વેક્સિનેશન:ગાંધીધામમાં 45થી વધુની આયુના 90% લોકોનું વેક્સિનેશન પૂર્ણ થયું

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં બીજા વયજુથના 40 હજારના ટાર્ગેટ સામે 38 હજારને રસી અપાઈ
  • વધુ ઉંમરનાનું વેક્સિનેશન પૂર્ણતાના આરે આવતા અસર દેખાઈ, હવે નવા પોઝિટિવ કેસોમાં યુવાનોની સંખ્યા વધી

ગાંધીધામમાં વેક્સિનેશનની પ્રક્રિયામાં અત્યાર સુધીમાં નોંધપાત્ર મુકામ હાંસલ કરાયુ હતુ, જેમાં સતાવાર સુત્રોના જણાવ્યા અનુસાર સંકુલમાં 45થી વધુની આયુના 90% લોકોને વેક્સિનેશન પુર્ણ થયું હતું. જેની સીધી અસર જોવા મળતી હોય તેમ વધુ ઉંમરના લોકોમાં પોઝિટિવ આવવાના કેસો ઘટવા પામ્યા છે.

ગાંધીધામ તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું કે તાલુકામાં 45થી વધુ આયુના સર્વેક્ષણ અનુસાર 40 હજાર જેટલા લોકોનો રસીકરણ માટે લક્ષ્યાંક શરૂઆતથી માર્ગદર્શીકાઓ અનુસાર નિર્ધારીત કરાયો હતો. જેની સામે અત્યાર સુધીમાં 38 હજાર લોકોનું રસીકરણ થઈ ચુક્યુ છે. 18 થી 45 ના વયજુથ વચ્ચેના નાગરીકો કે જેની જનસંખ્યાના આધારે અનુપાત 41% લગાવાય છે, જે મોટા પ્રમાણમાં હજી પણ બાકી છે. સતાવાર સુત્રોએ હાલમાં આવતા કેસોના આધારે અંદાજો લગાવતા જણાવ્યું હતું કે હવે નવા આવતા કોરોના કેસોમાં 45 થી વધુ આયુના બહુ જુજ કેસ જોવા મળી રહ્યા છે, તો જે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે તેમાં મહતમ 18 થી 45 વચ્ચેના જોવા મળી રહ્યા છે. જેનો સીધો સબંધ વેક્સિનેશનની અસર સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. જે કોરોના કાળમાં આશાની કિરણ સમાન વિગતોની રીતે તજજ્ઞો જોઇ રહ્યા છે. પરંતુ લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જેવા નિયમોનું ચુસ્તતા પૂર્વક પાલન કરવાની અપીલ કરાઇ રહી છે.

જિલ્લાભરમાં વેક્સિનેશન ટાર્ગેટ પ્રાપ્ત કરવામાં ગાંધીધામ પ્રથમ
જિલ્લાભરમાં ચાલી રહેલા વેક્સિનેશનના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં ગાંધીધામ તાલુકાનો દેખાવ શરૂઆતથીજ સારો રહ્યો છે. શનિવારે ગાંધીધામ તાલુકામાં વેક્સિનેશનનો ટાર્ગેટ 1120 હતો, જેની સામે 1066લોકોને વેક્સિન અપાઈ હતી. જેમાં 18 થી વધુના 553ને વેક્સિન અપાઈ હતી, જે માટે ટાર્ગેટ 600નો સેટ કરાયો હતો, તો 45થી વધુ આયુ ધરાવતા 513 લોકોને વેક્સિન અપાઈ હતી, જેનો ટાર્ગેટ 520 હતો. આમ કુલ ટાર્ગેટ સામે 95.2 ને હાંસલ કરવામાં સફળતા મળી હતી. જ્યારે કે જિલ્લા સ્તરે ત્યારપછીનો ક્રમ ધરાવતા મુંદ્રામાં 85.5 અને બાકીના તાલુકાઓમાં તેથી પણ ઓછુ હતું.

શહેરમાં કુલ 150 દર્દીઓ દાખલ
ગાંધીધામ, આદિપુરમાં એપ્રીલ મહિનામાં કોઇ હોસ્પિટલમાં એક નોર્મલ ખાલી બેડ પણ મળવો મુશ્કેલ હતો, ત્યારે હવે પરિસ્થિતી ઘણા અંશે થાળે પડી હોવાનું પ્રતિત થઈ રહ્યું છે. સેન્ટ જોસેફ હોસ્પિટલ કે જ્યાં દર્દીઓને બહાર કેમ્પસમાં સુવડાવીને પણ ઓક્સિજન આપવો પડતો હતો, ત્યાં આજે 35 દર્દીઓ દાખલ છે, તો જ્યાં એક સમયે 160થી વધુ એડમીટ હ્તા તે લીલાશાહ કુટીયામાં 76 દર્દીઓ રહેલા છે. સંકુલમાં કુલ 150 જેટલા દર્દીઓ હાલ દાખલ હોય તેવું સુત્રો જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...