દુર્ઘટના:તુફાન અડફેટે મોપેડ સવાર વૃધ્ધ પતિનું મોત, સંકુલમાં 4 માર્ગ અકસ્માતમાં 1 મોત, 3 ઘાયલ, એકમાં નુકશાનથી પત્યું

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
મીઠી રોડ પર ડમ્પરના પૈડા બાઇક ચાલકના પગ પર ફરી વળ્યા - Divya Bhaskar
મીઠી રોડ પર ડમ્પરના પૈડા બાઇક ચાલકના પગ પર ફરી વળ્યા

ગાંધીધામ સંકુલમાં જુદા જુદા નોંધાયેલા ત્રણ માર્ગ અકસ્માતમાં 1 મોત, બે ઘાયલ થયા છે તો એક અકસ્માતમાં નુકશાનથી પત્યું હતું. આદિપુરમાં રહેતા 76 વર્ષીય રણવીરભાઇ ભગવાનદાસ અડવાણી તેમના 73 વર્ષીય પત્ની નર્મદાબેન સાથે એક્ટિવા પર જઇ રહ્યા હતા ત્યારે તેઓ જનતા પેટ્રોલપમ્પ પાસેથી સત્સંગ હોલ તરફ જવા માટે ટર્ન વળી રહ્યા હતા ત્યારે પૂરપાટ જઇ રહેલા તુફાન ચાલકે એક્ટિવાને અડફેટે લેતાં 76 વર્ષીય રણવીરભાઇને અતિ ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર નસીબ થાય તે પહેલાં જ તેમનું મોત નિપજ્યું હતું.

તો નર્મદાબેનને ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત સર્જનાર તુફાન ચાલક ફરાર થઇ ગયો હતો. અકસ્માતના સમાચાર મળતાં જ પરિવારજનો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા. આદિપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જી નાસી ગયેલા તુફાન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

તો ગાંધીધામના મહેશ્વરીનગર ઝૂંપડા વિસ્તારમાં રહેતા 50 વર્ષીય વાલજીભાઇ વેલજીભાઇ મહેશ્વરી તેમના હેલ્પર 30 વર્ષીય રેમસિંગ જામોદ સાથે ખારીરોહરથી ગાંધીધામ તરફ બાઇક પર આવી રહ્યા હતા ત્યારે મચ્છુનગર કન્ટેનર યાર્ડ સામે પૂરપાટ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે બાઇકને અડફેટે લેતાં બન્ને જણા ફંગોળાઇ નીચે પટકાયા હતા જેમાં તેમને જમણા પગમાં ફ્રેક્ચર જેવી ઇજા પહોંચી હતી તો રેમસિંગના બન્ને પગ ઉપરથી ડમ્પરના પૈડા ફરી વળતાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં ભુજ જી.કે.જનરલ હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરાયા હતા. અકસ્માત સર્નાર ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કંડલામાં બોલેરો અને ટેમ્પો ટકરાતા નુકશાન
ગાંધીધામના ભારતનગરમાં રહેતા દિપકભાઇ જગદિશભાઇ ચૌહાણ આજે સવારે આઇઓસીએલ કંપનીના 10 કર્મચારીઓને ફોર્સ ટ્રાવેલર્સ ટેમ્પોમાં લઇ નિકળ્યા હતા. કંડલા જિરો પોઇન્ટ રોડ પર પુલિયા પાસે પહોંચ્યા ત્યારે પૂર ઝડપે જઇ રહેલા બોલેરો ચાલકે તેમના વાહનમાં ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. સદ્દભાગ્યે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી ન હતી પરંતુ તેમના ટેમ્પોમાં રૂ.40,000 જેટલું નુકશાન પહોંચ્યું હોવાની ફરીયાદ તેમણે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...