ભચાઉ તાલુકાના જુની મોટી ચીરઇ ખાતે ગત વર્ષે તા.27 મે 2021 ના રોજ દલિત પરિવારના ઘર ઉપર ઘાતક હુમલો કરનાર આરોપીઓ યુવરાજસિંહ રાજુભા તથા તખુભા નવુભા જાડેજાએ 20 થી 25 ઇસમો સાથે બંદૂક સહિતના હથિયાર સાથે ઘાતક હુમલો કર્યો હતો. આજે 7 મહિના આ હુમલાને થયા છતાં માત્ર 8 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપીના દારૂના હાટડા ખુલ્લે આમ ચાલુ હોવા છતાં ધરપકડ કરવામાં આવી નથી ત્યારે ભોગ બનનાર પરીવારને હિજરત કરવાની સ્થિતિ ઉભી થઇ છે. જો આ હુમલાના મુખ્ય આરોપીની ધરપકડ નહીં કરાય તો તા.14/1 થી બોર્ડર રેન્જ આઇજી કચેરી સમક્ષ ધરણા ઉપર બેસવાની ચીમકી ભોગ બનનાર પરિવારે આપી છે.
આ બાબતે મોટી જુની ચીરઇના અરજદાર અને ફરિયાદીના કાકા માનણભાઇ મધાભાઇ બઢીયાએ ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, તા. 27 મે 2021 ના રોજ સોનીબેન વેલા બઢીયા, કાના વેલા બઢીયા, દિપક વેલા બઢીયા ઘરે હાજર હતા તે દરમિયાન ગામના માથા ભારે બુટલેગર યુવરાજસિંહ રાજુભા તથા તખુભા નવુભા જાડેજાએ 20 થી 25 લોકો સાથે એક સંપ કરી હુમલો કર્યો હતો. આ ઘટનાને 7 મહિના વીતી ગયા માત્ર 8 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
હત્યાના પ્રયાસની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં મુક્ત ફરી રહેલા આરોપીઓ વગના કારણે હજી સુધી પકડાયા નથી અને જામીન પર છૂટી જાય છે. જો આ ઘાતક હુમલો કરનાર આરોપીઓની ધરપકડ નહીં કરાય તો હિજરત કરવી પડશે તેમજ બોર્ડર રેન્જ આઇજીપી કચેરી સમક્ષ ધરણા પર બેસવું પડશે તેવી ચીમકી ભોગ બનનાર પરિવારે આપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.