અભિયાન:પ્લાસ્ટિક મુક્ત શહેરના અભિયાન સાથે 50 માઈક્રોન પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ રોકવા ગાંધીધામ નગરપાલિકા સજ્જ થઇ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદૂષણ રોકવા માટે આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરવા કરવાનો પ્રયાસ
  • જાહેરમાં કચરો નાખનારાં કે ગંદકી કરનાર સામે પગલાં ભરવામાં ઠાગાઠૈયા

ગાંધીધામ નગરપાલિકા દ્વારા 50 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઝબલાનો ઉપયોગ રોકવા માટે ફરી એક વખત કમર કસવામાં આવી છે. પાલિકાને અગાઉ આપવામાં આવેલી સત્તા પછી પગલાં ભરવામાં કોઈ કારણોસર કસર રાખવામાં આવતી હતી. હાલ નવો પરિપત્ર બહાર પાડીને ટીમ બનાવીને આ ટીમ દ્વારા ગમે ત્યારે જે તે સ્થળ પર ચકાસણી કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરવાથી લઈને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નગરપાલિકા દ્વારા લોક સુખાકારીમાં માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. પાલિકાને આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો લોકોને સારા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ આપી શકાય તેમ છે, પરંતુ એક યા બીજા કારણોસર લોકોને સુખ સુવિધા પૂરી પાડવા માટે જે યોગ્ય પગલાં ભરવા જોઇએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાલિકા દ્વારા આગામી દિવસોમાં પર્યાવરણને બગાડ કરતા અટકાવવા હોય પગલાં ભરવા માટે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે.

શહેરમાં જુદા વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થઈ રહ્યો છે. 50 માઇક્રોનથી પાતળા પ્લાસ્ટિકના ઝબલા વાપરવા પર પ્રતિબંધ હોવા છતાં જુદી જુદી ચીજવસ્તુઓ આપવા માટે તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો હોવાની બુમરાડ ઊઠી રહી છે. દરમિયાન આ બાબતે શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવાના હેતુથી કહેવાય કે ગમે તે કારણોસર આગામી દિવસોમાં પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે માટે ટીમ બનાવી છે જે શહેરના જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરીને કાર્યવાહી હાથ ધરશે તેમ જણાય છે.

ટાગોર રોડ પર કચરાની ગાડી દ્વારા નિકાલ !
કચરાના નિકાલના બહાને પ્રદૂષણ પાલિકા દ્વારા કચરાના નિકાલના જે પગલાં ભરવામાં આવે છે તેમાં કેટલીક વખત પ્રદૂષણનો પ્રશ્ન પણ ઉભો થતો હોય છે. ટાગોર રોડ પર કચરાની ગાડી દ્વારા કચરાનો નિકાલ કરવામાં આવી રહી છે તેવી વાત બહાર આવી હતી તે કોના કહેવાથી તે પણ તપાસનો વિષય ગણી શકાય, પાલિકાએ આ બાબતોમાં પણ ધ્યાન રાખીને ચકાસણી કરી આગળ વધવાની જરૂર છે.

બે-ચાર જગ્યાએ દરોડા પાડે નહિ ચાલે !
સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પણ પાલિકા દ્વારા પ્લાસ્ટિકના પ્રતિબંધિતનું વેચાણ અટકાવવા માટે પગલાં ભરવામાં આવ્યા હતા. બે ચાર વેપારીઓ સામે કેસ પણ કરવામાં આવ્યા હતા અને તેની પાસેથી આવા જ પ્લાસ્ટિકના ઝબલા જપ્ત કરીને સંતોષ માન્યો હતો આવી રીતે સમયાંતરે કાર્યવાહી કરવી જોઈએ તેનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.

નાળાનો કચરાપેટી તરીકે ઉપયોગ કરતા લોકો સામે ક્યારેય પગલાં ભરાશે?
નગરપાલિકાના વરસાદી નાળા પર યોગ્ય પ્રમાણમાં જાળવણી કરવામાં ન આવતા અનેકવિધ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. કેટલાક લોકો વરસાદી નાળાનો ઉપયોગ કચરાપેટી તરીકે કરી રહ્યા છે, જેની પાલિકાને જાણ હોવા છતાં મૂક પ્રેક્ષક તરીકે બેસી રહે છે. જવાબદારો સામે પગલાં ભરવાને બદલે પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવવામાં આવી રહી છે તે કેટલે અંશે યોગ્ય ગણી શકાય. વરસાદી પાણીના નાળામાં પ્લાસ્ટિકના ઝબલા પણ કચરામાં આવતા હોવાથી પાણીનો નિકાલ અટકી રહ્યો છે. ઉપરાંત આવા જ પ્લાસ્ટિકના ઝબલાંને લઈને ગટર લાઈન ચોકપ થવાને લઈને અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. તેમ છતાં પાલિકાની હોતી હૈ ચલતી હૈ માં ક્યારે સુધારો આવશે તે કહી શકાય તેમ નથી.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગંદકી ફેલાવતા લોકો સામે કેસ કેમ નથી કરવામાં આવતા?
શહેરના જુદા વિસ્તારમાં એક યા બીજા કારણોસર કેટલાક લોકો ગંદકી ફેલાવી રહ્યા છે. હોટલ રેસ્ટોરન્ટ થી લઈને કેટલાક દુકાનદારો પણ ગંદકી કરી રહ્યા છે. તેમ છતાં જાહેર ન્યૂસન્સના કેસ કરવા જોઈએ તે કરવામાં પીછેહટ કરવામાં આવી રહી છે. નગરપાલિકા દ્વારા આ બાબતે પણ આગળ વધીને સંબંધિત તપાસ કરીને જે તે ગંદકી ફેલાવતા હોય તેની સામે પગલાં ભરી કેસ કરીને કાર્યવાહી કરવા માટે હવે મુર્હૂત જોવુ ન જોઈએ તેવી લાગણી પણ લોકોમાં વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...