ઘર આંગણે સુવિધા:3 વોર્ડના સેવા સેતુમાં 415 અરજીનો નિકાલ

ગાંધીધામ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવકના દાખલા, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ માટે પણ લોકોનો ઘસારો રહ્યો : ભાજપના કેટલાક નગરસેવકો ગેરહાજર

ગાંધીધામ નગરપાલિકા દ્વારા વોર્ડ નં.1, 2 અને 10 માટે સેવા સેતુનો કાર્યક્રમ લોહાણા મહાજન વાડી આદિપુર ખાતે રાખવામાં આવ્યો હતો. ત્રણ વોર્ડમાંથી આ કાર્યક્રમમાં 417 જેટલી અરજીઓ આવી હતી જે પૈકી 415નો નિકાલ કરાયાનો દાવો કરવામાં આવ્યો હતો. સૌથી વધુ અરજી આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગની હતી. જોકે, વોર્ડના કેટલાક નગરસેવકો આ કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં તેની નોંધ લેવામાં આવી હતી.

નગરપાલિકા દ્વારા સરકારની સૂચનાના પગલે અગાઉ જુદા જુદા બે સ્થળો પર સેવા સેતુના કાર્યક્રમો યોજવામાં આવી ચૂક્યા છે. જે તે વોર્ડ માંથી આવેલા પ્રશ્નોનો નિકાલ જે તે રાજ્ય સરકારના વિભાગો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આજે યોજાયેલા કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ ઇશિતા ટિલવાણી, કારોબારી સમિતિ ચેરમેન પુનીત દુધરેજીયા, સમીપ જોશી, મામલતદાર મેહુલભાઇ, દર્શનસિંહ ચાવડા, એ.કે.સિંઘ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શરૂઆતથી જ લોકોનો પ્રવાહ વધુ જોવા મળ્યો હતો. જે તે ટેબલ પર જઇને પોતાની લગતી સુવિધાઓ માટે અરજદારો દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. સેવા સેતુના આ કાર્યક્રમમાં ભાજપના જ નગરસેવકોની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. આ કાર્યક્રમમાં પાલિકાના ઓએસ અનિલ જોશી, પ્રવિણસિંહ ઝાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જન્મ-મરણની 5 અરજી જ આવી
યોજાયેલા કાર્યક્રમમાં લગ્ન નોંધણીના પ્રમાણપત્ર માટે બે અરજી આવી હતી. જ્યારે આવકના દાખલાની 40 અને આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ માટે 40 જેટલી અરજીઓ આ‌ી હતી. જે તે વિભાગોની આવેલી અરજીઓ પર સ્થળ પર જ નિકાલ કરી દેવાની અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવામં આવી હતી. જોકે, બે અરજીઓ નકારાત્મક શૈણીમાં હોવાથી તેનો નિકાલ કરવામાં આવ્યો ન હતો.

હવેના કાર્યક્રમોમાં નેતાઓ હાજર રહે
રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે અને દિવાળી પહેલા જ તાત્કાલિક જે તે વોર્ડમાં સેવા સેતુના કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવે તે માટે કહેવામાં આવ્યા પછી અગાઉ ટાઉનહોલમાં તાત્કાલિક વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી હતી. આવી જ રીતે અન્ય સ્થળે પણ સુવિધાઓ સેવા સેતુને લઇને કરાઇ હતી. જોકે, લોકપ્રતિનિધિઓના ઉમળકાનો અભાવ હોવાનું સ્પષ્ટ તરી આવ્યું છે. ત્યારે હવે જાગ્યા ત્યારથી સવાર સમજીને આગામી યોજાનારા અન્ય કાર્યક્રમોમાં જે તે વોર્ડના નગરસેવકો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...