માગ:જીડીએ વિસ્તારના બાંધકામમાં ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવો

ગાંધીધામ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બરે મુખ્યમંત્રી, શહેરી મંત્રાલયને લેખિત માંગ કરી

રાજ્યના અન્ય સત્તા વિકાસ મંડળોની સરખામણીએ ગાંધીધામ સંકુલમાં આવતા સત્તા વિકાસ મંડળ દ્વારા બાંધકામ અન્વયે ઇમ્પેક્ટ ફી ભરી કાયદેસરનો દરજ્જો ઉપલબ્ધ થતો ન હોઈ, બાંધકામ ધારકોને આ વિસંગતતાને પરિણામે કોર્ટ કેસોનો સામનો કરવો પડતો હોય છે તેના નિરાકરણ માટે ગાંધીધામ ચેમ્બરના પ્રમુખે મુખ્યમંત્રી અને શહેરી મંત્રાલયને ઇમ્પેક્ટ ફી કાયદો અમલી બનાવવા માંગ કરી હતી.

ચેમ્બર પ્રમુખ તેજાભાઇ કાનગડે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું હતું કે, “ધ ગુજરાત રેગ્યુલાઇઝેશન ઓફ અન-ઓથોરાઇઝડ એક્ટ-2011’ શહેરી વિકાસ મંત્રાલય હેઠળ આવતા સત્તા મંડળોમાં લાગુ પડે છે પરંતુ જીડીએ હેઠળ આવતા વિસ્તારોને આ કાયદો લાગુ પડતો ન હોઇ, તેને પરિણામે ગેરકાયદેસર બાંધકામોના એકાદ હજારથી ઉપરના કોર્ટ કેસો થયેલા છે.

રાજયના અન્ય સત્તા મંડળો હેઠળના વિસ્તારમાં સદર કાયદા હેઠળ આવતા 2011ના આ કાયદામાં અનધિકૃત ગણાતાં બાંધકામોને નિયમિત કરી, કાયદેસરતા બક્ષી, પ્રભાવી બનાવી અસરદારો પાસેથી નિયત ફી વસુલી, તાત્કાલિક અસરથી સ્થાનિકે જ તેનો અમલ કરવામાં આવે તો લોકોને બાંધકામના બિન જરૂરી કોર્ટ કેસોમાંથી મુક્તિ મળે તેમ જણાવ્યું હતું.

વધુમાં કાયદેસરતા પ્રાપ્ત થાય, સરકારી રેવન્યુ ઊભી થાય, આર્થિક વિકાસને આંશિક મદદ મળી રહે, તેમજ સરકારી કામકાજ અને વહીવટ પરનું ભારણ પણ ઓછું થાયતેમ જણાવી લાંબા સમયથી પડતર આ સમસ્યાના વ્યાજબી નિરાકરણ અર્થે વહેલી તકે નિર્ણય લેવા અનુરોધ કરાયો હતો, તેવું ચેમ્બરના માનદ મંત્રી મહેશ તિર્થાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...