સંકુલમાં ફરી દબાણ હટાવની ડ્રાઇવ:સર્વિસ રોડ પર ઝુપડા, લારી ગલ્લાના દબાણો હટાવાયા, વૃક્ષો પણ દૂર કરાયા, સર્વિસ રોડ પર પાલિકાએ કર્યું ફોકસ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાગોર રોડ પર ઓવરબ્રીજના કામથી મહતમ રસ્તો બંધ, સર્વિસ રોડને પહોળા કરવાનો પાલિકાનો પ્રયાસ
  • માર્ગ મકાન વિભાગના કામને કારોબારી ચેરમેન, સીઓની ઉપસ્થિતિમાં પાલિકાએ કર્યું

ગાંધીધામ નગરપાલિકા દ્વારા ફરી એક વખત દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. સર્વિસ રોડમા ઝુંપડા, વૃક્ષો અને અન્ય દબાણ હટાવવામાં આવ્યા હતા. જેસીબી સાથે ત્રાટકેલા પાલિકાના કાફલાએ અભિયાન શરૂ કર્યું તે સમયે પાલિકાના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. ટાગોર રોડ પર ઓવરબ્રીજના ચાલતા કામના કારણે ટ્રાફિકને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરી શકાય તે આયોજન અંતર્ગત આ કાર્ય હાથ ધરાયું હતું. ખરેખર તો આર એન્ડ બી વિભાગ અંતર્ગત રોડ હોવાથી આ જવાબદારી તેમની થતી હોય છે, પરંતુ પાલિકા દ્વારા લોકોની સમસ્યાઓને ધ્યાને રાખીને આ પગલું ભરાયું હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

ટાગોર રોડ પર દિવાળી પહેલાથી ઓવરબ્રીજ બનાવવાનું કામ શરૂ કરાયું છે, જે દાવા અનુસાર એક વર્ષમાં પુર્ણ થવાનું છે. દરમ્યાન કામ માટે પહેલાજ જે રોડ પર ટ્રાફિક જામ રહેતો હતો તે ટાગોર રોડના ટ્રાફિકને કઈ રીતે મેનેજ કરવો તે યક્ષ પ્રશ્ન બની રહ્યો હતો.

જેના પ્રાથમિક અને દેખીતા સમાધાન રુપે સર્વિસ રોડ પર નગરપાલિકાએ ફોકસ કરીને સર્વિસ રોડ પર થયેલા કાચા પાકા દબાણો, કેબીનો, લારી ગલ્લા, વૃક્ષોની ડાળો, વીજ ડીપી સહિતનાને દુર કરીને ટ્રાફિક આરામથી પસાર થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં આઠથી વધુ ઝૂંપડાઓ હટાવવામાં આવ્યા હતા. આ કામગીરી અંદાજે ચારેક કલાક સુધી ચાલી હતી. પાલિકાની કારોબારી સમિતિના ચેરમેન પુનિત દુધરેજીયા, પાલિકાના મુખ્ય અધિકારી દર્શનથી ચાવડા, દબાણ શાખાના લોકેંદ્ર શર્મા સહિતનો કાફલો જોડાયો હતો.

પાલિકાએ દબાણ હટાવવાનું ચાલુ રાખ્યું છે
જાણકારો ના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. શહેરના પ્રવેશદ્વાર પાસે ના લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા પછી અન્ય દબાણો પર પણ આગામી દિવસોમાં તવાઈ લાવવા માટે તૈયારી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...