તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિધન:રાજ્યમાં ટેબલ ટેનિસમાં પાયાના પથ્થર ગાંધીધામના હરેશ સંગતાણીનું નિધન

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હરેશ સંગતાણી - Divya Bhaskar
હરેશ સંગતાણી
  • ગુજરાત સ્ટેટ TT એસો.ના સેક્રેટરી પદે કાર્યરત હતા

ગુજરાતમાં સ્પોર્ટ્સના સારા સંચાલકો પૈકીના એક અને રાજ્યમાં છેલ્લા કેટલાક દાયકાથી ટેબલ ટેનિસની રમતને વેગ આપનારા ડીપીટીના પર્વ અધિકારી હરેશ સંગતાણીનું નિધન થયું હતું. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસો.ના માનદ સચિવ સંગતાણીએ કેન્સર સામે લડત આપ્યા બાદ મંગળવારે સવારે 8.15 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 61 વર્ષના હતા અને તેમની પાછળ પત્ની, પુત્ર તથા પુત્રીને વિલાપ કરતા છોડી ગયા હતા.

ટેબલટેનિસ વર્તુળમાં હર્ષી તરીકે જાણીતા સંગતાણી એક સમયે ટેબલ ટેનિસ રમતા હતા અને સ્ટેટ મેજર રેન્કિંગ ટુર્નામેન્ટની સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા. 1985-86માં કંડલા પોર્ટ ટ્રસ્ટની ટીમને ઇન્ટર ઇન્સ્ટિટ્યૂશન ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચાડાવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.

2004માં જીએસટીટીએમાં આવ્યા બાદ પ્રમુખ વિપુલ મિત્રાના માર્ગદર્શન હેઠળ સંગતાણીએ રમતનું પાસું પલટી નાખ્યું હતું અને ખેલાડીઓની સવલત માટેના માળખા પર ભાર મૂક્યો હતો. 2015માં સુરતમાં જીએસટીટીએ દ્વારા કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું હતું જેમાં તેમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી અને આયોજનમાં અગ્રેસર રહ્યા હતા. 2017માં અમદાવાદ ખાતે આઈટીટીએફ-એટીટીયુ એશિયન કપના આયોજનમાં તેઓ સક્રિય હતા. ભૂતકાળમાં સંગતાણીએ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં વાઇસ પ્રેસિડેન્ટ અને જોઇન્ટ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.

તેઓ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ રેફરી પણ હતા. જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્રાએ સંગતાણીના નિધનને ગુજરાત માટે મોટી ખોટ ગણાવી હતી. જીએસટીટીએના ચેરમેન મિલિન્દ તોરાવાણે જણાવ્યું હતું કે સંગતાણીએ ગુજરાતમાં ટેબલ ટેનિસના વિકાસનો પાયો નાખ્યો હતો. સંગતાણીના નિધનથી સંકુલના રમત-ગમત પ્રેમીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...