છેલ્લા ઘણા સમયથી પોતાના ઘરે કે ઓફિસમાં ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હોવાની ઘટનાઓ સામે આવે છે પરંતુ ગાંધીધામના 24 કલાક ધમધમતા રહેતા ઝંડા ચોકમાં ડ્રાઇવિંગનું કામ કરતા યુવાને પોતાના છોટા હાથી વાહનમાં રસ્સી બાંધી સારાજાહેર ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ છે.
આજે રાત્રે જ્યારે ઝંડા ચોકમાં લોકોની અવરજવર અને વાહન વ્યવહારનો ધમધમાટ ચાલુ હતો તે દરમિયાન 8 વાગ્યાના અરસામાં આવા ભરચક વિસ્તારમાં પોતાનું વાહન છોટાહાથી ઉભું રાખી વાહનમાં જ રસ્સી બાંધી સથવારા કોલોનીમાં રહેતા વિષ્ણુભાઇ માંગેલાલ શેખાવતે ભરબજારમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો. આ બાબતે 108 ઇમરજન્સી સેવાને કોલ કરી ધ્યાન દોરાયું હતું. એમ્બ્યુલન્સ આવી પહોંચ્યા બાદ આ યુવાનને બચાવવાની કોશિષ કરાઇ હતી પરંતુ રામબાગ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તે યુવાને દમ તોડ્યો હતો. પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે અને બાદમાં રામબાગ હોસ્પિટલ ધસી ગઇ હતી.
આ બાબતે પોલીસ સૂત્રોને પૂછતાં પ્રાથમિક તપાસમાં પારિવારિક વિખવાદ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું. જો કે રાત્રે બનેલી આ ઘટનામાં માત્ર પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી માત્ર પરિવાર જ નહીં પણ જાહેરમાં ધમધમતા વિસ્તાર ઝંડા ચોકમાં યુવકે કરેલી આત્મહત્યાથી અરેરાટી ફેલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.