ત્રીજી લહેરના ભણકારા:ગાંધીધામમાં કેટલું તૈયાર છે સરકારી તંત્ર?

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓએ પહેલા કરતા વધુ સજ્જ હોવાનો કર્યો દાવો, સેન્ટરોની દૈનિક મુલાકાત
  • વધતા કેસથી લોકોના શ્વાસ ઉચ્ચક હૈયે પણ નિયમોનું પાલન કરવામાં બેકાળજી

સતત વધી રહેલા કેસો વચ્ચે ત્રીજી લહેરના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે આ વચ્ચે ગાંધીધામમાં સરકારી વ્યવસ્થાઓ મહામારી સામે બાથ ભીડવા કેટલી સજ્જ છે તે જાણવા દિવ્ય ભાસ્કરે પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા આરોગ્ય અધિકારી સાથે વાત કરીને જમીની વાસ્તવીક તૈયારીઓનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો. એક તરફ સામાજિક સંસ્થાઓ સતત સક્રિયતા દાખવી સામે ચાલીને પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે સરકારી વિભાગોએ પણ આ વખતે કમરકસીને કોરોનાની ફરી એક વાર આવી રહેલી સંભવિત લહેરના પડકારને જીલવા સજ્જતા દર્શાવી હતી.

અધિકારીઓ દ્વારા દૈનિક ધોરણે સંકુલમાં આવેલી હોસ્પિટલો અને સેન્ટરની મુલાકાત કરીને પરિસ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે. પાંચ ઓક્સિજન પ્લાંટ અને 600 ઓક્સિજન સાથેની પથારીઓ સાથે તબીબોની ટીમ સજ્જ છે. પરંતુ આ બધા વધતા કેસથી લોકોના જીવ ઉચ્ચક હૈયે છે, પણ તેમ છતાંય જાહેર સ્થળોએ માસ્ક, ડીસ્ટંસ જેવા નિયમોના પાલનમાં સતત બેકાળજી રખાતી હોવાના દ્રશ્યો પણ સામે આવતા રહે છે.

કોરોનાને લઇને તૈયારી પુરી, વધુ જરૂર પડ્યે એકાદ બે દિવસમાં સજ્જ થઈ જઇશું : પ્રાંત અધિકારી
કોરોના મહામારીના કેસો જે રીતે વધી રહ્યા છે અમે અમારી તૈયારીઓને પણ તે રીતે વધુ તેજ કરી છે. ગાંધીધામમાં 22 અને અંજારમાં 9 હોસ્પિટલો છે, કુલ 31 સ્થળોએ કોવિડ સેન્ટર માટેની સજ્જતા સુનિશ્ચીત કરાઈ છે. પુરતા પ્રમાણમાં ડોક્ટર, નર્સ અને દવાઓ મળે તે માટેની વ્યવસ્થા પણ કરાઈ છે, જ્યારે એમ લાગશે કે સ્થિતિ કેસ હવે એકદમ પીક પર છે ત્યારે વધુ સંશાધનોની આવશ્યકતા પડશે તો તે માટે પણ એકાદ બે દિવસમાં વ્યવસ્થા થઈ જાય તે રીતે આયોજન કરાયું છે. > જયકુમાર રાવળ, પ્રાંત અધિકારી- અંજાર

ગયા વખતે પડી તેવી તકલીફ ન પડે તેવા સંપુર્ણ પ્રયાસઃ મામલતદાર
પ્રશાસન શરૂઆતથીજ આ અંગે હરકતમાં આવી ગયું છે, જિલ્લા સ્તરેથી રીવ્યુ બેઠકમાં પણ ખુબ બારીકાઈથી તમામ સ્થિતિઓનું વિશ્લેષણ કરાયું છે. ગયા વખતે જે તકલીફોનો સામનો થયો તે ન થાય તે દિશામાં સંપુર્ણ પ્રયાસ કરાઈ રહ્યાછે.ગાંધીધામ તાલુકામાં 22 કોવિડ હોસ્પિટલ છે,જેમાં 5 સરકારી અને 17 ખાનગી છે. કુલ 548 ઓક્સિજન સાથેના બેડ તૈયાર છે.પાંચ ઓક્સિજન પ્લાંટ છે. ડોક્ટર, નર્સ અને દવાઓની ખેંચ ન આવે તે પણ ટીએચઓ પાસેથી સુનીશ્ચીત કરાયું છે. > મેહુલભાઈ ડાભાણી, મામલતદાર, ગાંધીધામ

​​​​​​​લેબોરેટરી, 7 ધનવન્તરી રથ, સંજીવની ટીમો સાથે સજ્જઃ ટીએચઓ
રામબાગમાં આરટીપીસીઆર લેબોરેટરી કાર્યરત થઈ ગઈ છે, જેમાં ગાંધીધામ, ભચાઉ અને રાપરથી રોજ અંદાજે 700 સેમ્પલ આવી રહ્યા છે. અલગ અલગ સ્થળો પર જઈને તપાસ કરવા અમે 7 ધનવન્તરી રથની માંગ કરી હતી, જેને માન્ય રખાઈ છે, જેથી હવે દરેક એરીયામાં જઈને ટ્રેસીંગ, ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ થઈ શકસે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારસંભાળનું ધ્યાન રાખવા એક એમબીબીએસ, ત્રણ કોમ્યુનીટી ઓફિસર અને એક આર્યુવેદીક એમઓ એમ સંજીવની ટીમો બનાવાઈ છે. દરેક હોસ્પિટલોમાં જઈને વેન્ટીલેટર, બેડ સહિતની વ્યવસ્થાઓ ચકાસવામાં આવી છે, આમ અમે સંપુર્ણ તૈયાર છીએ, સાથે લોકોનો સહયોગ પણ એટલીજ રીતે મળતો રહે તો આ લડાઈમાં જીત વહેલી મડી જશે. > ડો. દિનેશ સુતરીયા,તાલુકા આરોગ્ય અધિકારી, ગાંધીધામ

અન્ય સમાચારો પણ છે...