પાલિકા કચેરીએ હલ્લાબોલ:લારી ધારકોને ન્યાય ન મળે તો ધરણા કરાશે

ગાંધીધામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘હોશ મેં આવો નગરપાલિકા’ સહિતના નારાથી વાતાવરણ ગાજી ઉઠ્યું

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 200થી વધુ લારી- ગલ્લાઓ હટાવવામાં આવ્યા હતા. વખતો વખત રોજેરોજનું લઇને ખાનારા વર્ગમાંથી વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરવામાં આવી છે. પણ પાલિકાએ તેનો કોઇ જવાબ કે સ્વિકાર કર્યો નથી. પાલિકા કચેરીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને શેરી ફેરીયા સંગઠન દ્વારા મોરચો લઇ જવામાં આવ્યો હતો. ઝંડાચોકમાં એકત્ર થયા પછી રેલી આકારે પાલિકા કચેરીએ પહોંચીને હલ્લાબોલ કરી હોંશ મેં આઓ નગરપાલિકા હોંશ મેં આવો ના નારા લગાવ્યા હતા. ચીફ ઓફિસરને આવેદન પત્ર આપીને ન્યાય ન મળે તો પાલિકા કચેરી સામે અચોક્કસ મુદ્દતના ધરણા અને ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

શહેરના પ્રવેશદ્વાર સમા રેલવે સ્ટેશન, ટાગોર રોડ સહિતના વિસ્તારોમાં ઉભા રહેલા લારી- ગલ્લા ધારકોને પાલિકા દ્વારા દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. હટાવવામાં આવેલા આ લારી ગલ્લા ધારકો દ્વારા જુદા જુદા સંગઠનોએ વખતો વખત પાલિકામાં વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરી છે. પાલિકા પાસે કોઇ ચોક્કસ જમીનનો અભાવ હોવાને લઇને મુંઝવણ ભરી સ્થિતિ છે અને વૈકલ્પિક વ્યવસ્થા કઇ જગ્યાએ આપવી તે અંગે નક્કી કરી શકાયું નથી. તેવા સંજોગોમાં આજે પાલિકા કચેરીએ મોરચો લાવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રીય દલીત અધિકાર મંચ ગુજરાતના ઉપપ્રમુખ નરેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, રોજગારી એ બંધારણીય અને માનવ અધિકાર હેઠળ એક અધિકાર છે. સર્વેને આ અધિકાર પ્રાપ્ત થવો જોઇએ. નહીં થાય તો ઉગ્ર આંદોલન માટે તંત્ર તૈયાર રહે. જ્યારે કચ્છ જિલ્લાના પ્રમુખ હિતેશ મહેશ્વરીએ પાલિકા પ્રમુખને સંબોધી કહ્યું હતું કે, પ્રમુખ દ્વારા દાઝ રાખીને નાના લોકોને રોજનું કમાઇ ખાનારા લોકો પર દાદાગીરી કરાય છે તે બંધ કરવામાં આવે. રજૂઆતમાં એવું પણ જણાવાયું છે કે, બે મહિનાથી વધુ સમય સુધી ધંધા રોજગાર બંધ રહ્યા હોય તેવા ફેરીયાઓનો સર્વે કરી વળતર આપવામાં આવે. આમ હવે આ લડત આગામી દિવસોમાં આગળ વધે તેમ જણાય છે.

5000 શેરી ફેરીયાને તંત્રની હેરાનગતિ
અંદાજે 5000 જેટલા શેરી ફેરીયા વાળા રોજગારી મેળવી રહ્યા છે જેને નગરપાલિકા, પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે. પાલિકા લારી તોડી નાખે છે. પોલીસ એનસી કેસ કરે છે. પ્રાથમિક રીતે શેરી ફેરિયા અધિનિયમ 214નો અમલ કરવો જોઇએ અને વેડીંગ ઝોન તથા ટાઉન વેડીંગ કમિટિની રચના સાથે સર્વે શેરી ફેરીયા વાળાને પ્રમાણપત્ર બનાવી આપવા સહિતની માગણી કરવામાં આવી હતી. નિયમ મુજબ કાર્યવાહી કરવા પાલિકાના ચીફ ઓફિસર દર્શનસિંહ ચાવડાને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...