તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી સ્પોર્ટ્સ:કેડેટ, સબ જુનિયર કેટેગરીમાં અમદાવાદનો દબદબો

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનો બીજો દિવસ

એસબીઆઈ ગુજરાત સ્ટેટ અને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપના બીજા દિવસે હિમાંશ દહિયા આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો કેમ કે અમદાવાદના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને શુક્રવારે સબ જુનિયર અને કેડેટ બોયઝ ટાઇટલ ઉપરાંત કેડેટ ગર્લ્સ ટાઇટલ પણ જીતી લીધાં હતાં. આ ટુર્નામેન્ટ સ્વ. એમ. પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, આદીપુર, ગાંધીધામ ખાતે યોજાઈ છે.

શુક્રવારે અંડર-15 બોયઝ કેટેગરીમાં કેટલાક રોમાંચક મુકાબલા જોવા મળ્યા હતા જેમાં અમદાવાદના બિનક્રમાંકિત ખેલાડી હિમાંશ દહિયાએ મેજર અપસેટ સર્જીને આઠમા ક્રમના હર્ષવર્દન પટેલ (અરાવલ્લી)ને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. યોગાનુયોગે ગુરુવારે પણ હિમાંશ દહિયાએ ક્વાર્ટર ફાઇનલમાં અપસેટ સર્જીને મોખરાના ક્રમના જન્મેજય પટેલને પરાજયનો સ્વાદ ચખાડ્યો હતો. અમદાવાદના જ બિનક્રમાંકિત આર્ય કટારિયાએ ત્રીજું સ્થાન હાંસલ કરવા માટે બરોડાના પાંચમા ક્રમના સમર્થ શેખાવત સામે વિજય હાંસલ કર્યો હતો.

અગાઉ સેમિફાઇનલમાં હર્ષવર્દને સમર્થ શેખાવતને અને બીજી સેમિફાઇનલમાં હિમાંશે આર્ય કટારિયાને હરાવ્યો હતો. જોકે આર્ય કટારિયા ખાલી હાથે પાછો ફર્યો ન હતો તેણે અંડર-13માં ટાઇટલ જીતવા માટે સુરતના સાતમા ક્રમના વિવાન દવેને ફાઇનલમાં હરાવ્યો હતો. દરમિયાન બીજા ક્રમના સમર્થે આ કેટેગરીમાં ત્રીજો ક્રમાંક હાંસલ કરતાં અમદાવાદના માલવ પંચાલ સામે વિજય હાંસલ કર્યો હતો. સેમિફાઇનલમાં કેટલાક અપસેટ સર્જાયા હતા. પાંચમા ક્રમના આર્ય કટારિયાએ માલવને તથા વિવાને સમર્થને હરાવ્યો હતો.

મેચના અન્ય પાસાઓમાં અંડર-13માં પ્રાથા પવારે અમદાવાદ માટે ટાઇટલની હેટ્રિક સર્જી હતી. મોખરાના ક્રમની પ્રાથાએ તેની જ ટીમની અને બીજો ક્રમાંક ધરાવતી હિયા સિંઘને હરાવીને અંડર-13 કેડેટ ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું. અમદાવાદની જ અને ચોથો ક્રમાંક ધરાવતી જિયા ત્રિવેદીએ તેની જ સાથી અને ત્રીજો ક્રમાંક ધરાવતી મૌબિની ચેટરજીને, અગાઉ સેમિફાઇનલમાં હિયાએ મૌબિનીને તથા પ્રાથા પવારે જિયા ત્રિવેદીને હરાવી હતી.

સુરતની અર્ની પરમારે દિવસ દરમિયાન પ્રાથાને તેનું બીજું ટાઇટલ જીતતા તો અટકાવી હતી પરંતુ સાથે સાથે અમદાવાદના સંપૂર્ણ વર્ચસ્વને પણ અટકાવ્યું હતું. સુરતની બીજા ક્રમની અર્નીએ સબ જુનિયર ગર્લ્સ ટાઇટલ જીતવા માટે તેની બિનક્રમાંકિત હરીફ સામે સંઘર્ષ કરીને મેચ જીતી હતી. ભાવનગરની રિયા જયસ્વાલે નવસારીની સિદ્ધિ બલસારા સામે વિજય મેળવી ત્રીજુ સ્થાન મેળવ્યું હતું. અગાઉ સેમિફાઇનલમાં સિદ્ધિ સામે અર્ની પરમારે અને રિયા જયસ્વાલ સામે પ્રાથા પવારે વિજય હાંસલ કર્યાં હતાં.

વિજેતા ખેલાડીઓને સીપીએલ ગ્રૂપના ચેરમેન અને કેડીટીટીએના સ્થાપક સભ્ય ડી.કે.અગ્રવાલ, જીએસટીટીએના માનદ મંત્રી કુશલ સંગતાણી, અરાવલ્લી ટીટી એસોસિએશનનાં પ્રમુખ રૂજુલ પટેલ, કેડીટીટીએના માનદ મંત્રી મનીષ હિંગોરાણી વગેરે મહાનુભાવો દ્વારા મેડલ, સર્ટિફિકેટ અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...