કાર્યવાહી:સપનાનગર અને પડાણામાં 3 દરોડામાં 21.16 લાખના શરાબ સાથે બે પકડાયા

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેક મહોમ્મદ,રમેશ ખેમારામ - Divya Bhaskar
નેક મહોમ્મદ,રમેશ ખેમારામ
  • ગાંધીધામમાં સ્થાનિક પોલીસ દારૂનો જથ્થાના કટિંગ સમયે જ ત્રાટકી
  • એક આરોપી હાજર ન મળ્યો એક પોલીસને જોઇ કાર મૂકી ભાગી ગયો : 27.26 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

ગાંધીધામના સપનાનગરના બે મકાનમાં તેમજ પડાણા પાસે કારમાં પહોંચેલા દારૂના કટિંગ સમયે જ ત્રાટકેલી સ્થાનિક પોલીસે એક જ દિવસમાં| ત્રણ દરોડા પાડી કુલ રૂ.21.26 લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે બે આરોપીને દબોચી તવાઇ મચાવી હતી. જો કે પડાણા પાસે આરોપી પોલીસને જોઇ આરોપી કાર મૂકી નાશી ગયો હતો જ્યારે એક મુખ્ય આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે કુલ રૂ.27.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બાબતે બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ સુમિત દેસાઇએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વહેલી સવારે જ ખાનગી રાહે મળેલી બાતમીના આધારે જુદી જુદી ટીમો બનાવી ત્રણ દરોડા પાડ્યા હતા. જેમાં સપનાનગરના મકાન નંબર ડી/159માં દરોડો પાડી રૂ.12,95,400 ની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબની 666 બોટલ અને રૂ.72,000 ની કિંમતના બિયરના 720 ટીન મળી કુલ રૂ. 13,67,400 ની કિંમતના દારૂ-બિયર સાથે મુળ રાજસ્થાનના રમેશ ખેમારામ ગોરને પકડી લીધો હતો.

પકડાયેલા રમેશે પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો સપનાનગરના જ ઇ/162 નંબરના મકાનમાં રહેતો અકરમ અહેમદ સિપાઇ રાખી ગયો હોવાનું જણાવતાં પોલીસે અકરમના મકાન નંબર ઇ/162 માં દરોડો પાડતાં ત્યાંથી રૂ.7,22,400 ની કીંમતના વિદેશી દારૂની 1 લીટર ક્ષમતાની 384 બોટલો સાથે અકરમ અહેમદ સિપાઇના ભાઇ નેકમહમ્મદ અહેમદભાઇ સિપાઇને પકડી આ ગુનામાં ઉપયોગ થયેલું છોટા હાથી વાહન કબજે કર્યું હતું.

તો ત્રીજી ટીમે પડાણા પાસે અજમેરી હોટલ સામે રહેતો અકબર રમજુ સોઢા કારમાં વિદેશી દારૂ લઇ અજમેરી હોટલ પાસે આવનાર હોવાની બાતમીના આધારે વોચ ગોઠવેલી હતી. દરમિયાન કાર આવતાં તેને રોકવા ઇશારો કર્યો તો પોલીસને જોઇ આરોપી અકબર ગલીગૂચીનો લાભ લઇ નાસી ગયો હતો. કારની તલાશી લેતાં તેમાંથી રૂ.27,000 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની 26 બોટલો મળી આવતાં કાર સહિત રૂ. 4,27,000 નો મુદ્દામાલ જપ્ત કરી અકબર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

આમ એક જ દિવસમાં ત્રણ દરોડામાં પોલીસે વાહનો સહિત કુલ રૂ.27,26,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કામગીરીમાં પીઆઇ સાથે એએસઆઇ કિર્તી ગેડીયા, હે.કો. ગલાલ પારગી, રાજદિપસિંહ ઝાલા, ભૂપતસિંહ રાઠોડ, કોન્સ્ટેબલ રવિરાજસિંહ પરમાર, મહિપાર્થસિંહ ઝાલા વગેરે જોડાયા હતા.

બિયરના 26 ટીન લઇ જતો એક પકડાયો
આદિપુર પોલીસે ગત સાંજે પેટ્રોલિંગ દરમિયાન વોર્ડ-4/એ વિસ્તારમાં લખુ લીમડા પાસેના રોડ પર એક્ટિવા લઇને જતા ઉત્તમ ગૌતમભાઇ મકવાણાને રૂ.2,600 ની કિંમતના બિયરના 26 ટીન સાથે પકડી લઇ તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...