ગાંધીધામ- આદિપુરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે. વધી રહેલા સંક્રમણમાં અગાઉ સલામત હતા તેવા વિસ્તારોમાં પણ કોરોનાનો ચેપી રોગ પ્રસરી રહ્યો હોવાનું જણાઇ રહ્યું છે. ચિંતા ઉપજાવા તેવા કિસ્સામાં સામાજિક અંતર ન જાળવવા સહિતના મુદ્દે ફરિયાદ ઉઠી રહી છે.
સરકારી ગાઇડલાઇનનું પાલન થાય તે માટે પગલા ભરવા જોઇએ તેમાં હજુ કચાસ જોવા મળી રહી છે. ભીડભાડ વાળા વિસ્તારથી લઇને અનેક સ્થળો પર માસ્ક પહેર્યા વગર લોકો ફરી રહ્યા છે. જોખમ ઉભું કરી રહ્યાનું પણ જણાઇ રહ્યું છે. આજના દિવસે શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને 100 કેસ નોંધાતા કોરોનાએ સદી ફટકારી છે.
કોરોના ની ત્રીજી લેર ચાલુ થતા આદિપુર પોલીસ દ્વારા મુખ્ય બજારમાં લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી કોરોના ના કેસ દિનપ્રતિદિન વધતા જતા હોવાથી લોકોને અને વેપારીઓને માસ્ક પહેરી અને સમજાવ્યા હતા. પ્રોબેશન પિરિયડમાં નવા આવેલા એએસપી આલોક કુમાર અને આદિપુર પો.સ.ઈ એચ.એસ.તિવારી તથા આદિપુર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા સ્થળ પર જ માસ્ક નું વિતરણ કરી ફરજ બજાવી હતી અગાઉ પણ લોકોને માસ્ક પહેરાવી આદિપુર પોલીસે અભિયાન આદર્યું હતું.
સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચના પછી પણ ગાંધીધામ- આદિપુરની કેટલીક શાળાઓને ભુલકાઓને બોલાવવામાં આવી રહ્યાની ફરિયાદ ઉઠી રહી છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગણી પણ વાલીઓમાંથી ઉઠી રહી છે.
રેલવે યુનિયનની બેઠકમાં સામાજિક અંતર ન જળવાયું હોવાનો ચણભણાટ
વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન, ગાંધીધામ શાખાના યુનિયન પદાધિકારીઓ એ તા. 23 જાન્યુઆરીના યુનિયન ઓફિસ ગાંધીધામ માં એક મિટિંગ નું આયોજન કર્યું હતું. મળતી માહિતી મુજબ 15 બાય 30 ના હોલ માં રેલકર્મચારિયો ને ખિચોખિચ ભરી સામાજિક અંતરના નિયમનું ઉલ્લંઘન કરી ને એક મિટિંગનું આયોજન કર્યુ હોવાનો ચણભણાટ ઉઠયો છે.
આ બાબતે જવાબદારો સામે પગલાં ભરવાનો સુર પણ કર્મચારીઓ માંથી ઉઠી રહ્યો છે.આ બાબતે પ્રશાસન શું પગલાં ભરે છે તેની ઉપર કર્મચારીઓની મીટ મંડાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.