ધરપકડ:અંજારમાં બે મંદિર ચોરીને અંજામ આપનાર ગેંગના 3 શખ્સ પકડાયા

ગાંધીધામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તા.3/2 ના મકલેશ્વર મંદિર અને તા.8/2 ના સંધ્યાગીરીબાપુના આશ્રમને બનાવાયા નિશાન
  • મૂખ્ય સૂત્રધાર બાકી, ચોરાયેલો 1.57 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો

અંજારના ઐતિહાસિક મકલેશ્વર મહાદેવ મંદીર તેમજ વીડી નજીક આવેલા સંધ્યાગીરી બાપુના આશ્રમમાંથી ચોરીને અંજામ આપનાર બનાસકાંઠાની ગેંગના ત્રણ શખ્સોને પોલીસે પકડી લઇ ભેદ ઉકેલી લીધો હતો. પકડાયેલા ત્રણ જણા પાસેથી બન્ને ધાર્મિક સ્થળમાંથી ચોરેલો રૂ.1.57 લાખનો મુદ્દામાલ રીકવર કરાયો છે. જો કે આ ગેંગનો માસ્ટર માઇન્ડ મૂખ્ય સૂત્રધાર હજી પોલીસ પકડથી દૂર છે.

પ્રોબેશનલ આઇપીએસ એએસપી આલોકકુમારે પત્રકારોને વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.3/2 ના રોજ અંજારના ઐતિહાસિક મકલેશ્વર મહાદેવ મંદિરમાંથી તેમજ તા.8/2 ના રોજ અંજારના જ વીડી ગામ નજીમ આવેલા સંધ્યાગીરી બાપુના આશ્રમમાંથી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના નોંધાઇ હતી. કચ્છમાં વધી રહેલા મંદિર ચોરીના બનાવોને ધ્યાને રાખી આ ઘટનાનો ભેદ ઉકેલવા એલસીબી, અંજાર, પેરોલ ફર્લોની એક સ્પેશિયલ ટીમની રચના કરાઇ હતી. તે દરમિયાન સંધ્યાગીરી બાપુના આશ્રમના સીસી ટીવી ફૂટેજની તપાસ દરમિયાન ચોરીના આગલા દિવસે રેકી કરવા આવેલા બે ઇસમોની બાઇકના નંબર તેમજ હ્યુમન સોર્સિસની મદદથી આ ચોરીને અંજામ આપનાર બનાસકાંઠાની ગેંગ હોવાનું જાણવા મળતાં

આ ગેંગના બે ઇસમોને પુછપરછ દરમિયાન તેમણે અંજાર આસપાસ અલગ અલગ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપતાં બનાસકાંઠાના દાતાજીના ધમણવા રહેતા રમતુભાઇ અરજણભાઇ ખેર, રંગપુરના સમંદરખાન ચાંદખાન પઠાણ અને મુળ બનાસકાંઠાના દાંતાનો હાલે અંજાર સાંગ નદી પાસે રહેતા કલ્પેશ પ્રકાશભાઇ નટને પકડી તેમના પાસેથી બન્ને ધાર્મિક જગ્યાએથી ચોરેલી 1,57,200 ની મત્તા રીકવર કરી આ ચોરીમા઼ ઉપયોગ કરેલી ઇકો કાર તથા બાઇક સહિત કુલ રૂ.3,57,200 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ મંદીર ચોરીના માસ્ટર માઇન્ડ મૂખ્ય સૂત્રધાર ગોપાલ નટ તેમજ અન્ય બે ઇસમોને પકડવાના બાકી હોવાનું તેમણે જણાવ્યું હતું.

સંધ્યાગીરી આશ્રમમાંથી ચોરેલી મત્તા રિકવર કરાઇ
1. ચાંદીનો 250 ગ્રામ વજનનો મુગટ – રૂ.8,000
2. ચાંદીનો 260 ગ્રામ વજનનો ખંડિત મુગટ – રૂ.8,200
3. ચાંદીનો 2 કિલોગ્રામનો મોટો મુગટ – રૂ.64,000
4. ચાંદીના 4 અલગ અલગ છતર – રૂ.32,000
કુલ રૂ.1,12,200 નો મુદ્દામાલ રીકવર કરાયો છે.

મકલેશ્વર મંદિરનો મુદ્દામાલ પરત લેવાયો
1. ઝરમર ચાંદીની 3 કિલોગ્રામ વજનની પીઠ - રૂ.6,000
2. ઝરમર ચાંદીની 800 ગ્રામ વજનની જળાધારી- રૂ.2,000
3. ચાંદીનો 3 કિલોગ્રામ વજનનો નાગ – રૂ.30,000
4. ચાંદીના અલગ અલગ સાઇઝના 2 છતર – રૂ.7,000
કુલ રૂ.45,000 નો મુદ્દામાલ રીકવર કરાયો ​​​​​​​

આ ઘટના સીસી ટીવી ફૂટેજને કારણે ઉકેલી શકાઇ , સીસી ટીવી લગાડવા અપીલ
અંજાર અને વીડી નજીક બે ધાર્મિક સ્થાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનાથી ધાર્મીક લાગણી દૂભાઇ હતી જેથી આ ઘટનાનો ભેદ તરત ઉકેલાય તે જરૂરી હતું જેમાં આશ્રમમાં લગાડવામાં આવેલા સીસી ટીવી કેમેરાના ફૂટેજના આધારે આ બન્ને ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી શકી છે તેમ જણાવી એએસપી આલોકકુમારે ધાર્મિક તેમજ વ્યાવસાયિક ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં લોકોને સીસી ટીવી કેમેરા લગાડવા અપીલ કરી હતી. સીસીટીવી કેમેરા લગાડવાથી અસામાજીક પ્રવૃતિ અને ક્રાઇમની ઘટનાઓ પર બાજ નજર રહેશે.

કિડીયાનગરના શિવાલયની 6 મહિના પહેલાની ચોરીનો ભેદ વણઉકેલ્યો
રાપરના કિડીયાનગરમાં આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિરમાંથી 6 માસ પહેલાં તા.3/8/2021 ના રોજ તસ્કરોએ રૂ.44 હજારની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટના નોંધાઇ હતી. આ ચોરીનો ભેદ હજી સુધી ઉકેલાયો નથી. અંજારના બે ધાર્મીક સ્થાનમાંથી ચોરી કરતી બનાસકાંઠાની ગેંગને પોલીસે પકડી લીધી છે ત્યારે આ કિડીયાનગરની ચોરીનો ભેદ ઉકેલાય તેવી આ વિસ્તારના સ્થાનિકોએ લાગણી વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...