આયોજન:ગાંધીધામમાં ચોથા ઓક્સિજન પ્લાન્ટની સુવિધા, પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું મોદીના હસ્તે રાષ્ટ્રીય સામુહિક ઈ-લોકાર્પણ

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની સંભવીત લહેરની સામે પગલા ભરવામાં આવ્યાનો દાવો નેતાઓ દ્વારા કરવામાં આવ્યો

આદિપુર ખાતે વડાપ્રધાનના હસ્તે થનાર રાષ્ટ્ર વ્યાપી સામુહિક ઈ-લોકાર્પણના ભાગરૂપે રામબાગ હોસ્પિટલ ખાતે પીએસએ ઓક્સિજન પ્લાન્ટનું લોકાપર્ણ કરાયું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી સહિતના પ્રભુદર્શન હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ લોકાપર્ણ પછી રામબાગ, ગોપાલપુરી હોસ્પિટલમાં એક મળી કુલ ચાર જેટલા ઓક્સિજન પ્લાન્ટની વ્યવસ્થા થઇ છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારીરૂપે વિવિધ પગલા લેવાઇ રહયા છે. રાજયમાં વિવિધ પીએમ કેર પી.એસ.એ. ઓકિસજન પ્લાન્ટસનું વડાપ્રધાન મોદીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

કચ્છમાં રામબાગ એસ.ડી.એચ.હોસ્પિટલ ગાંધીધામ ખાતેના પીએસએ ઓકિસજન પ્લાટનું પણ ઈ-લોકાર્પણ યોજાયું હતું જેમાં રાજયમંત્રી આર.સી.મકવાણાએ જણાવ્યું હતું કે, કોરોના જેવી વૈશ્વિક મહામારીના સમયમાં વડાપ્રધાન, કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. પૂર્વ રાજયમંત્રી તેમજ અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, કચ્છના વહીવટી તંત્રે કોરોનાને રોકવા અને નિયંત્રિત કરવા સવિશેષ કામગીરી કરી છે. આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામમાં ચોથા ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ થતાં ખુશીની લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે ઈ-માધ્યમથી જોડાયેલા વડાપ્રધાન જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયમાં ભારતે ટુંક સમયમાં જે સુવિધાઓ ઉભી કરી છે તે આપણું સામર્થ્ય દર્શાવે છે. ભારત દ્વારા ઓકિસજનના નિર્માણ માટે અને તેના પરિવહન માટે યુધ્ધના ધોરણે પ્લાન્ટનું નેટવર્ક ઉભું થઇ રહયું છે અને હવે તમામ જિલ્લા આ સાથે જોડાઇ રહયા છે જેથી કોરોનાને ટક્કર આપવી સરળ બની રહેશે. આ પ્રસંગે રાજયમંત્રી તેમજ ઉપસ્થિત હસ્તે પીએસએ ઓકિસજન પ્લાન્ટનું એસ.ડી.એચ.- ગાંધીધામ ખાતે રીબીન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધનજીભાઇ હુંબલ, પંકજ ઠકકર, બાબુભાઇ ગુજરીયા, ભરતભાઇ હડીયા, રામ માતંગ, વિજયસિંહ જાડેજા, બળવંત ઠક્કર, કુલદીપસિંહ ઝાલા, મોમાયા ગઢવી, કમલ શર્મા વગેરે તેમજ કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી ડો.વિમલ જોશી, સિવિલ સર્જન ડો.કશ્યપ બુચ, ડૉ. દિનેશ સુતરીયા હાજર રહ્યા હતા.

વાસણ ખખડ્યા, મંત્રી છું અને રહીશ
આ પ્રસંગે ઉપસ્થિત પૂર્વ મંત્રી વાસણભાઇ આહિરે વહીવટી તંત્રને ચીમકી આપતા જણાવ્યું હતું કે, હું મંત્રી હતો અને રહીશ પણ આમંત્રણ કાર્ડમાંથી નામની બાદબાકીનો ઉલ્લેખ કરીને આવી ભુલ ન થાય તેવી ટકોર કરી કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે જ તેમ પણ ઉમે.ર્યું હતું. જેને લઇને ઉપસ્થિતોમાં તંત્રને કરેલી ટકોર પછી ચીઠ્ઠીની ચાકર બનેલા તંત્ર સત્તા પાસે શાણપણ નકામું હોય ઉપરની સૂચના મુજબ જ કામ કરવું પડે છે તેવી ચર્ચા પણ થઇ રહી હતી.

મંત્રી બોલવા ઉભા થયા અને વીજળી ડૂલ, કેન્દ્ર મંત્રીના ભાષણમાં નેટવર્ક ખોરવાયું
આજના કાર્યક્રમમાં પણ એક તબક્કે રાજ્યમંત્રી મકવાણાનું પ્રવચન ચાલું હતું અને વીજ પુરવઠો ખોરવાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. અધિકારીઓ પણ ટેન્શનમાં આવી ગયા હતા અને મોબાઇલથી વીજ કંપનીના અધિકારીઓને વીજ પુરવઠો પુન: શરૂ થાય તે માટેની મથામણમાં લાગેલા રહ્યા હતા. પાંચેક મીનીટથી વધુ સમય સુધી વીજ પુરવઠો મંત્રીના ઉદ્દબોધન સમયે કેમ ખોલવાયો તે પણ ચર્ચાનો વિષય બન્યો હતો. આવી જ રીતે કેન્દ્રના આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા સંબોધન કરી રહ્યા હતા તે સમયે નેટવર્ક ખોરવાતા તેના ભાષણના કેટલાક અંશ સાંભળી શકાયા ન હતા.

પાલિકા પ્રમુખને બીજી હરોળમાં બેસાડી પ્રથમ નાગરીકનું નહીં ગાંધીધામનું અપમાન
રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કરવામાં આવતા જુદા જુદા કાર્યક્રમોમાં હવે કેટલીક વખત પ્રોટોકોલને નેવે મુકીને જે સુચના આવે છે તે મુજબ મંચ પર વ્યવસ્થા કરવી પડતી હોય છે. સામાન્ય રીતે આજના કાર્યક્રમમાં એવી પણ વાત ઉઠી હતી કે, પ્રથમ હરોળમાં પ્રથમ નાગરીકને કેમ સ્થાન ન અપાયું. પાલિકાના પ્રમુખ ઇશિતા ટિલવાણીને બીજી હરોળમાં પાછળ બેસાડીને ગાંધીધામમાં કાર્યક્રમ યોજાયો હોઇ, ગાંધીધામનું અપમાન પણ કેટલાકોએ ગણાવ્યું હતું. જ્યારે બીજી બાજુ એવી પણ દલીલ થતી હતી કે, પ્રથમ હરોળમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પણ જિલ્લાના પ્રથમ નાગરીક ગણાય. આમ આ કાર્યક્રમમાં વાદ-વિવાદ પણ થયા હતા.

રસીકરણમાં સારી કામગીરી કરનાર 3 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું
રસીકરણમાં ક્ષેત્ર કામગીરી કરેલા રાપર સબ સેન્ટરના વેલુબેન વડવાઇ, ઘડુલી સબ સેન્ટરના મંજુલાબેન બારીયા તેમજ ગોરેવાલી સબ સેન્ટરના જિજ્ઞાબેન કેરાસીયાનું સન્માન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...