દોડધામ:રામલીલા મેદાનમાંથી 2 માસમાં કચરો ઉપાડો, એસડીએમની કોર્ટમાં ધારાશાસ્ત્રી દ્વારા મુકાયેલા કેસમાં પાલિકાની વિરૂદ્ધમાં અપાયો ચુકાદો

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની લેન્ડફીલ વાળી જગ્યા પર વાદગ્રસ્ત મિલ્કતનો ઉપયોગ સિવાય લઇ જવાની વ્યવસ્થા કરવી પડશે : ચુકાદાના પગલે દોડધામ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા રામલીલા મેદાનમાં ગાંધીધામ અને આદિપુરનો ઘન કચરો એકત્ર કરવામાં આવતાં આ મામલે અવારનવાર વિરોધ પણ થયો હતો. ત્યાર બાદ આ બાબતે નાગરીક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી હતી. સીઆરપીસી 133 (1-એ-બી) મુજબ થયેલી ફરિયાદમાં પ્રાંત ઓફિસર દ્વારા બે માસમાં જ આ કચરાની સાઇટ પરથી કચરો ઉઠાવી લેવા હુકમ કરવામાં આવ્યો છે. તાત્કાલિક વ્યવસ્થા કરીને રામલીલા મેદાન અને આજુબાજુના વિસ્તારમાં નિયમિત દવાનો છંટકાવ કરવા સહિતની તાકીદ કરવામાં આવી છે.

રામલીલા મેદાનમાં પાલિકા દ્વારા ડમ્પીંગ સ્ટેશન ઉભું કરવામાં આવ્યું હતું. જેની સામે જજીસ બંગલો હોવાથી વકીલોને રોજરોજ ત્યાંથી પસાર થવું પડતું હોઇ આજુબાજુના લોકો માટે પણ ડમ્પીંગ સ્ટેશન ત્રાસદાયક બન્યું હતું. બિમારીની શક્યતાને લઇને એડવોકેટ નરેન્દ્ર તોલાણી દ્વારા તા.27-9ના પાલિકાને નોટિસ પણ આપી હતી. સીઆરપીસી 133 હેઠળ પાઠવવામાં આવેલી નોટિસમાં ચીફ ઓફિસર દ્વારા લેખીત રજૂઆત જવાબ રજૂ કરાયો હતો. જેમાં કંડલા પોર્ટે અગાઉ 10-સીમાં પાલિકાને કચરાના નિકાલ માટે પ્લોટ આપ્યો હતો જેમાં પણ કોર્ટમાં દાવો વિવેક રામચંદાણી દ્વારા કરાયો હતો.

26-7-10ના દાવામાં નિકાલ ન થાય ત્યાં સુધી મનાઇ હુકમ કરાયો હતો. દરમિયાન ઘન કચરો શિણાય લેન્ડ સાઇટ પર ડમ્પ કરવામાં આવતાં હાઇકોર્ટે રોક લગાવી હતી. જેને લઇને કલેક્ટર દ્વારા અંજારના વાડામાં સર્વે નં.83-એની જમીન ફાળવી હતી. દરમિયાન અંદાજીત 45થી 50 કિલોમીટર અંતરે સરેરાશ 120 ટન કચરો પાલિકા દ્વારા આઉટ સોર્સીંગ માધ્યમથી એકત્ર કરાય છે.

આ કામગીરીમાં કચરાને વાડાની સાઇટ પર મોકલવાનું મુશ્કેલ હોઇ પાલિકાની જગ્યા ન હોઇ રામલીલામાં ગોડાઉન બનાવવામાં આવ્યું હતું. જેની સામે ફરિયાદ થતાં આખરે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા પાલિકાને દૈનિક ઉત્પન્ન થતો ઘન કચરો એકઠો કરીને અન્યત્ર લેન્ડફીલ વાળી જગ્યાએ લઇ જવા આજ્ઞા કરી છે. પાલિકામાં આવેલા આ ચુકાદાના પગલે હાલ દોડધામ મચી ગઇ છે.

નગરપાલિકા પાસે જમીનન અભાવ
નગરપાલિકાને લાગે વળગે ત્યાં સુધી કેટલાક વિકાસના કામોથી લઇને અન્ય પ્રોજેક્ટોમાં પણ અગાઉ જે ફાળવવામાં આવ્યા છે તે પ્લોટ સિવાય વધારાની સુવિધા ન હોવાથી બીજી તરફ વિકાસની સાથે વસ્તી અને વિસ્તારો પણ વધવા લાગ્યા છે. પરંતુ જે તે બાબતે સુવિધાઓ ઉભી કરવી જોઇએ તેમાં જમીન ન હોવાને લઇને પણ અડચણ આવતી હોય છે. કચરાની સાઇટના મુદ્દે પણ હવે પાલિકા પાસે અન્ય સ્થળો શોધવા પડે તેવી સ્થિતિ છે. અગાઉ થોડા સમય ગુરૂકુળમાં પણ પાલિકાના પ્લોટમાં કચરો ઠાલવવામાં આવ્યો હતો. જેમાં રહેણાંક વિસ્તારમાં આ કચરો એકત્ર થતાં રહીશો દ્વારા વિરોધ પણ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...