ધમકી:ભરણપોષણ માંગતી વૃદ્ધ માતાને દિકરાની મારી નાખવાની ધમકી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકાન પચાવનાર કપાતરે કલેક્ટરનો હુકમ પણ ન પાળ્યો

ગાંધીધામમાં પિતાએ હપ્તે મકાન લીધું એ પચાવી પાડી વિધવા વૃધ્ધ માતાને કલેક્ટર તેમજ કોર્ટના હુકમ બાદ પણ કપાતરે આ તમામ હુકમને ગોળીને પી જઇ માતાને મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ છે.

એમઆઇજી 115 માં રહેતા 75 વર્ષીય સાવિત્રીબેન ઇન્દ્રજિતભાઇ હંસોરાએ નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, તેમના પતિએ વર્ષ-1992 માં ગાંધીધામના લાખુભા ઉદયસિંહ જાડેજા પાસેથી હપ્તેથી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન લીધું હતું આ મકાનના તમામ હપ્તા ચુકવાઇ ગયા હતા. તા.21 ડિસેમ્બર 2012 માં તેમના પતિનું નિધન થયા બાદ તેમના પુત્ર રાજેશ ઇન્દ્રજિતભાઇ હંસોરાએ વર્ષ-2015 માં બળજબરી પૂર્વક આ મકાન પચાવી પાડી ઘરમાંથી નિકળી જવાનું કહ્યું હતું.

તેમણે વર્ષ 2016 માં પુત્ર પાસેથી ભરણ પોષણ મેળવવા માટે માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણ બાબત અધિનિયમ-2007 તળે અંજાર નાયબ કલેક્ટરને અરજી કરી હતી. જે અંતર્ગત નાયબ કલેક્ટરે તા.29/4/2016 ના રોજ માસિક રૂ.4,000 ચૂકવવા હુકમ કર્યો હતો. જેમાં તેમના પુત્ર રાજેશે અત્યાર સુધી માત્ર 11 ચેક આપ્યા છે. તેમજ જ્યારે ભરણ પોષણ લેવાની વાત આવે ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો હોવાનું તેમણે ફરીયાદમાં જણાવ્યું છે.

આ વિધવા માતા સાથે તેમની વિધવા દિકરી બે સંતાનો સાથે રહે છે
નિરાધાર માતાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની પુત્રીના પતિનું પણ નિધન વર્ષ-2014 માં થયા બાદ તેમની દિકરી પણ બે સંતાનો સાથે તેમની સાથે રહે છે. ત્યારે આવા કપાતર જન્મે તેના કરતા પેટે પાણા સારા કહેવત આ કિસ્સો યથાર્થ ઠેરવે છે.

અન્ય સમાચારો પણ છે...