દેશના નં. 1 પોર્ટ દીન દયાલ પોર્ટ ઓથોરિટીમાં માલ વાહક વાહનોના પ્રવેશને લઈને અત્યાધુનિક ટેક્નોલોજીની આરએફઆઈડી સિસ્ટમ લાગુ કરાતા શરૂઆતથી અગવડોના લીધે વિરોધના સુર ઉઠવા લાગ્યા હતા. જેમાં 15 દિવસ માટે બાકી રહેલી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુર્ણ થવા સમય આપવા છુટછાટ આપવા પર પોર્ટ પ્રશાસને હામી ભરી હતી.
ડીપીએ, કંડલામાં લોડ કે અનલોડ માટે આવતા દરેક ટ્રકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આરએફઆઈડી સીસ્ટમ લાગુ થતા જરૂરી થઈ ગયું છે, હાલ આ વ્યવસ્થા માત્ર એકજ ગેટ પર લાગુ કરાઈ છે ત્યારે પણ શરૂઆતથી અગવડો અને ઓનલાઈન પ્રયાસો છતાં તકનીકી બાધાઓના કારણે ઉપભોક્તાઓને પરેશાની થઈ રહી હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ગત રોજ વિરોધના સુર વધુ બુલંદ થતા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉપભોક્તાઓ, એજન્ટો, ટ્રાન્સપોર્ટરો અને પોર્ટ અધિકારીઓની સંયુક્ત આપતકાલીન બેઠક બોલાવી હતી.
જેમાં તમામ પ્રશ્નો, સમસ્યાઓનું આપ લે થયા બાદ હડતાલ પર ન જવા અને સમસ્યાઓના સમાધાન લક્ષી નિર્ણયો લેવા ચેમ્બર દ્વારા ભાર મુકાયો હતો. જે અંતર્ગત જેટલાના રજીસ્ટ્રેશન બાકી છે તેમને તે કરી નાખવા માટે 15 દિવસની સમયાવધી પોર્ટ દ્વારા અપાઈ હતી. આ ગાળા દરમ્યાન જુની અને નવી બન્ને પદ્ધતિથી પ્રવેશ થઈ શકસે. પોર્ટ પ્રશાસને ઉત્પાદકતામાં અસર ન થાય તે ઉદેશ્ય થી આ નિર્ણય લેવાયો હોવાનો અને એક વીશેષ ટીમનું ગઠન કરીને તેને ગેટ પર તૈનાત કરીને સંકલન સાથે સમસ્યાઓનો નિવેડો લાવવાની દિશામાં કામ કરાઈ રહ્યાનું જણાવ્યું હતું.
ચેમ્બરના મંત્રી મહેશ તીર્થાણીએ પ્રમુખ તેજાભાઈ કાનગડ અને ટીમ ત્રણ દિવસથી પોર્ટ ગેટ પર ઉપસ્થિત રહીને પરિસ્થિતિઓને સમજવાની કોશીષ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં ડીપીએ તરફથી પ્રસાદ રાવ, ડે. ડાયરેક્ટર અજય ગુપ્તા, રવીંદ્ર રેડી, પીઆરઓ ઓમપ્રકાશ દાદલાણી, અબીર બોસ, તુષાર પટેલ, ડીડી મહેશ્વરી, આદીલ શેઠના, શરદ શેટ્ટી સહિતના ટ્રાન્સર્પોટ સંગઠનો, લેબર કોન્ટ્રાક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.
હજી સુધી 2 હજાર રજીસ્ટ્રેશન થયા, 10 હજાર થવાની સંભાવના
આરએફઆઈડી વ્યવસ્થા અંતર્ગત તેનું રજીસ્ટ્રેશન કરવું જરૂરી હોય છે ત્યારે દરરોજ અંદાજે 4 થી 6 હજાર ટ્રકોની આવન જાવન થતી હોવાના અંદાજા વચ્ચે અત્યાર સુધી 2 હજાર જેટલા રજીસ્ટ્રેશન થયા છે, કુલ નોંધણીનો ક્રમાંક 10 હજારને પાર જઈ શકે છે તેવી સંભાવના સુત્રોએ વ્યક્ત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.