તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સભાગૃહનું ભાડું માફ, ‘દલા તરવાડી’ જેવું વલણ

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું કારણ આગળ ધરી ગત પાલિકાની બોડીએ ઠેકેદારની અરજીના આધારે જ એક વર્ષનું ભાડું માફ કરી દીધું!
  • જનતા માટે બનાવાયેલા હોલનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હોવાની રાવઃ મહિને 50 હજાર જેટલું ભાડું પાલિકાને આપવા કરાર

ગાંધીધામના ગુરુકુળ વિસ્તારમાં આવેલા નગરપાલિકા નિર્મીત દીન દયાલ સભાગૃહનો કોન્ટ્રાક્ટમાં એક વર્ષનું ભાડુ માફ કરી દેવાયું હોવાની બાબત સામે આવતા બાબત ચર્ચાના એરણે ચડી છે. શહેરનો જાગૃત વર્ગ આને નગરપાલિકાની તીજોરીમાં ખાતર પાડ્યા સમાન અને ‘દલ્લા તરવાડી’ ની કથા જેવું વલણ દાખવાઈ રહ્યાનો આક્ષેપ કરી રહ્યો છે.

આજ પ્રકારે જનતાના હક્કના પૈસાનો લાભ અયોગ્ય રીતે અન્યો સુધી પહોંચાડવા લેવાયેલા તથાકથીત અન્ય નિર્ણયોને લઈને પાલિકા અંદરથીજ વિરોધનો સુર ઉઠવા પામ્યો છે. આ હોલનું કામ આપવાને લઈને પાછળ પાલિકાના પુર્વ પદાધિકારીની ચંચુપાત અને લાગવગ પણ હોવાની વાત પણ ચર્ચાના એરણે છે.

શહેરના ડીસી 2, ગુરુકુળ એરીયામાં આવેલા દીન દયાલ સભાગૃહ હોલ નગરપાલિકાના અન્ય વ્યવસ્થાઓની જેમજ શરૂઆતથી વિવાદોમાં રહી છે. આ હોલનો કોન્ટ્રાક્ટ જ્યારે અપાયો ત્યારે કોઇ ટેન્ડરીંગ પ્રક્રિયાને અનુસર્યા વીના માત્ર અરજીના આધારે લાગતા વળગતાઓને લાગવગના આધારે આપી દેવાયા હોવાની રાવ ઉઠી હતી. જેમાં 5 વર્ષ માટે કરાયેલા કરારમાં દર મહિને અંદાજે 50 હજાર જેટલી રકમ નગરપાલિકાને આપવાનું નક્કી કરાયું હતું.

પરંતુ આ વછે સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે કોરોના કાળનો હવાલો આપીને ઠેકેદાર દ્વારા એક વર્ષે જેટલા લાંબા અંતરાલ માટે ભાડુ માફ કરવાની અરજી કરી હતી, જેને જુની બોડી દ્વારા અરજી સ્વરુપમાંજ મંજુર પણ કરી લેવાઈ હતી. આ બધુ ત્યારે થઈ રહ્યું હતું જ્યારે કે એવો સુર પણ ઉઠ્યો છે કે સભાગૃહના સ્થળનો માત્ર કાર્યક્રમો માટે નહિ પણ ગોડાઉન તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે. તેમજ નિયમાવલીમા ક્યાંય ભાડામાફી જેવા પ્રાવધાનોને સ્થાન પણ નથી. જેથી કામ આપવાથી લઈ, ત્યારબાદ ભાડુ માફ કરવા સુધીની પ્રક્રિયા પર સવાલો ઉભા થઈ રહ્યા છે.

એક્ટમાં કોઈ જોગવાઈ નથી, કાર્યવાહીના આદેશ આપ્યાઃ ઉપપ્રમુખ
આ પ્રકરણ અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે હોલને ચલાવવા આપવાની આ પ્રક્રિયા મુળમાંથીજ યોગ્ય રીતે ન થઈ હોવાનું અમારા ધ્યાને આવ્યું છે. અરજીના રુપે આવેલી માફીની માંગને સ્વિકારવાની કોઇ જોગવાઈ મ્યુનીસીપાલટી એક્ટમાં નથી. જેથી તે અયોગ્ય છે અને તે માટે કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગને જાણ પણ કરાઈ છે.

હોલમાં જાણવણીનો અભાવ, તુટેલા કાચ અને ઉગેલા વૃક્ષો પુરે છે સાક્ષી
શહેરના પોશ વિસ્તારમાં આવેલા આ સભાગૃહમાં જાણવણી ન થતી હોવાની સાક્ષી તેની હાલતજ પુરી રહી છે. અહિ આવેલા વૃક્ષો લાંબા સમયથી કટીંગ ન થયા હોવાથી ઝુલી રહ્યા છે, તો ઓપન એરીયામાં સાફ સફાઈ ન થતા પેવર બ્લોક વચ્ચેથી ઝાડી ઝાંખરા ઉગી નિકળ્યા છે. હોલની બારીઓના કાંચ તુટેલા નજરે પડે છે ત્યારે તેની જાળવણીને લઈને પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...