લાડી લોહાણા સિંધી પંચાયતની ઉત્તર ગુજરાત પ્રાંતની કારોબારી તેમજ યુવા મહિલા કાર્યકર્તા સંમેલન આદિપુરના પ્રભુદર્શન ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ, ઉપાધ્યક્ષ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમાજ માટે ભવિષ્યમાં વધુમાં વધુ પ્રગતિકારક કાર્યો કરવાની સાથે સાથે સામાજિક દુષણથી સમાજ મુક્ત બને તે માટે વિશેષ પ્રયાસ કરવા પણ સૂચનો થયા હતા.
રાષ્ટ્રીય અધ્યક્ષ ભાગચંદભાઇ સુખવાણીએ સમાજ માટે કોઇપણ સમયે સહકાર માટે પુરી ટીમ હાજર છે અને રહેશે તેવી ખાતરી આપી હતી. પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણીએ પણ સમાજ ઉપયોગી સૂચનો કર્યા હતા. મહિલા વિભાગની પ્રાંતની રચના કરવામાં આવતાં અમદાવાદના પુજાબેન આહૂજા, પ્રમુખ આદિપુરના દિપીકાબેન આલવાણી, ઉપપ્રમુખ અને ડિસાના ગુણવંતીબેન ભારવાણીની વરણી કરાઇ હતી.
પ્રાંતની મુખ્ય કારોબારી યોજાઇ હતી તેમાં સમાજ માટે ભવિષ્યમાં વધુમાં વધુ પ્રગતિકારક કાર્યો થઇ શકે તે માટે ચર્ચા અને નિર્ણય લેવાયો હતો. સામાજિક દૂષણથી સમાજ મુક્ત બને તે માટે વિશેષ પ્રયાસ કરવા પણ સૂચન અને ચર્ચા કરાઇ હતી. હાલની પરીસ્થિતિ જોતાં સગાઇ વખતે બન્ને પાત્રોના થેલેસેમિયા ટેસ્ટ કરવા સમાજ દ્વારા સૂચના અપાય છે તેમાં બેદરકારી ન રહે તે માટે પણ યોગ્ય પગલાનું સુચન કરાયું હતું.
ઉત્તર ગુજરાત પ્રાંતની યુવા વિભાગની રચના કરાઇ હતી. જેમાં પ્રમુખ વિનોદભાઇ ખુબચંદાણી, ઉપપ્રમુખ પાટણના પારસભાઇ ઠક્કર અને અમદાવાદના અશોકભાઇ દેવાણીને ચૂંટવામાં આવ્યા હતા. હિતેશભાઇ ઠક્કર, હરેશભાઇ આલવાણી, ઉમેશભાઇ નેનવાણી, ડૉ. જી.જે. ખાનચંદાણી, જયંતીભાઇ ઠક્કર વગેરે માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે સ્વામી લીલાશા ટ્રસ્ટના ટ્રસ્ટી દેવીદાસ, જયકિશનભાઇ ભાગચંદાણી કમલેશભાઇ ધુમાણી, જગદીશભાઇ મગનાની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.