા તેમના મિત્ર આધોઇના જીવણભાઇ કારાભાઇ ભરવાડને પૈસા બાબતે વાત કરતાં તેમની પાસે વ્યવસ્થા ન હોઇ તે કેબિન પર ચા પીવા આવતા લલિયાણા ગામના જયેન્દ્રસિંહ કદુભા જાડેજા વ્યાજે રૂપિયા આપતા હોઇ તેઓ ચા પીવા આવ્યા ત્યારે તેમને વાત કરી મિત્રને રૂ.20,000 વ્યાજ પર લેવડાવી દીધા હતા. જેમાંથી રૂ.4,000 વ્યાજ કાપી જયેન્દ્રસિ઼હે મિત્રને 16,000 આપ્યા હતા. જે પેકી કોરોના જેવી બિમારીને કારણે ધંધો ન હોવા છતાં તેમની સામે મિત્ર જીવણભાઇએ જયેન્દ્રસિંહને રૂ.5,500ચૂકવી આપ્યા હતા.
ત્યારબાદ જયેન્દ્રસિંહ જીવણ પાસે અવાર નવાર ઉઘરાણી કરતાં પરંતુ વ્યવસ્થા ન હોઇ તેમને ધાક ધમકી અપાતાં તે એક માસથી આધોઇ ચાલી જતાં જયેન્દ્રસીંહ રોજ તેમને ધમકાવી તારા અને જીવણ ઉપર રૂ.80,000 માગું છું કહેતાં તેમણે રૂ.20 હજાર ઉછીના લીધા હતા તે 80 હજાર કેમ માગો છો તેમ સમજાવ્યા પણ તે માન્યો નહીં. તા.11/8 ના રોજ ટોલ પ્લાઝા નજીક મળેલા જયેન્દ્રસી઼હે તેને મારા રૂપિયા કેમ થયા કહી પ્લાસ્ટિકના પાઇપથી માર મારી જો તું 15/8 સુધી પૈસા નહીં આપ તો તને જાનથી મારી નાખીશ અને તારું મકાન પડાવી લઇશ તેવી ધમકી આપતાં કંટાળીને તેમણે તા..13/8 ના ટોલ પ્લાઝા પાસે જ ઉંદર મારવાની દવા ગટગટાવી લીધી હતી.
હાલ તેઓ ભચાઉ સીએચસી સારવાર હેઠળ છે અને તેમણે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વ્યાજખોરોના ત્રાસની અવારનવાર ફરિયાદો ઉઠી રહી છે અને પોલીસના લોક દરબારમાં વ્યાજખોરોના ત્રાસ અંગેની ફરિયાદ કરાઇ હતી. જરૂરિયાતમંદ લોકો આ વિષચક્રમાં ફસાઇ જાય છે.
વાગડમાં વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન છે
વાગડમાં વ્યાજખોરી અને વ્યાજ઼કવાદીઓનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અનેક વેપારીઓ વ્યાજખોરોના ત્રાસને કારણે શહેર છોડી ગયા છે.જેમ પશ્ચિમ કચ્છમાં વ્યાજખોરીના ત્રાસ બાબતે પોલીસે લોકદરબાર યોજી કડક પગલા લેવાના શરુ ધર્યા છે તેમ જો પૂર્વ કચ્છમાં પણ કરવામાં આવે તો આ ત્રાસ ઘટે તેમ હોવાનો પણ સૂર સંભળાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.