5મેના વિશ્વ અસ્થમા દિવસ તરીકે મનાવાય છે, ગાંધીધામમાં હોસ્પિટલ આવતા દર 100માંથી 5 દર્દીને અસ્થમાની અસર હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. દિનેશ સુતરીયાએ જણાવ્યું હતું. તેમણે ધુમાડા, ધુળ ભર્યા વાતાવરણ, વધુ પડતા કેમીકલ યુક્ત ખેતીના ભોજન તેમજ વંશ પરંપરાગત કારણો પણ હોઇ શકે તેમ જણાવીને પ્રદુષણથી દુર રહેવા, શક્ય એટલુ કુદરતી ભોજન અને વાતાવરણમાં રહેવા અને ભારે ધુમાડા કે પ્રદુષણમાં જવાનું થાય તો માસ્ક પહેરવાનું સુચન કર્યું હતું. વધતા જતા પ્રદુષણના કારણે આ પરિસ્થિતિ આગામી સમયમાં વધુ વણસી શકે તેવો ભય જાણકાર વર્તુળો વ્યક્ત કરે છે.
અસ્થમા એ શ્વાસનળીનો રોગ છે. સામાન્ય રીતે લોકો તેને દમના નામથી પણ ઓળખે છે. અસ્થમામાં શ્વાસનળીમાં સોજો આવવાથી શ્વાસનળીનું સંકોચન થાય છે અને તેને કારણે દર્દીને શ્વાસ લેવા સહિતની તકલીફો થતી હોય છે. અસ્થમા રોગની સૌથી મહત્વની બાબત એ છે કે તે સંપૂર્ણ રીતે મટી શક્તો નથી, પરંતુ યોગ્ય સારવારથી તેને અંકુશમાં જરૂર રાખી શકાય છે. અસ્થમા બાળપણથી થઈ શકે છે. બાળપણમાં તેનાં ચિહ્નો દેખાય અને મોટા થઈને આ ચિહ્નો ઓછાં થઈ જાય છે અથવા યથાવત્ પણ રહે છે. આ સિવાય ઘણી વખત મોટી ઉંમરે અસ્થમાનાં લક્ષણો-તકલીફની શરૂઆત થઈ શકે છે.
જાણો લક્ષણો: શ્વાસોશ્વાસમાં સીસોટી વાગતી હોય તો સંભવ છે
અસ્થમાના લક્ષણોમાં શ્વાસ લેવામાં તકલીફ થવી,સૂકી ઉધરસ આવવી,સસણી એટલે દર્દીના શ્વાસોશ્વાસ (સીસોટીના અવાજ સ્વરૂપે) આસપાસ સંભળાય જેને વીઝીંગ કહે છે,ઘણી વાર છાતી પર ભાર લાગવો, અસ્થમાના સિવિયર એટેકમાં-શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદરૂપ એવા સ્નાયુઓનું ફૂલી જવું જેવું થઈ શકે છે.
શ્વસન સબંધિત સમસ્યાઓ માટેઆજે યોજાશે નિ:શુલ્ક કેમ્પ
ગાંધીધામના ઈફ્કો કોલોની સામે, વાયએમસીએ પાસે પ્લોટ હેલ્થ સેન્ટરમાં સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પે. હોસ્પિટલ દ્વારા 5મેના ગુરુવારે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ફેંફસાં સબંધિત સમસ્યાઓના નિષ્ણાંત ડો. તૌસિફ સુરાહવર્દી દ્વારા નિઃશુલ્ક નિદાન અને માર્ગદર્શન યોજાશે. જેમાં એલર્જી, ખાંસી- છીંક, વારંવાર શરદી, સામાન્ય હલન ચલનમાં શ્વાસ ચડવો, કફ રહેવો, છાતી ભારે રહેવી સહિતની સમસ્યાઓ ધરાવતા દર્દીઓ લાભ લઈ શકે છે. તો સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આ વિષયમામ જાગૃતી લાવવા સ્થાનિક ધોરણે કાર્યક્રમો યોજાશે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.