તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પતિનો મિત્ર 47 હજારની ચોરી કરી ગયો, ચાંદીના સાંકળા, બે મોબાઇલ અને રોકડ કબાટમાંથી ઉપાડી ગયા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ સંકુલમાં ઘરફોડ અને વાહન ચોરીના વધતા બનાવો ચિંતાજનક

ગાંધીધામના જુની સુંદરપુરી પાસે પતિ સાથે ગત રાત્રે આવેલો મિત્ર કબાટમાંથી ચાંદિના સાંકળા, રોકડ તેમજ પુત્ર અને ભાણેજના મોબાઇલ સહિત કુલ રૂ.47,300 ની ચોરીને અંજામ આપી ગયો હોવાની ઘટના એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે. મુળ રાપરના હાલે જુની સુંદરપુરી ખાતે આર્ય સમાજવાડી પાસે રહેતા 40 વર્ષીય ધર્માબેન લક્ષ્મણભાઇ વીરાભાઇ કોલીએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ગત રાત્રે તૈયબા મસ્જિદ પાસે રહેતી બહેનપણી હાજરાબહેનના ઘરે ગયા હતાા.

આજે સવારે તેમના ભાણેજ ચેતને તેમને જણાવ્યું હતું કે, રાત્રે નવ વાગ્યે તે પોતાનો મોબાઇલ ચાર્જમાં રાખીને બેઠો હતો ત્યારે માસા અને તેમનો મિત્ર યાશિન ઘરે આવ્યા હતા. બન્ને જણા જમ્યા બાદ એક વાગ્યા સુધી ઘરે બેઠા હતા. ત્યારબાદ ચેતન સૂઇ ગયો હતો અને સવારે છ વાગ્યે ઉઠીને જોયું તો મોબાઇલ ન દેખાતાં શોધખોળ કરતાં ફરિયાદી ધર્માબેનના પુત્ર સુનિલનો મોબાઇલ પણ ન દેખાતાં તેમને કહેવા ગયો હતો.

ઘરે આવીને ધર્માબેને જોયું તો કબાટમાં રાખેલા રૂ.15,300 ની કિંમતના સાંકળાની એક જોડ, રૂ.5,000રોકડા તથા રૂ.27,000 ની કિંમતના બે મોબાઇલ સહિત કુલ રૂ.47,300 ની ચોરી થઇ હોવાનો ખ્યાલ આવતાં તેમણે પતિ લક્ષ્મણભાઇ વીરાભાઇ કોલી અને તેના મિત્ર યાશીન ઉર્ફે અશ્વિન ઇસ્માઇલ કજરિયા સામે શંકા દર્શાવી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદના આધારે પીએસઆઇ ડી.જી.પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

શું આ ચોરી પાછળ જુગાર જવાબદાર ?
અત્યારે શ્રાવણમાસ ચાલી રહ્યો છે એટલે હારજીતના શોખીનો માટે જુગારની સિઝન ચાલી રહી છે ત્યારે પતિ સાથે આવેલા મિત્રએ જમ્યા બાદ પુત્ર અને ભાણેજના મોબાઇલ, ઘરમાંથી રોકડ અને ઘરેણાની ચોરીને અંજામ આપ્યો હોવાની ઘટનામાં ક્યાંક જુગાર તો જવાબદાર નથી ને? એ તપાસનો વિષય છે.

ભારતનગરમાં રવિવારે થયેલી 40 હજારની બાઇક ચોરી એ જ દિવસે ચોપડે ચડી ગઇ !
ભચાઉ ની ગોલ્ડન ઇગલ હોટલમાં નોકરી કરતા કાનારામ ગણપતરામ પ્રજાપતિ આજે પોતાનું બાઇક લઇ ગાંધીધામના ભારતનગરમાં રહેતા તેમના મિત્ર અનિલ કાલુરામ ચૌહાણના ઘરે આવ્યા હતા. બપોરે 1 વાગ્યે તેમણે પોતાનું બાઇક મિત્રના ઘર પાસે પાર્ક કર્યું હતું. ત્રણ વાગ્યે ઘરેથી બહાર નિકળ્યા ત્યારે બાઇક જોવામાં ન આવતાં મિત્ર સાથે મળી આસપાસ શોધખોળ કરી હતી પરંતુ ન મળતાં આ બાબતે એ-ડિવિઝન પોલીસ મથકે પોતાનું રૂ.40,000 ની કિંમતનું બાઇક ચોરી થયું હોવાની ફરીયાદ નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે આજે જ થયેલી બાઇક ચોરી આજેજ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...