ભાવિ ધૂંધળા બન્યા:ગાંધીધામ સ્માર્ટ સિટી માટે પા..પા.. પગલી પણ ન મંડાઇ !

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4વર્ષ અગાઉ ડીપીટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી : અંદાજે 1100 કરોડના પ્રોજેક્ટ માં કોઈ એ રસ ન દાખવ્યો
  • નોટબંધી, કોરોના કાળ વગેરે પરિબળોએ લોકોની આર્થિક સ્થિતિ ડામાડોળ કરી દીધી છે : સ્માર્ટ સિટીના પ્રોજેક્ટના ભાવિ ધૂંધળા બન્યા

જે રીતે રાજ્યના છ શહેરોમાં સ્માર્ટ સિટી મિશન માટે પાંચ વર્ષ પહેલા ગતિવિધિ કરવામાં આવી હતી, તેમાં જુદા જુદા પ્રોજેક્ટમાં જોઇએ તેવી ગતિ આવી ન હોવાનું બહાર આવ્યા બાદ દીનદયાળ પોર્ટ દ્વારા ચારેક વર્ષ પહેલા ગાંધીધામને સ્માર્ટ સિટી બનાવવા માટે કરેલી જાહેરાતમાં પણ પા.પા પગલી માંડી ન હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.જે તે સમયે અંદાજે 1100 કરોડનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમા કહી શકાય કે તસુભાર પણ પ્રગતિ થઈ નથી. માત્ર કંડલામાંસ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી (એસ.આઇ.પી.સી)માં એક જ કંપનીએ રસ દાખવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા જે તે સમયે સ્માર્ટ સિટી માટે તૈયારી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર સાથે મળીને જુદા પ્રોજેક્ટ તૈયાર કરીને જે તે મોટા શહેરો છે તેમાં આ પ્રોજેક્ટની અમલવારી થાય તે માટે ગતિવિધિ તૈયાર કરી હતી. પરંતુ તૈયાર કરવામાં આવેલા આ પ્રોજેક્ટમાં જે બાબતો બહાર આવી છે તેવી જ રીતે અહીં ગાંધીધામમાં પણ દીન દયાળ પોર્ટ દ્વારા અંદાજે ચાર વર્ષ પહેલા સ્માર્ટ સિટી માટે તૈયારી કરી હતી, તેના પ્રોજેક્ટ પણ તૈયાર કરાયા હતા.પરંતુ જોઈએ તેવી કોઈ ધારી પ્રગતિ થઇ શકી નથી.

જે તે સમયે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં જો કામગીરી શરૂ થઈ ગઈ હોત તો હાલ કેટલાક પરિણામ પણ આવી ગયા હોત,અને પ્રગતિ મુજબ કામ ને જોતા સ્માર્ટ સિટી માટે ના પાયા પર નખાઈ ગયા હોત તેવી નકારી શકાય તેમ નથી .

ગાંધીધામ નગરપાલિકાએ પાણી આપવાનો ઇન્કાર કર્યો હતો
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ માળખાકીય સુવિધાઓ સાથે શરૂ કરનાર આ પ્રોજેક્ટમાં જુદી-જુદી બાબતોને આવરી લેવામાં આવી હતી. લોકોને તમામ સુવિધાઓ પુરી પાડી શકાય તેવી પ્રાથમિક કક્ષાની બાબતોને ધ્યાન રાખવામાં આવી હતી.

મહત્વનું પરિબળ કહી શકાય તેમાં પાણી નો મુદ્દો ગણી શકાય જેમાં દીનદયાળ પોર્ટ દ્વારા પાલિકા પાસે પાણી અંદાજે 10 એમ.એલ.ડી પાણીમાગ્યું હતું જેનો પાલિકાએ ઇન્કાર કર્યો હતો .ઉલ્લેખનીય છે કે પાલિકા પર હાલ જે નર્મદાનું પાણી લઈ રહી છે જેમાં અવારનવાર વિક્ષેપ પડે છે અંદાજે 35 થી 40 એમએલડી જેટલો પાણી વધઘટનો ઉપાડ્યા છતાં ઘણા વિસ્તારોમાં પાણી ન મળ્યું હોવાની ફરિયાદો અવારનવાર ઊઠે છે.

પ્રોજેક્ટમાં કામગીરી ચાલુ હોવાનો દાવો
દીનદયાળ પોર્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ દાવો કરતાં જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ચાલુ છે. વચમાં થોડો સમય કોરોના આવ્યો તેને લઈને અસર પડી છે.

માર્કેટિંગમાં પણ ઉણપ
જાણકાર વર્તુળો તેવી પણ ભીતી વ્યક્ત કરી રહ્યા છે કે, જે રીતે માર્કેટિંગ કરવું જોઈએ તે રીતે કરવામાં આવ્યું ન હતું. યોગ્ય પ્રમાણમાં માર્કેટિંગ કરીને ડીપીટી આગળ વધી હોત તો તેનું કોઈ પરિણામ પણ આવી શકત. અલબત્ત બીજો વર્ગ એવી પણ દલીલ કરે છે કે કોઈ બિલ્ડર અંદાજે 1100 કરોડ જેટલું રોકાણ કરવા તૈયાર ન થાય તેને લઈને આ પ્રોજેક્ટમાં જોઈએ તેવી ગતિ આવી નથી તે હકિકત છે. ડીપીટીએ ખાનગી બંદરોની હરિફાઇમાં જે રીતે કામગીરી કરીને સફળતા મેળવી છે તેવી જ રીતે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પણ વધુ ઉંડા ઉતરીને નક્કર આયોજનો કરવાની જરૂર છે.

કંડલા SIPCમાં એક જ કંપની આવી !
પોર્ટના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ પોર્ટ સિટી બનાવવા માટે પણ માટે તૈયારી કરી હતી. તેમાં અંદાજે 50 જેટલા પ્લોટ પણ પાડવામાં આવ્યા હતા તેમ કહેવાય છે જોકે, આમાં પણ માત્ર એક જ કંપની ઈમામીએ રસ દાખવ્યો છે. આગામી દિવસોમાં હવે બજાર વધુ તેજીમાં આવશે તેમ તેના પરિણામ આવે તેવી શક્યતા વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...