રજૂઆત:કાર્ગો ઝૂંપડા દૂર કરવાની નોટિસ પરત ખેંચવા માંગ કરાઇ

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રેલ્વે વિભાગ દ્વારા ગાંધીધામની કાર્ગો વસાહતમાં ઝૂંપડા દૂર કરવા અંગે અપાયેલી નોટિસ પરત ખેંચવા લેખિત રજુઆત સિનિયર ધારાશાસ્ત્રી અજમલભાઇ જી.સોલંકીએ રેલ્વે એરિયા મેનેજરને કરી છે. તેમણે જણાવ્યું હતું કે કાર્ગો કંપની સામે આવેલી ઝૂંપડપટ્ટીને તે સ્થળેથી દૂર કરવાની આપના વિભાગે નોટિસ આપી છે તે વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ગરીબ અને મજૂર વર્ગના લોકો કાયમી વસવાટ કરી રહ્યા છે અને વિભિન્ન સંસ્થાઓમાં મજૂરી કામ કરી પેટિયું રળે છે. જિલ્લા પંચાયત દ્વારા એક થી વધુ પ્રાથમીક શાળાઓ પણ ત્યાં ચલાવાઇ રહી છે જેમાં અસંખ્ય બાળકો અભ્યાસ કરે છે.

આ ઝૂંપડપટ્ટીના મજૂર પરિવારો પાસે રહેવા માટે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા નથી. છેલ્લા 7 માસથી કોરોના વાયરસ થકી થયેલ લોકડાઉનને કારણે ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો છે. શિયાળાની ઠંડી જોર પકડી રહી છે તે સંજોગોમાં જો કાર્ગો ઝૂંપડપટ્ટી વિસ્તાર તોડવામાં આવે તો ગરીબ, મજૂર પરિવારો રસ્તા ઉપર આવી જશે, તેમના બાળકોનું શિક્ષણ બગડશે, આરોગ્ય જોખમાશે, શારિરિક અને ઘરવખરીના સામાનની સલામતી જોખમાશે.

હાલમાં દીલ્હી રેલ્વે લાઇન નજીક આવેલા 48,000 ઝૂંપડાઓ રેલ્વે વિભાગ દૂર નહીં કરે તેવી બાંહેધરી સુપ્રિમ કોર્ટને આપી છે. ત્યારે કાર્ગો ઝૂંપડપટ્ટી દૂર કરવાની રેલ્વે દ્વારા નોટિસ અપાઇ છે તે યોગ્ય નથી. આ નોટિસ પરત ખેંચાય તેવી કાર્યવાહી કરવા તેમણે રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...