ગાંધીધામના સ્વપ્નદ્રષ્ટાની 53મી પુણ્યતિથિ:ભાઈપ્રતાપના સ્વપ્નનું ગાંધીધામ બની શક્યું છે?, શહેરની અપેક્ષાઓ ઠેરની ઠેર, કેટલુંક મેળવ્યું પણ ઘણુ ગુમાવ્યું પણ!

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવા ભાઇપ્રતાપ - Divya Bhaskar
યુવા ભાઇપ્રતાપ
  • 30 ઓગસ્ટ, 1967ના 59 વર્ષની આયુમાં તેમનું લંડન ખાતે અવસાન થયું હતું.

ગાંધીધામ શહેરની સ્થાપના કરનારા ભાઈપ્રતાપની આજે 53મી પુણ્યતીથિ છે. 30 ઓગસ્ટ, 1967ના 59 વર્ષની આયુમાં તેમનું લંડન ખાતે અવસાન થયું હતું. ત્યારબાદ તેમને ગાંધીધામ લાવીને આદિપુરના નટ મંદિરના પ્રાંગણમાં અંતિમ સંસ્કાર અપાયા હતા. અહિંજ, ગાંધી સમાધી પાસે તેમની સમાધી પણ બનાવાઈ છે.

આજે સાત દાયકાના સમયનો વહેણ વહી ગયા બાદ જે શહેરની સ્થાપના ભાઈપ્રતાપે પોતાના લાંબા અનુભવો, સબંધો અને દિર્ઘદ્રષ્ટીથી કરી હતી તેની સ્થિતી કેવી છે? વિહંગાલોકન કરતા માલુમ પડે છે કે કંડલા પોર્ટ ટ્રસ્ટનો વિકાસની હરણફાળ એવી પકડી કે તેની સાથે શીપીંગ, ટ્રાન્સપોર્ટ સહિતના ઉધોગો ધમધમી ઉઠ્યા છે. શહેરએ ઘણુ બધુ મેળવ્યું છે, પણ મુળભુત ચુસ્ત માળખાકીય સુવિધાઓ અને કેટલીક અપેક્ષાઓ ઠેરની ઠેર રહી હોવાનો મત પણ જનતા વ્યક્ત કરી રહી છે.

આ રીતે જન્મ્યો ગાંધીધામનો વિચાર
ભારતની આઝાદી સાથે કરોડો લોકોના જીવન બદલાઈ ગયા, જેમાં સૌથી વધુ જેના પર અસર પડી તેવો કરોડો વિસ્થાપીતો હતા. અખંડ ભારતના પશ્ચીમી કાંઠે કરાંચી બંદર હતું. જેનો બહોળો વહિવટ અને કામકાજ સિંધી વસાહતજ સંભાળતું હતું. પરંતુ લાખો સિંધીઓએ પોતાની કર્મભુમી માટે હવે ભારત આવવાનું નક્કી કર્યું હતું. આવી સ્થિતીમાં તેવો ભારતમાં ક્યાં જશે, અને શું કરશે? તે ચીંતા દેશ વિદેશમાં વહાણવટા સહિતના વેપાર ચલાવતા અને આઝાદીની ચળવળમાં ગાંધીજી સાથે કદમતાલ મીલાવી રહેલા ભાઈપ્રતાપને આવ્યો અને તેમણે તેમના માટે રોટલો અને ઓટલો બંન્ને મળી રહે તેની શોધ શરુ કરી. કરાંચી પાકિસ્તાનમાં જતા ભારતના પશ્ચીમી કાંઠે એક મહાબંદરની આવશ્યકતા જાગી હતી, જેથી કંડલા પોર્ટ અને તેના કાંઠે પોર્ટ સીટી તરીકે શહેર બનાવવાનો વિચાર જન્મ્યો. જેને અનેક ઉતાર ચડાવ અને સંઘર્ષોનો સામનો કરીને મહામહેનતે ભાઈપ્રતાપે વાસ્તવીક સ્વરુપ આપ્યું.

અંતિમ ઘડી સુધી શહેર માટે રહ્યા ચિંતાતુર
વરિષ્ઠ નાગરિક અર્જુનભાઈ જગાશીયાએ કહ્યું- દેશમાં ચંડીગઢ અને ગાંધીનગરની તર્જ પર વેલપ્લાન્ડ શહેર તરીકે દિર્ઘદ્રષ્ટા ભાઈપ્રતાપે ગાંધીધામનું નિર્માણ કર્યું હતું. તેના નકશા, પ્લાનીંગ, પ્લોટીંગ સમગ્ર જે તે વિષયના ઉપલબ્ધ વરીષ્ઠ તજજ્ઞોએ પોતાનું યોગદાન આપ્યું હતું. પરંતુ ભાઈ પ્રતાપ જેવું ધારતા હતા તેવી પરિસ્થિતિઓ ન થઈ શકી. પરંતુ છેલ્લી ઘડી સુધી તેવો ગાંધીધામના વિકાસને લઈને ચીંતાતુર અને અગ્રેસર રહ્યા. 1965માં પોતાના પ્લાન અનુસાર ઝોનની કલ્પનાને સાકાર કરવા તેમણે તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રી સાથે સલાહ સુચન કરીને તેનું પણ નિર્માણ કરાવડાવ્યું. જેમા આજની તારીખે પણ 26 હજારથી વધુ લોકો રોજગારી મેળવે છે.

સુંદર કેન્વાસ તેમણે આપ્યો, જેના પર યોગ્ય સંભાળનો વર્તાતો અભાવ
ગાંધીધામ ચેમ્બર કોમર્સના પ્રમુખ અનીલકુમાર જૈને કહ્યું- ભાઈપ્રતાપ કેવા વીઝનરી હશે તેનો અંદાજો તેના પરથી આવે કે તેમણે 1952માં જ્યારે ગાંધીધામ, કંડલા કોમ્પલેક્ષ વિશે વિચાર્યું તો તેમાં એરપોર્ટ પણ જોડ્યું. આ શહેર ખુબ વિકસતું અને આગળ વધતુ જોવા માંગતા હતા, એટલે તે માટે તમામ દિશાએથી પોતાના બાળકની જેમ સંભાળ રાખીને ઉછેર્યું. પણ આજે સામાજિક માળખા તુટેલા જોવા મળે છે, માર્ગો પર જરુર ન હોય તેવા સ્પીડબ્રેકર છે. રોડ એવી ગુણવતાના બને છે કે દર છ મહિને ફરી બનાવવા પડે છે! સમય આવી ગયો છે કે ભાઈપ્રતાપના વીઝનને યાદ કરીને તે દિશામાં આ શહેરને આગળ વધારાય.

આ સ્વપ્ન નગરી, પ્રતિનિધિત્વની જરૂર
સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સત્ય પ્રકાશ ગોપલાણીએ જણાવ્યું કે, દેશના વરીષ્ઠ ધારાશાસ્ત્રી રામ જેઠમલાણીએ ભાઈપ્રતાપના કેસમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવી હતી. મુંબઈ ખાતે ભાઈપ્રતાપના જીવન પર લખાયેલા પુસ્તકનું વિમોચન કરાયું ત્યારે ધારાશાસ્ત્રીએ તેમની સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. મને પણ તે ક્ષણોમાં ઉપસ્થિત રહેવાનું સોભાગ્ય મળ્યું, મારુ માનવું છે કે આ શહેરનું ત્યારબાદ જે પ્રકારનું લાલન પાલન થવું જોઇએ, તે અંગે સતાધિશોએ ધ્યાન આપ્યું નથી. જેથી એવું લાગે છે કે અડધુ કામ થયુ છે, અને અડધુ બાકી. આ સ્વપ્ન નગરી છે, અહિ એક પૈસો લઈને આવેલા અબજોના માલીક બન્યા છે. બસ તેને યોગ્ય વળાંક અને પ્રતિનીધીત્વની જરુરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...