ભુજ:તબીબો જ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામબાગ હોસ્પિટલમાં ચાર દિવસમાં બે પાર્ટી યોજાઇ

કોરોનાના કહેર સામે લડવા માટે મહત્વના હથિયાર તરીકે સામાજિક અંતર પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગાંધીધામ- આદિપુરમાં તબીબી આલમ દ્વારા આ બાબતે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને દર્દીઓને પણ તેની સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન રામબાગ હોસ્પિટલમાં ચાર દિવસમાં જન્મ દિવસ સહિતની બે પાર્ટી યોજાઇ તેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયાની ફરીયાદ ઉઠી રહી છે. 

ડોક્ટરોનો ઉત્સાહ વધારવા માટે પાર્ટીરૂપી બેઠક !
શહેરમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા તંત્રની સાથે રહીને વિવિધ પગલા ભરવામાં આવી રહ્યા છે. પાલિકા, પોલીસ, વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ વગેરેના સંયુક્ત પ્રયાસને કારણે કોરોનાના પ્રભાવથી ગાંધીધામ- આદિપુર મૂક્ત રહ્યું હોવાનું જણાતું હતું. દરમિયાન આજે રામબાગમાં હરીઓમ હોસ્પિટલમાં સાત દિવસ ડ્યુટી કરેલ સ્ટાફના સન્માનમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાની ફરીયાદ ઉઠી રહી છે. બે દિવસ પહેલા પણ કોઇના જન્મ દિવસ માટે તબીબ અને સ્ટાફ એકત્ર થયો હતો. આ બન્ને પાર્ટીમાં સામાજિક અંતર જાળવવાનું ચુકાઇ ગયું હતું. કેટલાક તબીબોએ માસ્ક પણ પહેર્યા ન હતા. રામબાગ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. શ્રીવાસ્તવે વાતચીતમાં આવી કોઇ બાબત બની નથી તેવો દાવો કરીને સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું. તબીબોનો ઉત્સાહ વધારવા માટે આયોજન કર્યાની દલીલ કરી હતી. 

સરકારે પણ મનાઇ ફરમાવી છે
કોરોનાની પરીસ્થિતિને કારણે સરકાર દ્વારા ગાઇડલાઇન આપીને પાર્ટી કે સમારંભ સહિતના આયોજનો ન કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાનું પાલન થાય છે કે કેમ તે જોવાની ફરજ વહીવટી તંત્રની છે પરંતુ તંત્રના ધ્યાનમાં આ બાબતો ક્યારે અને કેવી રીતે આવે તે પ્રશ્ન છે. સાચું હોય તો શમરજનક ગણી શકાય તેવી રામબાગ હોસ્પિટલની આ ઘટનામાં તંત્ર દ્વારા તપાસ કરીને જો સામાજિક અંતર જળવાયું ન હોય અને નિયમનો ભંગ થયો હોય તો તપાસ કરીને પગલા ભરવા જોઇએ તેવી માગણી પણ ઉઠી રહી છે. 

અન્ય સ્ટાફનો સમાવેશ કેમ નહીં?
લોકડાઉન પહેલા શરૂ થયેલી કોરોનાની મહામારી સંદર્ભે આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી તકેદારીના પગલા ભરવામાં આવ્યા હતા. જે તે વિસ્તારમાંથી ફરીયાદ આવતાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આવા સંજોગોમાં બે મહિનાથી કાર્યરત રહેલા આરોગ્ય વિભાગને પણ સામાજિક અંતરના ભાગરૂપે રામબાગમાં બોલાવવામાં આવ્યો ન હોવાનો ચણભણાટ પણ ઉઠી રહ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...