ટલ્લે ચડેલ પ્રોજેક્ટ:રાજવી ફાટક ઓવરબ્રિજના ડ્રોઇંગ મંજુર, જીયુડીસીની વહીવટી પ્રક્રિયા હજુ બાકી

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષોથી ટલ્લે ચડેલા પ્રોજેક્ટમાં કોઇને કોઇ કારણોસર ગતિ આવી નથી
  • રેલવેએ તેના પોર્શનનું કામ પૂર્ણ કર્યું : 60 કરોડના અંદાજમાં નવેસરથી મંજુરી આપ્યા બાદ પ્રોસીજર આગળ વધશે

રાજવી ફાટક પર ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવાના હેતુથી ઓવરબ્રિજ બનાવવા મંજુરી આપવામાં આવી હતી. અગાઉ પાલિકા અને રેલવેને સંયુક્ત રીતે કામગીરી સોંપીને 60 કરોડના પ્રોજેક્ટમાં રેલવે દ્વારા તેના પોશનમાં કામ કરી નાખ્યું છે અને એજન્સી પણ નક્કી થઇ ગઇ છે પરંતુ હજુ રાજ્ય સરકાર હસ્તક જીયુડીસીને આપવામાં આવેલા કામમાં વહીવટી મંજુરી બાદ આ પ્રોજેક્ટમાં આગળ વધાશે તેમ જણાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રોજની સરેરાશ 30થી વધુ ટ્રેનની અવરજવરને લઇને ટ્રાફિક બંધ રહેતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. આ બાબતે લાંબા સમય સુધી પ્રોજેક્ટ અફળાયા કર્યો હતો અને ત્યાર બાદ ઓવરબ્રિજ બનાવવા નક્કી કરાયું હતું. અગાઉ નગરપાલિકાને પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો જેમાં રેલવે પણ તેના વિભાગમાં જોડાયું હતું. રેલવેએ તેની કામગીરીને ગતિમાન કરી દીધી હતી અને તેના વિસ્તારમાં કાર્યવાહીને વધુ વેગવાન બનાવવા માટે પગલા પણ ભર્યા હતા. જ્યારે બીજી તરફ નગરપાલિકા પાસે આવા મહત્વના પ્રોજેક્ટનો અનુભવ ન હોવાને લઇને વિવાદ થયો હતો અને આવેલી ગ્રાન્ટ પણ બે કરોડની પરત આપી દેવામાં આવી હતી.

ત્યાર બાદ રાજવી ફાટકના ડ્રોઇંગ તૈયાર કરીને મંજુરી માટે ડિઝાઇન સર્કલ ઓફિસે મોકલવામાં આવી હતી, જે મંજુર થઇ ગયાનો દાવો માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર બલદાણીયાએ કર્યો હતો. દરમિયાન આ પ્રોજેક્ટમાં જીયુડીસી અંદાજે 60 કરોડ જેટલી રકમને વહીવટી મંજુરી આપશે ત્યાર બાદ આગળ વધશે તેમ જણાય છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગને આ સ્થળ પર બે એપ્રોચ આપવાના છે.

તાલુકા સંકલન સમિતિમાં પણ પ્રશ્ન ઉઠતો રહ્યો
ગાંધીધામ તાલુકા સંકલન સમિતિની બેઠકમાં અવારનવાર રાજવી ઓવરબ્રિજનો પ્રશ્ન ઉઠતો રહ્યો છે. અગાઉ જે તે સમયે આ બાબતે વિવાદ પણ થતા રહ્યા હતા અને જેને લઇને પ્રોજેક્ટમાં જે ગતિ આવવી જોઇએ તે આવતી ન હતી. આખરે ઓવરબ્રિજ બનાવવા મંજુરી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...