તસ્કરી:અંજારમાં બાઇકર બે મહિલાની60 હજારની સોનાની ચેન ખેંચી ફરાર

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે ભરચક રહેતી ખત્રી બજારમાં બનેલી ઘટનાથી ચકચાર

અંજારની ભરચક રહેતી ખત્રી બજારમાં બાઇકર ગેંગે બે મહિલાના ગળામાંથી રૂ.60 હજારની કિંમતની સોનાની ચેન ખેંચી જઇ ચીલ ઝડપના બે બનાવને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. ભચાઉના ભવાનીપુર રહેતા 42 વર્ષીય ભારતીબેન લાલજીભાઇ પ્રજાપતિ ધરો આઠમ હોતાં તેમના અંજારના પ્રજાપતિ છાત્રાલય પાસે રહેતા વેવાઇ હીરાભાઇ હમીરભાઇ પ્રજાપતિના ઘરે આજે આવ્યા હતા. સાંજે 5 વાગ્યે તેઓ બનેવી મોહનભાઇ સાથે ખત્રી બજાર થી માલાશેરી તરફ જઇ રહ્યા હતા ત્યારે ખત્રી બજાર બેંક ઓફ બરોડા પાસે પાછળથી બાઇક પર આવેલા બે અજાણ્યા ઇસમો તેમના ગળામાં પહેરેલી રૂ.40,000 ની કિંમતની સોનાની ચેન ખેંચી ફરાર થઇ ગયા હતા.

ડરી ગયેલા ભારતીબેન આ બાબતે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા ત્યારે અંજારના મકલેશ્વર 2 માં રહેતા મીતલબેન શાંતિલાલ પ્રજાપતિ પણ તેમને જણાવ્યું હતું કે બાઇક ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ તે જ વિસ્તારમાંથી તેમના ગળામાં પહેરેલી રૂ.20,000 ની કિંમતની ચેન ખેંચી ફરાર થઇ ગયા છે. આ બન્ને ચીલ ઝડપની ઘટના બાબતે તેમણે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અંજારની સતત ભરચક રહેતી ખત્રી બજારમાં એક સાથે બે ચીલ ઝડપના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. પીએસઆઇ સી.બી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...