મીટિંગનું આયોજન:ગાંધીનગરમાં વિકાસ પ્રોજેક્ટને ગતિ આપવા માટે કરાશે પ્રયત્ન

ગાંધીધામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન, એમપી વગેરે સરકારના પ્રતિનિધિઓ જોડાશે
  • ડીપીટીના અધિકારીઓ ગતિશક્તિના કામમાં દોડધામમાં લાગ્યા

દેશમાં ગતિશક્તિ સંદર્ભે વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલી જાહેરાત પછી કેન્દ્ર કે રાજ્ય સરકાર વચ્ચે અટવાયેલા કે અન્ય કારણોસર અટકેલા પ્રોજેક્ટોને ગતિ મળે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આગામી તા.26મીના રોજ ગાંધીનગર કક્ષાએ અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા, એમપી સરકારના પ્રતિનિધિઓ ભાગ લેશે તેવા સંકેત મળી રહ્યા છે. દીન દયાળ પોર્ટને સોંપવામાં આવેલા પ્રોજેક્ટ સંદર્ભે સંકલન સાધીને જે તે પ્રોજેક્ટોને વધુ ગતિ મળે અને રાજ્ય કે કેન્દ્ર સરકારમાં ક્યાં કયા પ્રોજેક્ટને અટક્યા છે તે સહિતની માહિતી મેળવીને તેને ધક્કો આપીને ગતિશીલતા આપવા પ્રયત્ન કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દીન દયાળ પોર્ટને ગતિશક્તિ અંતર્ગત મહત્વની ભૂમિકા ભજવવા માટે સૂચના આપવામાં આવી છે. આ અંગે મહત્વની બાબતોનું માર્ગદર્શન દિલ્હી કક્ષાએથીમળ્યા પછી દીન દયાળ પોર્ટના અધિકારી સહિત સંબંધિત ટોચના અધિકારીઓ દ્વારા હોમવર્ક કરીને અભ્યાસ કરીને મહત્વની બેઠકમાં કોઇ ત્રુટી ન રહે તે માટે પ્રયત્ન કરી રહ્યા હોવાની વાત બહાર આવી રહી છે. ગાંધીનગર કક્ષાએ યોજાનાર આ બેઠકમાં કઇ વસ્તુને યોગ્ય મહત્વ આપવું તે સહિતના મુદ્દાઓની પણ ચર્ચા થશે તેમ જણાય છે.વળી, જે તે વિસ્તારોના વિકાસલક્ષી પ્રોજેક્ટોમાં જ્યાં અડચણ આવતી હશે ત્યાં તે અડચણ દૂર કરવાનો પ્રયત્ન કરીને સંબંધિત કક્ષાએ મંજુરી ઝડપી મળેઅનેકામગીરી શરૂ થાય તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત બહારઆવી રહી છે. જોકે, આ બાબતે ટોચના અધિકારીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી પરંતુ દીન દયાળ પોર્ટમાં ચાલતી ગતિવિધિ જોતાં મહત્વની ભૂમિકા ભજવવા માટે ડીપીટી કેટલી સફળ થશે તે તો આગામી દિવસોમાં ખ્યાલ આવશે પરંતુ હાલ તો મોટા ભાગના અધિકારીઓ આ બાબતમાં રસ દાખવીને કોઇ ઠપકો સાંભળવો ન પડે તે દિશામાં પણ અભ્યાસ કરી રહ્યા છે.

સ્થાનિક પ્રોજેક્ટો પણ જોવા પડશે
દીન દયાળ પોર્ટમાં કેટલાક અધિકારીઓ વહીવટમાં વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યા છે જેને લઇને ડીપીટીનું નામ શિપિંગ મંત્રાલય કક્ષાએ સારું ગણાય છે. પરંતુ કેટલાક પ્રોજેક્ટોમાં થઇ રહેલા વિલંબ અને લોકહીત લક્ષી કામોમાં પણ કેટલાક અધિકારીઓની પડદા પાછળની ભૂમિકાને કારણે આવા પ્રોજેક્ટો કે આવા લોકપ્રશ્નો જે ઝડપી રીતે ઉકેલાવા જોઇએ તે ઉકેલાતા નથી તે દિશામાં પણ ચેમ્બર સહિતની અન્ય સંગઠનો દ્વારા અવારનવાર પ્રયત્ન કરી ચુકાયો છે. પ્લોટના મુદ્દે પણ ઘણો બધા વિવાદોનો સામનો ડીપીટી કરી રહી છે. એસઆરસી ડીપીટી વચ્ચેના સંઘર્ષને લઇને પણ લોકો પીસાઇ રહ્યા છે તે હકીકત છે. આ ઉપરાંત અન્ય મહત્વના સ્થાનિક પ્રોજેક્ટો કે જેને લઇને દીન દયાળ પોર્ટનું નામ વધું ચમકે તે દિશામાં પણ વ્યવસ્થિત રીતે પગલા ભરવાની જરૂર છે. થોડાક સમય પહેલા નવા આવેલા શિપિંગ મંત્રી દ્વારા વિકાસલક્ષી ખાતમુહૂર્ત કરવામાં આવ્યા તેમાં પણ કોઇ ઓટ ન આવે તે દિશામાં પણ મોનીટરીંગ કરવાની જરૂર છે. કેટલીક લોબી દ્વારા પ્રભુત્વ જમાવવા માટે કરવામાં આવતા પગલાને લઇને પણ યુનિયનોથી લઇને અન્ય કેટલાક કર્મચારીઓમાં કચવાટ સમયાંતરે ઉઠતો હોય છે.

ઓક્સિજન પ્લાન્ટ અપાયા છે
દીન દયાળ પોર્ટ દ્વારા કોરોનાના સમયમાં મહત્વની ભૂમિકા ભજવીને સમાજલક્ષી અભિગમ દાખવી લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન ચેરમેન સંજય મહેતા અને તેની ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો. જે તે સમયે તત્કાલીન શિપિંગ મંત્રી મનસુખભાઇ માંડવીયાની સૂચનાના પગલે ઓક્સિજન પ્લાન્ટ ગોપાલપુરી અને રામબાગ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ભાવનગરની સીવીલ હોસ્પિટલમાં ડીપીટી દ્વારા આ બાબતે યોગદાન આપવામાં આવ્યું હતું. હજુ પણ સ્થાનિક કક્ષાએ ઘણી બધી બાબતો પર ફોકસ કરવાની જરૂર છે. જેને લઇને પણ ગતિશીલતા વહીવટી રીતે આવે તે માટે ટોચના અધિકારીઓ ક્યારે સરવળે તે કહી શકાય તેમ નથી. આ બાબતે પણ ગતિશીલતા લાવવા પ્રયત્ન કરવા જોઇએ તેવી પોર્ટ સાથે સંકળાયેલા લોકો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...