રાપર તાલુકાના પદ્દમપર ગામ દાતે ચાલુ લગ્નવિધીએ સ્થાનિક વિપ્રો દ્વારા વીધિ કરાવી રહેલા બહારના શાસ્ત્રીઓને બહાર કાઢી યજમાનને ધૂંબા માર્યા હોવાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ છે. પદ્દમપર ખાતે રહેતા 54 વર્ષીય ખેડૂત કરમશીભાઇ ગોવિંદભાઇ સાઢા (પટેલ) ગત સવારે તેમની મોટી પુત્રી આરતીનો લગ્નપ્રસંગ હતો બાદરગઢથી જાન આવી હતી.
તેમણે લગ્નવિધી કરવા માટે પીપરાળા રહેતા તેમના ગોર મહારાજ દિલીપભાઇ વસંતભાઇ રાજગોરને પદ્દમપર બોલાવ્યા હતા. ફેરાના સમયે ગામના જ ભાઇલાલ ભુરાલાલ લોદરીયા, કેશવલાલ ગેલારામ લોદરિયા, મેહુલ કેશવલાલ લોદરિયા, હસમુખ જોનીલાલ લોદરિયા અને મહેશ દયારામ લોદરિયાએ આવી તેમણે બોલાવેલા ગોરમારાજ દીલીપભાઇનો શર્ટ ખેંચી બહાર ખેંચી ગયા હતા.
ફરીયાદી દિકરીના પિતાએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો આ લોકોએ તેમને ધુંબા મારી અમે ગામમાં છીએ છતાં લગ્નવિધી માટે ગોર બહારથી કેમ બોલાવો છો ? કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પુત્રીના પિતા કરમશીભાઇ ગોવિંદભાઇ સાઢાએ આડેસર પોલીસ મથકે નોંધાવી હતી.
રાજપરમાં કાકા-ભત્રીજાને માર મરાયો
માંડવીના રાજપરમાં આંબાનો પાક ઉતારવા બાબતે કાકા - ભત્રીજાને માર મરાયો હતો. ફરિયાદી રતીબેન કાનજીભાઈ આહિરે જણાવ્યું કે, આંબાના પાકનો વેપારી સાથે સોદો થયો છે ત્યારે કાકાઈ દિયર ગામના રમેશ મ્યાજર આહિર અને મહાદેવ ઉર્ફે ભીખો મ્યાજર આહીરે ફરિયાદીના દીકરા રાહુલ અને દિયર શામજી આલા આહીરને જો કેરીનો પાક વેપારીને આપીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી માર માર્યો હતો.
જડસામાં જીપના વારા મુદ્દે 6 જણાનો યુવાન ચાલક પર હુમલો
ગાંધીધામ | ભચાઉ તાલુકાના જડસા નજીક મણકારા વાંઢમાં રહેતા પીકઅપ જીપ માલસામાન હેરફેર માટે ભાડા ઉપર ચલાવતા 26 વર્ષીય મનહરભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, જડસાના જ ભુપત દેશરા કોલીએ નવી જીપ લીધો હોઇઆજે સવારે 8:30 વાગ્યાના અરસામાં નારાણભાઇ સાદુલભાઇ કોલીનો સામાન બદલવાનો હોઇ તેઓ સામાન ભરી રહ્યા હતા ત્યારે ભુપત દેશરા કોલી, જગદીશ ગેલાભાઇ કોલી, ગેલાભાઇ ગોરાભાઇ કોલી, હરેશ માના કોલી અને આંબા ગોરા કોલીએ તારો સમય બદલાવી નાખ કહી માર માર્યો હતો.
મુન્દ્રામાં ફરિયાદનું મનદુઃખ રાખી યુવાન પર હુમલાનો પ્રયાસ
મુન્દ્રા | મુન્દ્રાના સલીમ ઓસમાણ સુમરાની ફરિયાદ મુજબ ઈદની સવારે ચાઇનાગેટ નજીક બન્યો હતો.જેમાં સલીમે અગાઉ આરોપીઓ પર થયેલી એટ્રોસીટીની ફરિયાદમાં મુખ્ય ભૂમિકા ભજવી હોવાનો ખાર રાખી રીઝવાન સિધીક વીરા,અલીઅસગર સિધીક વીરા,આસિફ ઉર્ફે લોલી આરીફ ખોજા અને રશીદ મેમણ (રહે સર્વે બારોઇ)નામના યુવાનોએ છરી અને ધારીયા જેવા ઘાતક હથિયારો વડે હુમલાનો પ્રયાસ કરી ફરિયાદ પાછી ખેંચાવી લે નહિ તો મારી નાખવાની ધમકી આપતા સ્થળ પર ટોળું જમા થતા આરોપીઓ નાસી છૂટ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.