ગરબા મહોત્સવ:શહેરમાં આજથી શેરી ગરબાની જમાવટ

ગાંધીધામ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના ડંખને લઇને તહેવારો પર પણ તેની અસર જોવા મળી હતી. અત્યાર સુધી છેલ્લા એકાદ વર્ષમાં મહત્વના કહી શકાય તેવા તહેવારોની ઉજવણીમાં ફિકાશ બાદ હવે ધીમે ધીમે તહેવારો રંગેચંગે ઉજવાય તે દિશામાં લોકોમાં ઉમંગ જોવા મળી રહ્યો છે. આવતી કાલથી શરૂ થઇ રહેલા નવરાત્રિમાં અગાઉના વર્ષોની જેમ શેરી ગરબાનો દબદબો વધુ જોવા મળે તેવી શક્યતા છે. 35થી વધુ સ્થળો પર લાઉડ સ્પીકરની મંજુરી લેવામાં આવી છે અને શેરી ગરબા થશે. દરમિયાન આજે રાત્રે પણ માતાજીની આરાધના કરવાના ગરબા અને દુર્ગામાતાની મૂર્તિની શુભ મુહૂર્તમાં ખરીદી કરવામાં આવ્યા હતા. નવરાત્રિ પર્વ ઉજવવા ખેલૈયાઓમાં પણ ઉમંગ જોવા મળી રહ્યો છે.

કોરોનાના પગલે હજુ પણ નિયંત્રણ રાખવા નક્કી કરવામાં આવ્યું છે. સરકારે પ્રોફેશનલ ગરબાઓ પર મંજુરી આપી નથી. જેેન લઇને જાણકાર વર્તૂળના જણાવ્યા મુજબ ગાંધીધામ- આદિપુરમાં ચારથી વધુ સ્થળો પર જુદી જુદી સંસ્થાઓ દ્વારા વર્ષોથી આયોજન કરવામાં આવે છે તે આ વર્ષે પણ થઇ શકશે નહીં. શેરી ગરબા પર ભાર મુકવામાં આવશે તેમ જણાય છે. હાલ સરકારે શેરી ગરબાને મંજુરી આપવા નક્કી કર્યું છે. જેને લઇને જે તે વિસ્તારની સોસાયટી, મંડળ દ્વારા મામલતદાર કચેરીમાંથી લાઉડ સ્પીકરની મંજુરીથી લઇને પોલીસ ખાતાની અન્ય પરવાનગી માટેની કવાયત હાથ ધરી હતી. 400થી વધુ લોકો ભાગ લઇ નહીં શકે.

ચણીયાચોળીનો ઉપાડ વધ્યો
સામાન્ય વર્ગને પોષાય તે માટે છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવે તો ચણીયાચોળી ભાડે આપવા માટે પણ અહીં ટ્રેન્ડ શરૂ થયો છે. ભાડે આપતા ચણીયાચોળી સાથે સંકળાયેલા સૂત્રોના દાવા મુજબ આ વખતે પૂછપરછ પણ વધુ થઇ રહી છે અને ભાડેથી ચણીયાચોળી લેવા માટે ઓર્ડર નોંધાઇ રહ્યા છે. જેને લઇને ગત વર્ષે વેપાર ધંધામાં જે ખોટ ગઇ હતી તેનું આ વખતે પુનરાવર્તન નહીં થાય પરંતુ હાલનું વાતાવરણ જોતાં અને લોકોમાં ઉમંગને ધ્યાને લઇને વધુ પ્રમાણમાં ચણીયાચોળીનો ઉપાડ થાય તેવો અંદાજ છે. બીજી તરફ વેચાણ કરતા દુકાનધારકોના મોઢા પર પણ લાલી આવી ગઇ છે. ચણીયાચોળી જેવી ડિઝાઇન અને કાપડ તેવા ભાવ મુજબ મળી રહી છે.

લાયન્સ ક્લબને કેવી રીતે મંજુરી અપાઇ?
સરકાર દ્વારા પાર્ટી પ્લોટ, ખુલ્લા મેદાન કે બંધ હોલમાં ગરબા કરવા દેવા માટે મંજુરી આપવામાં આવનાર નથી તેવી જાહેરાત કરાઇ હતી. જ્યારે બીજી બાજુ લાયન્સ ક્લબ દ્વારા તેમના સભ્યોના માટે લાયન્સના હોલમાં જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગત બહાર આવી હતી. આ બાબતે ગરબાના પાસ, જાહેરાત કરાઇ હોવાનું પણ બહાર આવ્યું હતું. જ્યારે આ બાબતે નાગરીક રવિન્દ્ર સબરવાલ દ્વારા બી ડિવિઝન પોલીસને પત્ર પાઠવી જણાવ્યું છે કે, સરકારે જાહેરનામા બહાર પાડ્યા છે તેમાં શેરી ગરબાના આયોજનની જ છુટ આપી છે. પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યા પર કોમર્શીયલ ગરબા પ્રતિબંધ છે. જેથી લાયન્સ ક્લબ પોતાના પરીસરમાં નવરાત્રિનો કાર્યક્રમ આયોજીત કરી શકે નહીં. આ ક્લબ દ્વારા વિવિધ વ્યવસાય પાસેથી ગરબાના પાસ, જાહેરાત માટે નાણાં એકત્રીત કર્યાનું જણાવી કોર્મશીયલ હોવાનો દાવો કરી પરવાનગી આપી શકાય નહીં. આપેલી પરવાનગી રદ્દ કરવા પણ માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...