ફરિયાદ:‘ATM માં રૂપિયા જમા કરતા ન આવડતું હોયતો લાવો’ કહી 44 હજાર ઉપાડી લીધા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સંકુલમાં ફરતા લેભાગુ તત્વોથી ચેતજો નહીંતર ચૂનો લાગી જશે
  • પરપ્રાંતિય નોકરિયાતે બે ગઠિયા વિરૂધ્ધ ફોજદારી નોંધાવી

ગાંધીધામના ઝંડા ચોક પાસે આવેલા બેંકના એટીએમમાં રૂપિયા જમા કરાવવા ગયેલા નોકરિયાત પરપ્રાંતિય યુવકને તમને એટીએમમાં પૈસા જમા કરાવતા ન આવડતું હોય તો હું કરી દઉં કહી રૂ.44 હજાર લઇને બે ગઠિયા ભાગી ગયા હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ ઉત્તરપ્રદેશના હાલે ભારતનગર રહેતા અને જીઆઇડીસીમાં પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા 27 વર્ષીય સંજય રાજબહાદુર સિંગ આજે સવારે 11 વાગ્યે રૂ.53,500 રોકડ લઇ તેમના ઓળખિતા પંકજસિંગના પુત્ર અભિષેક સિંગ તથા તેમના સાળાના ખાતામાં આ રકમ જમા કરાવવા નિકળ્યા હતા.

તેઓ ઝંડા ચોક પાસે આવેલી એસબીઆઇ બેંકમાં ગયા તો કર્મચારીએ બહાર એટીએમ છે તેમાં રૂપિયા જમા કરાવી દો કહેતાં તેઓ એટીએમ પર આવ્યા હતા. પરંતુ એટીએમમાં તેમને રૂપિયા જમા કરાવતાં આવડતું ન હોઇ ત્યાં ઉભેલા ચાર થી પાંચ વ્યક્તિ પૈકી એકને આ રકમ જમા કરાવવી છે પણ આવડતું ન હોવાનું કહેતાં તમને ન આવડતું હોય તો હું જમા કરાવી આપું લાવો કહેતાં 10,000 તેને આપી અભિષેકના ખાતામાં જમા કરાવ્યા તેની પહોંચ પણ આપી તે જતો રહ્યો હતો.

અન્ય એક વ્યક્તિ ત્યાં ઉભો હતો તેણે તમને ન આવડતું હોય તો રૂપિયા હું જમા કરાવી આપું કહેતાં તેમણે આ રકમ આ બેંકમાં નહીં બેંક ઓફ બરોડામાં જમા કરાવવાનું કહેતાં તેણે ત્યાં જમા કરાવી આપું કહી બન્ને પગે ચાલી બીઓબીના એટીએમ પર પહોંચ્યા હતા. તેની સાથેનો બીજો વ્યક્તિ પણ સાથે આવ્યો હતો અને બન્ને બીહારી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા. તેમની પાસેથી રૂ.44,000 રોકડ લીધા બાદ બન્ને અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. બન્નેનો પીછો કર્યો પણ હાથ લાગ્યા ન હતા. આ બાબતે તેમણે બે ગઠીયા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો છે. પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

ન આવડતું હોય તો બેંક કર્મીને સાથે રાખી પ્રક્રિયા કરવી જોઇએ
એટીએમ મારફત રોકડ રકમ જમા કરવી એ પ્રક્રીયા બધાને ફાવતી ન હોય પરંતુ બેંકમાં પૈસા જમા કરાવવા જતા દરેક વ્યક્તિને બેંક કર્મચારીઓ રકમ એટીએમમાં જમા કરાવવાનું કહેતા હોય છે અને પૈસા જમા કરાવવા આવેલો વ્યક્તિ બેંક કર્મચારીને જો આ પ્રક્રિયા આવડતી ન હોવાનું જણાવી તેને સાથે રાખી જમા કરાવે તો આવા બનાવો ન બને તે હકિકત છે.

અન્ય સમાચારો પણ છે...