ક્રાઇમ:ભારતનગરમાં લુખ્ખા તત્વોના ત્રાસથી રહીશો-વેપારીઓ ત્રસ્ત

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો કોઇ ફરિયાદ કરે તો તેના દુકાન અથવા ઘરમાં તોડફોડ કરતા હોવાથી ભય

ગાંધીધામના ભારતનગરમાં લુખ્ખા તત્વો દ્વારા કરવામાં આવી રહેલી દાદાગીરીથી આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારો ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ આ બાબતે કોઇ ફરિયાદ પણ નોંધાવી શકતા ન હોવાની પરિસ્થિતિ હોવાનું ભયના ઓથાર હેઠળ રહેવાસીઓએ જણાવ્યું હતું. ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં આ લુખ્ખા તત્વો દ્વારા ધૂમ સ્ટાઇ બાઇકિંગ કરી અહીં અવર જવર કરતી બહેન દિકરીઓની છેડતી કરાતી રહે છે, દારૂ પીધા બાદ છાકટા બની દુકાનદારો અને રહેવાસીઓને પરેશાન કરાઇ રહ્યા છે,

તો અનેક વખત ચીલ ઝડપના બનાવો પણ આ વિસ્તારમાં બન્યા છે અને બનતા રહે છે તેવી વાત જણાવી હતી. જ્યારે આ વિસ્તારના લોકોને પુછવામાં આવ્યું કે આ બાબતે પોલીસ ફરિયાદ કેમ નથી કરાતી ત્યારે રહેવાસીઓએ જણાવ્યું હતું કે, જો કોઇ પણ લોકો આ તત્વોની વિરૂધ્ધ અવાજ ઉઠાવવાની કે ફરિયાદ કરવાની કોશિષ કરે છે તો તેના ઘર કે દુકાનમાં આ આવારા તત્વો તોડફોડ કરી દાદાગીરી કરતા હોવાને કારણે કોઇ પોલીસ ફરિયાદ પણ કરી શકતું નથી. આ ભયના ઓથાર નીચે જીવી રહેલા લોકોની માંગ છે કે હવે પોલીસ તંત્ર ધાક બેસાડતી કામગીરી કરી આ લુખ્ખા તત્વોના ત્રાસમાંથી છોડાવે તો જ શક્ય છે. અગાઉ પણ આ વિસ્તારમાંથી આવા તત્વોના ત્રાસની રજુઆતો કરાઇ છે પરંતુ કોઇ નક્કર પગલા લેવાયા નથી.

મંજૂર થયેલી પોલીસ ચોકી બનતી કેમ નથી ?
અત્રે ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં વધી ગયેલી દારુની બદી, જુગાર , ભાઇગીરી જેવી પ્રવૃતિઓની રજુઆતો બાદ આ મોટાવિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી લોકોની માંગ પ્રમાણે અલગ પોલીસ ચોકી પણ મંજૂર થઇ ચૂકી છે પરંતુ હજી સુધી ચોકીનું નિર્માણ થયું નથી. સવાલ એ થાય છે કે મંજૂર થયા બાદ પોલીસ ચોકી શરૂ કેમ ન થાય? શું કાયદાના રક્ષક તંત્રને કોઇ બીજો સ્વાર્થ નડી રહ્યો છે?

અન્ય સમાચારો પણ છે...