ચોરી:જુના કટારિયામાં ખનિજ ચોરોએ કોઇકના ખેતરમાં રેતી ચોરી કરી

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જમીન માલિકે 5000 ગાડી હિટાચી અને લોડરથી ભરી હોવાનું જણાવ્યું

ભચાઉ તાલુકાના જુના કટારીયા ગામની સીમમાં ચાર જણાએ ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાની જમીનમાંથી 5000 ગાડી હિટાચી અને લોડર વડે ભરી ખનિજ ચોરી કરી હોવાની ફરિયાદ જમીન માલિકે લાકડિયા પોલીસ મથકે નોંધાવી છે. લાકડિયા રહેતા વેપારી ઉમર ઇસ્માઇલ ખલીફાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જુના કટારીયા સીમમાં આવેલી રેવેન્યુ સર્વે નંબર 217/5 વાળી જમીન તેમની માલિકીની છે. તા.20/8 ના રાત્રે તેઓ લાકડિયા ખાતે હતા ત્યારે વાતો વાતોમાં જાણવા મળ્યું હતું કે, અમુક લોકો હિટાચી મશિન અને લોડરો વડે ડમ્પરમાં તમારી જમીનમાંથી રેતી ભરી હેરફેર કરી રહ્યા છે.

આ જાણ થતાં જ તેઓ જુના કટારીયા ખાતે પોતાની જમીન પર પહોંચ્યા હતા જ્યાં જઇને જોતાં ખોદકામ ચાલુ હતું નામ પૂછતાં જુના કટારિયાના મેરા પપ્પુ ભરવાડ, ઉમર સુલતાન રાયમાં તેમજ ભચાઉના મોન્ટુ ઠક્કર અને ચીકુ ઠક્કર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ચારે જણાએ તેમની સંમતિ વગર પોતાની જમીનમાં પ્રવેશ કરી હિટાચી અને લોડર વડે 5,000 ગાડીઓ ગેરકાયદેસર રીતે રેતી ભરી હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું આ બાબતે તેમણે ફરિયાદ અરજી તા.23/8 ના કરી હતી પરંતુ ત્યારબાદ વેપાર ધંધાર્થે અમદાવાદ તેમજ ગાંધીનગર જવાનું હોઇ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ધાક બેસાડતી કામગીરીથી ખનિજ ચોરી અટકે
અત્રે ઉલ્લેખનિય છે કે વાગડમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ ખનિજ ચોરી ઉપર તવાઇ બોલાવી રહી છે પણ ખાણ ખનિજ વિભાગ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી ન કરાતી હોવાની ચર્ચા ઉઠી રહી છે.જો ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો ખનિજ ચોરી વાગડમાં અટકી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...