તપાસ:બેઝઓઈલની તપાસ માટે DRIની ટીમના ગાંધીધામમાં ધામા

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય અગ્રણી સહિત શિપિંગ કંપની સાથે જોડાયેલા લોકોને અમદાવાદના અધિકારીઓએ તલબ કર્યા
  • ઝોનમાંથી​​​​​​​ પકડાયેલા જથ્થામાં ખુલતી નવી કડીઓઃ ગાંધીધામમાં બેથી વધુ સ્થળોએ સર્ચ ઓપરેશન કરાયું

બેઝ ઓઈલ લાંબા સમયથી ખાસ કરીને કચ્છ માટે એક ઓપન સિક્રેટ બની રહ્યું છે ત્યારે હવે આ બદીના મૂળ પર પ્રહાર કરવાની તૈયારીઓને આખરી અંજામ અપાઈ રહ્યો હોય તેમ છેલ્લા બે દિવસથી અમદાવાદથી ડીઆરઆઈની ઉચ્ચસ્તરીય એજન્સીએ વિવિધ કેસોના તારોને એકત્ર કરીને ગાંધીધામમાં ધામા નાખ્યા છે અને એક બાદ એક વ્યક્તિઓને તલબ કરીને નિવેદન સહિતની પ્રક્રિયા માટે બોલાવાઈ રહ્યા છે. ગુરુવારે આ તપાસમાં વધુ ગરમી જોવા મળી જ્યારે એક વિવાદાસ્પદ રાજકીય અગ્રણી પણ આ તપાસના સંદર્ભમાં આંટાફેરા કરતા નજરે ચડ્યા હતા.

ગાંધીધામમાં બેઝઓઈલ ઈમ્પોર્ટ મામલે કેટલાક નામો લાંબા સમયથી ઉછળી રહ્યા છે પરંતુ ત્યાં સુધી પહોંચવાની ઈચ્છા શક્તિ કે કોઇક કારણોસર ઈચ્છાનો અભાવ કસ્ટમ, જીએસટી, પોલીસ, વહીવટી તંત્ર, આરટીઓ સહિતના વિભાગોમાં જોવા મળતો હતો. દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા ઈંધણની આયાત નિકાસ અને તેના પર સરકારના કરમાળખાને ક્ષતિ પહોંચાડીને સરકારી તિજોરીમાં અબજોનું ગાબડુ પાડવામાં આવી રહ્યુ હતું ત્યારે આખરે ડીરેક્ટ્રોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સે (ડીઆરઆઈ) એ આ પ્રકરણ મુદ્દે બહુઆયામી તપાસને આગાઝ આપ્યો હોવાનું જાણવા મળે છે.

છેલ્લા એકાદ વર્ષેથી અમદાવાદ, મુંબઈ, કંડલા અને ઝોનમાં ઝડપાયેલા ડીઝલ અને બેઝ ઓઈલના જથ્થાઓની તપાસનો તમામ સંગમ કોઇને કોઇ રીતે ગાંધીધામ થતો હોવાનું તપાસમાં ખુલતા છેલ્લા બે દિવસથી અમદાવાદના ઉચ્ચ અધિકારીઓની ટીમે ગાંધીધામમાં ધામા નાખીને તપાસ કાર્ય આરંભ્યું હતું. સુત્રોનું માનીએ તો બેથી વધુ સ્થળોએ સર્ચ અભિયાન પણ કરાયું હતું. તો નિવેદન લેવા અને પૂછપરછ માટે રાજકીય સબંધો ધરાવતા વ્યક્તિઓ સહિત શીપીંગ, ટ્રાન્સપોર્ટ સંબંધિત વ્યક્તિઓને તલબ કરવામાં આવ્યા હતા. અન્ય વિભાગોની નિષ્ક્રીયતા વચ્ચે હજી પણ ધમધમતા બેઝઓઈલ, ડીઝલના કારોબારના મૂળ પર આ પ્રહાર બની રહેશે તેવું જાણકાર વર્તુળોનું માનવું છે.

અન્ય સમાચારો પણ છે...