ચકાસણી:પાલિકામાં નિયામક કચેરી ટીમના ધામા, શહેરનાં વિવિધ વિસ્તારોમાં ટીમ દ્વારા નિરીક્ષણ કરાયું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા નિયામકના કર્મીઓએ પાંચ કરોડથી વધુ રકમના રસ્તાના કામોના આયોજનની વિગતો મેળવી

ગાંધીધામ નગરપાલિકામાં નગરપાલિકાના પ્રાદેશિક નિયામકની કચેરીના પગલે દોડધામ મચી ગઇ હતી. અધિકારી અને ઇજનેર સહિતની ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુલાકાત લઈને રસ્તાના કામોનું નિરીક્ષણ કરવાથી લઈને આયોજન અંગે માહિતી મેળવી હોવાની વિગત બહાર આવી રહી છે. બીજી બાજુ એવો પણ સંકેત મળ્યો છે કે વિવાદના વમળમાં અટવાઈ ગયેલા નગરપાલિકાના જુદા જુદા ગામોમાં થતી ગેરરીતિ અંગે પણ થયેલી ફરિયાદો પછી સ્થળ નિરીક્ષણ કરવા માટે પગલાં ભરવામાં આવ્યા હોય એવો દાવો પણ થઈ રહ્યો છે.

નગરપાલિકામાં કરોડો રૂપિયાના કામો અટવાઇ ગયા છે. ભાજપની અંદરોઅંદરની ખટપટને કારણે લોકો સુધી સુવિધાઓ પહોચી શકી નથી. દરમિયાન સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આજે અચાનક જ નગરપાલિકા નિયામકની કચેરી માંથી ટીમનું આગમન થતા ખુદ ભાજપના જ અનેક તર્કવિતર્કો ઊભા થયા હતા. ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં તપાસણી કરવામાં આવી હોવાની વિગતો પણ બહાર આવી રહી છે. આ ઉપરાંત અન્ય કેટલીક ચોંકાવનારી બાબતો પર પણ માહિતી મેળવી હોવાની વિગત મળી છે પરંતુ સત્તાવાર સમર્થન મળતું નથી.

આ ટીમ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં બિસ્માર રસ્તા અને થયેલ રસ્તા અંગે પણ થયેલ આયોજનનો ક્યાસ કાઢીને તે અંગે શું થઈ શકે તે અંગે ચર્ચા-વિચારણા કરીને રિપોર્ટ કરવા માટે કામગીરી કરાશે તેમ જણાય છે. જુદી જુદી અટકળ થઇ રહી છે. એક વર્તૂળ એવો પણ દાવો કરી રહ્યા છે કે તાજેતરમાં નગરપાલિકા દ્વારા ચલાવવામાં આવેલી લાલિયાવાડીને કારણે 75 લાખથી વધુ રકમના પાણીના કામોએક જ એજન્સીને લહાણી કરીને આપી દેવામાં આવ્યા છે જેને લઇને વિવાદ ઊભા થયા છે. ટેન્ડર બહાર પાડ્યા કે ન પડ્યા જે અંગે પણ ભેદ ભરમ જળવાયા છે. આ કિસ્સામાં પાલિકામાં રહી ચૂકેલા ટોચના અધિકારીઓના પણ કંઈક તાર જોડાયેલા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આગામી દિવસોમા આ બાબતે કોઈ નવાજૂની થાય તો નવાઈ નહીં.

રૂટીન બાબતો માટે ટીમ આવ્યાનો દાવો
પાલિકાના વર્તૂળોના દાવા મુજબ નગરપાલિકા દ્વારા મોકલવામાં આવેલી રસ્તાની જૂદી જુદી દરખાસ્તો સહિતના મુદ્દે તાંત્રિક અને વહીવટી મંજુરી આપવાની હોવાથી સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટીમમાં બે અધિકારી, એક ઇજનેર જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...