ક્રાઇમ:DPT ફાયર બ્રીગેડનો કર્મી 17 હજારની પ્રતિબંધિત સિગારેટ સાથે પકડાયો

ગાંધીધામ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા મરિન પોલીસે કાર અને મોબાઇલ સહિત 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

કંડલા પોર્ટની જેટી નંબર-1 પરથી વેસલમાં આવેલો અલગ અલગ બ્રાન્ડની પ્રતિબંધિત વિદેશી સિગારેટના જથ્થો લઇ ડીપીટીનો ફાયર બ્રીગેડનો કર્મી કારમાં ગાંધીધામ તરફ જતો હોવાની બાતમીના આધારે વોચમાં ઉભેલી કંડલા મરીન પોલીસ મથકની ટીમે કર્મચારીને રૂ.17,000 ની કિંમતની વિદેશી સિગારેટના જથ્થા સાથે પકડી લીધો હતો.

પીઆઇ કે.પી.સાગઠીયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને બાતમી મળી હતી કે, કંડલા પોર્ટની ઓઇલ જેટી નંબર – 1 પરથી વિદેશી સિગારેટનો જથ્થો લઇને સફેદ કલરની અલ્ટો કાર ગાંધીધામ તરફ જવા માટે નીકળી છે.

આ બાતમીના પગલે વોચ રાખી બાતમી મુજબની કાર આવતાં તેને રોકી તલાશી લેતાં કારમાંથી રૂ.17,000 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની પ્રતિબંધીત વિદેશી સિગારેટના 170 પેકેટો મળી આવતાં મુળ મહેસાણાના વિજાપુરના હાલે ગોપાલપુરીમા઼ રહેતા અને દીન દયાળ પોર્ટના ફાયર બ્રીગેડ વિભાગમાં ફરજ બજાવતા હેમંતકુમાર વિષ્ણુભાઇ પટેલની અટક કરી તેના કબજામાંથી રૂ.1,00,000 ની કિંમતની કાર અને રૂ.5,000 ની કિંમતના મોબાઇલ સહિત કુલ રૂ.1,22,000 નો મુદ્દામાલ જપ્ત કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પીઆઇ સાથે હેડકોન્સ્ટેબલ સુરેશ તરાલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ઝાલા, કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, જયપાલસિંહ પરમાર અને ઉદયસિંહ સોલંકી જોડાયા હતા.

પોર્ટ પર વિદેશી વેસલમાંથી આવું કેટલુંય બહાર આવતું હશે ?
કંડલા જેવા મહાબંદર ઉપર વિદેશથી લાંગરતા જહાજોમાં અનેક એવી પ્રતિબંધિત અને કિંમતી ચીજ વસ્તુઓ આવતી હશે અને આ જ રીતે તે પોર્ટમાંથી બહાર પણ કઢાતી હશે પણ ક્યારેક આ રીતે પોલીસ પકડે ત્યારે આવી કાર્યવાહીઓ બહાર આવતી હોય છે. ખરેખર પોર્ટ ઉપર જો જડબેસલાક દેખરેખ રાખવામાં આવે તો આ ધંધા બંધ થાય બાકી મીલીભગત વગર કંઇ શક્ય હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...